Monday, July 1, 2024
More
    હોમપેજદેશમુંબઈની કૉલેજમાં લાગુ કરવામાં આવ્યો ડ્રેસ કોડ, ઇસ્લામીઓએ બુરખા-હિજાબ પર પ્રતિબંધ ગણાવીને...

    મુંબઈની કૉલેજમાં લાગુ કરવામાં આવ્યો ડ્રેસ કોડ, ઇસ્લામીઓએ બુરખા-હિજાબ પર પ્રતિબંધ ગણાવીને નિર્ણયને કહી દીધો ‘ઈસ્લામોફોબિક’

    અમુક મુસ્લિમ વિદ્યાર્થીઓએ કૉલેજ પ્રશાસનને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. બીજી તરફ, સોશિયલ મિડિયા પર અમુક ઇસ્લામીઓ આ યુનિફોર્મ પોલિસીને ‘ઈસ્લામોફોબિક’ ગણાવી રહ્યા છે.

    - Advertisement -

    મુંબઈની એક કૉલેજે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ લાગુ કર્યો. આ કોલેજ છે ચેમ્બુર સ્થિત આચાર્ય મરાઠે કૉલેજ. અહીં ડિગ્રી કૉલેજ સ્ટુડન્ટ્સ માટે નવી યુનિફોર્મ પોલિસી અમલમાં મૂકવામાં આવી. જે હેઠળ કૉલેજ પરિસરમાં હિજાબ, બુરખા, નકાબ અને અન્ય ધાર્મિક-મઝહબી પોશાક પહેરી શકાશે નહીં. 

    આ નવો ડ્રેસ કોડ જૂન, 2024થી અમલમાં આવશે. નોંધનીય છે કે આ પહેલાં ગત વર્ષે કૉલેજે આ જ પ્રકારની એક યુનિફોર્મ પોલિસી જુનિયર કૉલેજ સ્ટુડન્ટ્સ માટે પણ અમલમાં મૂકી હતી. નવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે કે, કૉલેજના ડિગ્રી સ્ટુડન્ટસે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક કૉમન રૂમમાં ધાર્મિક પહેરવેશ ઉતારી દેવાનો રહેશે અને ત્યારબાદ જ તેઓ વર્ગખંડમાં પ્રવેશ મેળવી શકશે. 

    આ મામલે કૉલેજે હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો નથી. પરંતુ દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારની નવી ગાઈડલાઈન ફરી રહી છે. ડ્રેસ કોડમાં જણાવવામાં આવ્યું છે કે, ‘બુરખા, નકાબ, હિજાબ, બેજ, કેપ કે સ્ટૉલ જેવાં કોઇ પણ ધાર્મિક-મઝહબી ઓળખ ચિહ્નને કૉલેજમાં પ્રવેશતાં પહેલાં ગ્રાઉન્ડ ફ્લૉર પર આવેલા કૉમન રૂમમાં હટાવી દેવાનાં રહેશે.”

    - Advertisement -

    નવા નિયમો અનુસાર, વિદ્યાર્થીઓએ ફોર્મલ અને સભ્ય પોશાક પહેરવાના રહેશે. જેમાં પુરુષ વિદ્યાર્થીઓએ રેગ્યુલર ટ્રાઉઝર્સ સાથે ફૂલ અથવા હાફ સ્લીવ શર્ટ અને મહિલાઓએ વેસ્ટર્ન કે ઇન્ડિયન સભ્ય પોશાક પહેરવાનો રહેશે. 

    રિપોટ્સ જણાવી રહ્યા છે કે અમુક મુસ્લિમ વિદ્યાર્થીઓએ કૉલેજ પ્રશાસનને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. બીજી તરફ, સોશિયલ મિડિયા પર અમુક ઇસ્લામીઓ આ યુનિફોર્મ પોલિસીને ‘ઈસ્લામોફોબિક’ ગણાવી રહ્યા છે. આવી ઘણી પોસ્ટ જોવા મળી રહી છે. 

    એક વ્યક્તિએ હિંદુઓ માટે અપશબ્દો પણ લખ્યા અને કહ્યું કે તેઓ ઈસ્લામવિરોધી છે. સાથે આ નિર્ણયનો વિરોધ કર્યો. 

    અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ‘આચાર્ય મરાઠે કૉલેજે પરિસરમાં બુરખા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઈસ્લામવિરોધી નિર્ણય માત્ર મુસ્લિમ વિદ્યાર્થિનીઓને જ ટાર્ગેટ કરવા માટે લેવાયો છે. 

    અન્ય એકે લખ્યું કે, કૉલેજનાં 45 વર્ષ બાદ આ પ્રકારનો ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો અને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં