Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછત્રપતિ સંભાજી મહારાજના નામ પરથી ઓળખાશે મુંબઈનો કોસ્ટલ રોડ: મુખ્યમંત્રી એકનાથ શિંદેની...

    છત્રપતિ સંભાજી મહારાજના નામ પરથી ઓળખાશે મુંબઈનો કોસ્ટલ રોડ: મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઘોષણા

    આ આઠ લેન હાઈ-વે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવને બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડાને જોડશે. જે પૂર્ણ થયા બાદ મરીન ડ્રાઈવથી સી લિંક સુધીની 50-60 મિનિટનું અંતર માત્ર 20 મિનિટમાં કપાઈ જશે.

    - Advertisement -

    મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં નિર્માણાધીન કોસ્ટલ રોડનું નામ છત્રપતિ સંભાજી મહારાજના નામ પરથી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

    રવિવારે (14 મે, 2023) મહારાષ્ટ્ર સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ કોસ્ટલ રોડનું નામ છત્રપતિ સંભાજી મહારાજના નામ પરથી રાખવાની ઘોષણા કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે છત્રપતિ સંભાજી મહારાજની આજે જન્મજયંતી છે. 

    સંભાજી મહારાજની જન્મજયંતી પર આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે સીએમ શિંદેએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, શિવાજી મહારાજે સ્વરાજ્યની સ્થાપના કરી હતી અને સંભાજી મહારાજે વારસો આગળ ધપાવ્યો હતો. તેમની વીરતાની સ્મૃતિ જાળવી રાખવી જરૂરી છે. તેમણે મુઘલ શાસકો સામે સંઘર્ષ કર્યો, અનેક યુદ્ધો લડ્યાં, પરંતુ ક્યારેય હાર ન માની. આ ઉપરાંત, તેમણે એવી પણ જાહેરાત કરી કે કોસ્ટલ રોડના એક છેડે સંભાજી મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવશે. લોકોએ સંભાજી મહારાજના સમર્થનમાં નારા લગાવીને સીએમ શિંદેના આ નિર્ણયને વધાવી લીધો હતો.

    - Advertisement -

    છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના બીજા શાસક હતા તેમજ તેઓ આ સામ્રાજ્યના સ્થાપક અને મહાન હિંદુ રાજા છત્રપતિ શિવાજી મહારાજના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો જન્મ વર્ષ 1657માં થયો અને 1680માં પિતા શિવાજી મહારાજના દેહાવસાન બાદ રાજગાદી સંભાળી હતી. તેઓ બહાદૂરી અને કૌશલ્ય માટે જાણીતા હતા. આજે પણ તેમને એક મહાન રાજા અને નાયક તરીકે ઓળખવામાં આવે છે. 

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની સરકાર છત્રપતિ સંભાજી મહારાજના નામ પરથી એક નગરનું નામ પણ રાખી ચૂકી છે. તાજેતરમાં જ સરકારે રાજ્યના બહુ જાણીતા નગર ઔરંગાબાદનું નામકરણ છત્રપતિ સંભાજી નગર કર્યું હતું. જ્યારે તેની સાથે ઉસ્માનાબાદનું નામ ધરાશિવ કરવામાં આવ્યું હતું. ઔરંગાબાદનું નામ બદલવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, આખરે શિંદે-ફડણવીસ સરકારે નગરનું નામકરણ કર્યું હતું. 

    શું છે મુંબઈ કોસ્ટલ રોડ? 

    મુંબઈ કોસ્ટલ રોડ એ મહારાષ્ટ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ આઠ લેન હાઈ-વે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવને બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડાને જોડશે. તેનું કામ વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું અને નવેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે. જે પૂર્ણ થયા બાદ મરીન ડ્રાઈવથી સી લિંક સુધીની 50-60 મિનિટનું અંતર માત્ર 20 મિનિટમાં કપાઈ જશે. પ્રોજેક્ટ પાછળ 12,700 કરોડનો ખર્ચ થનાર છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં