Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈની શાળામાં સવારની પ્રાર્થનામાં અજાન વગાડવામાં આવી: વિડીયો વાયરલ થતાં વાલીઓમાં આક્રોશ,...

    મુંબઈની શાળામાં સવારની પ્રાર્થનામાં અજાન વગાડવામાં આવી: વિડીયો વાયરલ થતાં વાલીઓમાં આક્રોશ, શિક્ષકને સસ્પેન્ડ કરી પ્રિન્સિપાલે માફી માંગી

    અજાન ચાલતી હતી તે દરમિયાન શાળા પાસે રહેતા કોઈ વ્યક્તિએ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. ત્યારબાદ તે વાયુવેગે વાયરલ થઇ ગયો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રની માયાનગરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની એક શાળામાં સવારની પ્રાર્થનામાં અજાન વગાડવામાં આવતાં ભારે હોબાળો થયો હતો. આ શાળા કપોલ ઇન્ટરનેશનલ સ્કુલ હોવાનું જાણવા મળ્યું છે. અજાન ચાલતી હતી તે દરમિયાન શાળા પાસે રહેતા કોઈ વ્યક્તિએ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. ત્યારબાદ તે વાયુવેગે વાયરલ થઇ ગયો હતો.

    મળતી માહિતી અનુસાર આ શાળા શહેરના કાંદિવલી વિસ્તારમાં આવેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને જ્યારે તેના વિશે જાણ થઇ ત્યારે શાળા પરિસર પાસે વાલીઓનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઘટનાનો વિરોધ કર્યો હતો. આ વિરોધમાં સ્થાનિક ભાજપ નેતાઓ પણ જોડાયા હતા. આ આખી ઘટના વિશે વાલીઓનો આરોપ છે કે સવારની પ્રાર્થના સમયે જે અજાન વગાડવામાં આવી તે જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે. વાયરલ થયેલા વિડીયોમાં પણ જોઈ શકાય છે કે સવારના સમયે શાળા તરફથી અજાનનો અવાજ આવી રહ્યો છે.

    આ મામલે ડીસીપી અજય કુમાર બંસલે પણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ સબંધિત પોલીસ ફરિયાદ અમને મળી ચૂકી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનાની બારીકાઈથી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    મુંબઈની શાળામાં સવારની પ્રાર્થનામાં અજાન વગાડવા મામલે શાળાના પ્રિન્સિપાલે શરૂઆતમાં દલીલ આપી હતી કે ધોરણ 4થી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને અલગ-અલગ ધર્મો વિશે માહિતી આપવા માટે અજાન વગાડવામાં આવી હતી. જેના માટે આ રેકોર્ડિંગ શાળાના એક શિક્ષક દ્વારા વગાડવામાં આવ્યું હતું. મામલાને ખોટી રીતે આગળ વધારાતોહોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

    મામલો વણસતા માફી માંગવી પડી

    નોંધનીય છે કે પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવેલી આ દલીલ વાલીઓના ગળા નીચે નહોતી ઉતરી અને મામલો વધુ ગરમાયો હતો. જે બાદ પરિસ્થિતિને વણસતી જોઈ પ્રિન્સિપાલે માફી માંગવી પડી હતી. સાથે જ આ પ્રકારનું વિવાદિત રેકોર્ડિંગ વગાડનાર શિક્ષકને કાઢી મૂકવામાં આવ્યા હતા.

    પ્રિન્સિપાલે માફી માંગતા જણાવ્યું હતું કે, “અમે વચન આપીએ છીએ કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના નહીં ઘટે. આ એક હિંદુ શાળા છે અને અમારી પ્રાર્થનાઓમાં ગાયત્રીમંત્ર અને સરસ્વતી વંદનાનો સમાવેશ થાય છે. અમે ફરી આવી કોઈ ઘટના નહીં ઘટે તેનું આશ્વાસન આપીએ છીએ.” જોકે, ઘટના બાદ સ્થાનિક ભાજપ આગેવાન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને શિક્ષક વિરુદ્ધ આક્રમક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી. મામલાને લઈને હાલ શાળાનું શૈક્ષણિક કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં