Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો: હવે મળશે ઝેડ પ્લસ સિક્યુરિટી, 58 જવાનો...

    ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો: હવે મળશે ઝેડ પ્લસ સિક્યુરિટી, 58 જવાનો રહેશે તહેનાત

    ઇન્ટેલિજન્સ બ્યુરોના એક રિપોર્ટમાં મુકેશ અંબાણીના જીવને જોખમ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગૃહ મંત્રાલયે તેમને આપેલી સુરક્ષામાં વધારો કર્યો હતો.

    - Advertisement -

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને અપાયેલી સુરક્ષામાં કેન્દ્ર સરકારે વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયે હવે તેમને Z પ્લસ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. જ્યારે અત્યાર સુધી તેમને Z કેટેગરીની સુરક્ષા મળતી હતી. 

    એક રિપોર્ટ અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યુરોના એક રિપોર્ટમાં મુકેશ અંબાણીના જીવને જોખમ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગૃહ મંત્રાલયે તેમને આપેલી સુરક્ષામાં વધારો કર્યો હતો. 

    મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર ગત વર્ષે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી, જેમાં ધમકીભર્યો પત્ર પણ મળ્યો હતો. જોકે, આ આખું તરકટ મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાજેએ રચ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ કેટલાક કિસ્સાઓને ધ્યાનમાં લેતાં મુકેશ અંબાણીની સુરક્ષાને લઈને સતત વિચારણા ચાલી રહી હતી.

    - Advertisement -

    ઝેડ પ્લસ સુરક્ષા દેશના ખ્યાતનામ અને વીવીઆઈપી કક્ષામાં આવતા લોકોને ગૃહમંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવી છે. આ સૌથી ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા છે. તેની ઉપર માત્ર SPG સુરક્ષા આવે છે, પરંતુ તે માત્ર વડાપ્રધાનને જ મળે છે. 

    અત્યાર સુધી મુકેશ અંબાણીને ઝેડ સુરક્ષા મળતી હતી, પરંતુ હવે ઝેડ પ્લસ સુરક્ષા મળતાં તેમની સુરક્ષામાં કુલ 58 જવાનો 24 કલાક તહેનાત રહેશે. આ જવાનો જર્મનીમાં બનેલી હેકલર એન્ડ કોચ MP5 સબમશીન ગન સહિતનાં અત્યાધુનિક હથિયારોથી લેસ રહે છે. 

    જવાનો પૈકી 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ, 6 PSO, 24 જવાન, 2 એસ્કોર્ટમાં રાઉન્ડ ધ ક્લોક અને 5 વોચર્સ બે શિફ્ટમાં તહેનાત રહેશે. એક ઇન્સ્પેકટર સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ તરીકે કાયમ સાથે રહે છે. સાથે જ 6 રાઉન્ડ ધ ક્લોક ડ્રાઈવર પણ તહેનાત રાખવામાં આવે છે. આ ઉપરાંત, અંબાણી પરિવારની સુરક્ષામાં તેમના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ પણ રહે છે, પરંતુ તેમની પાસે કોઈ હથિયારો હોતાં નથી. 

    વર્ષ 2013માં મુકેશ અંબાણીને હિઝબુલ મુજાહિદ્દીનની ધમકી મળ્યા બાદ ઝેડ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, જ્યારે તેમનાં પત્ની નીતા અંબાણીને 2016માં કેન્દ્ર સરકારે વાય પ્લસ સુરક્ષા આપી હતી. તેમનાં સંતાનોને પણ રાજ્ય સરકાર તરફથી સુરક્ષા આપવામાં આવે છે. 

    મુકેશ અંબાણી અને તેમના પરિવારને મળતી સુરક્ષાઓનો મુદ્દો ઘણીવાર કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. 2020માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને મુકેશ અંબાણી અને તેમના પરિવારને મળતી સુરક્ષા પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે તે ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં