સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ઝેરીલું ભાષણ આપતો સાંભળવા મળે છે. જેની ઓળખ મુફ્તી સલમાન અઝહરી તરીકે થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો જૂનાગઢ શહેરમાં યોજાયેલા મુસ્લિમ સમુદાયના એક કાર્યક્રમ દરમિયાનનો છે, જે બુધવારે (31 જાન્યુઆરી, 2024) યોજાયો હતો.
ગઈ કાલ રાત્રીના મુસ્લિમોની એક સભા થઈ ગઈ.. હજારો જુનાગઢના મુસ્લિમ લોકો ભેગા થયા હતા..
— Brijesh Sheladiya (@BrijeshShelad16) February 1, 2024
વક્તા મુફતી મુહમ્મદ સલમાન અઝહરી..
જાહેરમાં બોલ્યા આજ કુતો કા વક્ત હૈ કલ હમારા આયેગા..
રાજ્ય સરકાર ખાસ નોંધ લે કે આનો પ્લાન શું છે શું કરવા માગે છે @Bhupendrapbjp@GujaratPolice@dgpgujarat pic.twitter.com/p2da7gNvTF
વિડીયોમાં અઝહરી કહે છે કે, “અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ…કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા… આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” (હજુ તો કરબલાનું અંતિમ યુદ્ધ બાકી છે… થોડા સમયની શાંતિ છે, પછી ફરી અવાજ થશે. આજે કૂતરાઓનો સમય છે, કાલે આપણા જમાના પણ આવશે.) આટલું કહીને તે ‘લબ્બેક યા રસૂલલ્લાહ’ના નારા લગાવે છે અને સામેની ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે.
22 સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને પોસ્ટ કરીને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
મુસ્લિમોની એક ભવ્ય સભા થઈ ગઈ..
— Naresh Kumbhani 🇮🇳 (@inareshkumbhani) February 1, 2024
વક્તા હતા.મુફતી મુહમ્મદ સલમાન અઝહરી..
જાહેરમાં બોલ્યા આજ કુતો કા વક્ત હૈ કલ હમારા આયેગા.. *આટલું ભડકાઉ ભાષણ છે pic.twitter.com/t9U1bWJdv9
ઑપઇન્ડિયાએ વધુ તપાસ કરતાં આ ભાષણનો આખો વિડીયો પણ મળી આવ્યો. લગભગ 53 મિનીટના આ વિડીયોમાં ઘણી ભડકાઉ વાતો કહેવામાં આવી છે, જેમાંથી અંતિમ ક્ષણોમાં કહેવામાં આવેલાં કેટલાંક વાક્યોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સંપૂર્ણ આ ભાષણનો વિડીયો UT ઈસ્લામિક ચેનલે પોસ્ટ કર્યો છે. જેમાં વક્તા તરીકે મુફ્તી સલમાન અઝહરીનો ઉલ્લેખ છે, જ્યારે સ્થળમાં જૂનાગઢ, ગુજરાત અને તારીખ 31 જાન્યુઆરીની લખવામાં આવી છે. વિડીયો 1 ફેબ્રુઆરી, 2024ના રોજ અપલોડ થયો છે.
ભાષણની શરૂઆતમાં અઝહરી જૂનાગઢના ઇતિહાસનો ઉલ્લેખ કરીને કહે છે કે, જૂનાગઢવાળા તો જલ્દી કોઈના હાથમાં આવ્યા પણ નથી. તેમને અંદર લેવા માટે ઘણા પ્રયાસો કરવા પડ્યા. જે રીતે ત્યારે તમે જલ્દી કોઈના હાથે નહતા આવ્યા, હું ઇચ્છું છું કે આજે બીજા કોઈનો પટ્ટો ગળામાં ન પહેરશો, આપણને માત્ર તાજદાર-એ-મદીનાની ગુલામીની નિસબત છે.” ત્યારબાદ ‘ગુલામ હૈ ગુલામ હૈ, રસૂલ કે ગુલામ હૈ’ના નારા પણ લાગે છે.
આગળ તે કહે છે કે, “મારો આ પેગામ પહોંચાડી દેજો, કોઇ મસ્જિદમાં બૂત રાખી દેવાથી મસ્જિદ બૂતખાના નથી બની જતી. કારણ કે તમે તો એક રાખી છે, કાબામાં તો 360 રાખ્યા હતા, પણ તેમ છતાં કાબા કાબા જ રહ્યું, ત્યાં ન તવાફ બંધ થઈ ન હજ.” નોંધવું જોઈએ કે ‘બુત’ શબ્દનો અર્થ મૂર્તિ અથવા પ્રતિમા થાય છે.
આગળ મુસ્લિમો પરના એક યહૂદી વ્યક્તિના કથિત રિસર્ચનો હવાલો આપીને કહ્યું કે, “મુસ્લિમોને મારવામાં આવ્યા, કતલ કરવામાં આવી, બાળકોને મારવામાં આવ્યાં, મહિલાઓને લૂંટી લેવામાં આવી, ઘર તબાહ કરવામાં આવ્યાં, મસ્જિદો સળગાવવામાં આવી, પણ ફરી તેમને એકઠા કરનાર તેમનો નેતા નથી હોતો, તેઓ જ્યારે-જ્યારે વિખેરાઈને ફરીથી એકઠા થયા છે ત્યારે મોહમ્મદના નામે જીવતા થયા છે. તાજદાર-એ-મદીનાના નામે એકઠા થયા છે.”
આગળ મુસ્લિમ યુવાનોને સંબોધીને કહે છે કે, “આરબ બેભાન થઈ ગયું છે, તેમને ઈન્ટરનેટનો નશો આપવામાં આવ્યો. તમને પણ આપવામાં આવ્યો છે. એટલો નશો છે કે દરેક મહોલ્લો આજે નશાથી ભરપૂર છે. હવે દુનિયા ચેક કરી રહી છે કે તેઓ પૂરેપૂરા બેભાન છે કે નહીં અને ઉમ્મદને (મુસ્લિમ સમુદાય) ચેક કરવાનો તેમની પાસે એક જ ઉપાય છે- હજૂરની શાનમાં, ઈસ્લામની શાનમાં, કુરાનની શાનમાં ગુસ્તાખી કરશે, ગાળો આપશે, નાના કૂતરાને બહાર લાવશે, તેઓ ભોંકતા રહેશે, એ ચેક કરવા માટે કે મુસલમાન પૂરેપૂરા બેભાન થઈ ગયા કે હજુ ભાનમાં છે. આરબ તો બેભાન થઈ ગયા, પણ ખુદાના કરોડો અહેસાન છે કે હિન્દુસ્તાન બેભાન નથી થયું. એક કૂતરો પુકારે છે કે હજારો જગ્યાએથી અવાજ આવે છે- લબ્બેક યા રસૂલલ્લાહ.” ભાષણમાં આગળ કહે છે, “2 વર્ષ પહેલાં એક કૂતરો હજુરની શાનમાં ભોંકતો હતો, હૃદયમાં પીડા થતી હતી. મનમાં થતું હતું કે હવે ચર્ચા કરવાની જરૂર નથી, વાતચીતની જરૂર નથી, આવી જાઓ સીધા મેદાનમાં, આમનેસામને વાત કરીએ.”
અઝહરીએ આગળ કહ્યું, “આ કોમને માત્ર અલ્લાહુ અકબર કહેવામાં આવે ત્યારે જ તે ઝૂકે છે. આ અમારી ખાસિયત છે. આ હું તેમને કહેવા માંગું છું, જેઓ સંપત્તિ અને 10 વર્ષની સત્તાનો લોલીપોપ દેખાડીને કહે કે આવી જાઓ, ચરણોમાં માથું રાખી દો. તમારી પાસે એ જ આવી શકે જે ગદ્દાર છે, જે નબીને વફાદાર હોય તે તમારા માથા પર પગ મૂકીને કહેશે કે- મેરે નબી સે મેરા રિશ્તા કલ ભી થા ઔર આજ ભી હૈ.” આગળ કહ્યું, “મોટા-મોટા તાનાશાહ આવ્યા છે અને બરબાદ થઈ ગયા છે, હવે તો કશું નથી…હવાનાં ઝોકાં છે અને હવામાં જ વહી જશે. તમારા ઈમાનની પરીક્ષા છે. તમે ટકી રહ્યા તો અલ્લાહની મદદ જરૂરથી આવશે.”
અન્ય પણ ઘણી ભડકાઉ વાતો કહી
મુફ્તી અઝહરીએ આગળ કહ્યું, “પોતાનાં બાળકોને કહો કે માત્ર હલવા-પરાઠા ખાવાનું નામ આશિક-એ-રસૂલ નથી, માત્ર નાનખટાઈ અને પેંડા-જલેબી ખાવાનું નામ સુન્ની નથી, સુન્ની કોણ છે? જેઓ રસૂલલ્લાહના નામે માથાં કપાવે છે. ક્યારેક સમય આવ્યો મુસીબત વેઠવાનો તો આપણે તે માટે પણ તૈયાર છીએ. આપણે હજૂરની મોહબ્બતમાં શું આપ્યું છે? શું મિલાદ પર એક વખત ઝંડી લગાવી દેવી કે લાઇટિંગ કરવું એ હજૂરની મોહબ્બતમાં હક અદા કરવું કહેવાય? આજે તો અમે તમારી ગરદનોની હાલત વિશે પણ નથી પૂછી રહ્યા, પણ વાત માત્ર એટલી છે કે કુત્તાઓ જ્યારે હજૂરની શાનમાં ભોંકી રહ્યા હોય તેમની અખલાકને (ઉર્દૂ શબ્દનો અર્થ નૈતિકતા થાય છે) ખતમ કરવાની વાત થતી હોય ત્યારે આપણો નૌજવાન રાતભર પબજી રમે છે, ઈન્ટરનેટ વાપરે છે, ત્યારે પીડા થાય છે. તમારા ઘરને આગ લગાવવામાં આવી રહી છે અને તમે ટિકટોક પર મુજરા કરી રહ્યા છો. “
આગળ મુસ્લિમ યુવાનોને સંબોધીને કહ્યું, “તમે હવે હજૂર-એ-અખલાકને હવે હલકામાં લેવાનું શરૂ કરી દીધું છે. ઈસ્લામને હલકામાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે વાત અહીં સુધી પહોંચી છે કે ન આપણી મસ્જિદો સુરક્ષિત છે ન આપણી ટોપી, દાઢી કશું જ સુરક્ષિત નથી.” આગળ તે એક કથિત કિસ્સો ટાંકીને મોહમ્મદ બિન કાસિમનું મહિમામંડન પણ કરે છે અને કહે છે કે, તે બહેનની લૂંટાયેલી ઈજ્જત બચાવવા માટે હિંદુસ્તાનમાં હજારોનું લશ્કર લઈને આવ્યો હતો. ભાષણ દરમિયાન કાસિમને આ જમીન પર ‘પરચમ-એ-ઈસ્લામ’ સૌથી પહેલો લહેરાવનારો પણ ગણાવ્યો હતો.
ભાષણના અંતે અઝહરી કહે છે કે, “ઇન્કલાબ તમારા ઘરથી જ થશે. તેમની એટલી હિંમત નથી કે મસ્જિદોને બૂતખાનાં બનાવી દે. તમે મસ્જિદો જ વેરાન છોડી દીધી છે અને આપણે ત્યાં મહાવરો છે કે મેદાન ખુલ્લું રહે ત્યારે ત્યાં કૂતરાનું શાસન આવી જાય છે. મેદાનમાં ચાલતા-ફરતા રહો તો ત્યાં કૂતરા નહીં આવે.”
ભાષણને અંતે કહે છે કે, “સુન્નીઓ એ વિશ્વાસ સાથે અહીં જૂનાગઢથી ઊઠજો કે, કોઇ તમારું મસીહા નથી, હુકુમત કરનારી પાર્ટી પણ નહીં અને વિરોધ પક્ષ પણ નથી. બની શકે થોડા દિવસ આપણી ભાવનાઓ સાથે કોઇ રમી શકે અને તમને કોઇ બોલાવે. અમે બધું જ જોઈ લીધું…..તમે ક્યાં ઊભા છો? અમારાં બાળકો લૂંટાયાં ત્યારે પણ અમારી સાથે ઉભા રહેનારું કોઈ નહીં, મસ્જિદો લૂંટાઈ ગઈ ત્યારે અમારી સાથે કોઇ નહીં, મેદાન કે પાર્લામેન્ટમાં કોઇ અમારી વાત કરનારું નથી. બધા સેક્યુલરિઝમના રાગ આલાપતાં એ લોકોની વાત કરી શકે, પણ 20-25 કરોડ મુસલમાનોની વાત કરનારું કોઈ નથી.”
“આપણા મરવાથી ઈસ્લામ ખતમ નહીં થાય”
આગળ કહે છે કે, “દુનિયા આપણને કહે છે કે તમે સાચા છો કે મારવામાં કેમ આવે છે, કાપવામાં આવે છે, પેલેસ્ટાઇન, ઈરાન, બર્મા બધે જ કાપવામાં અને મારવામાં આવે છે. તે જાલિમોને જવાબ એટલો આપજો કે અમે પરવાના છીએ મુહમ્મદ રસૂલલ્લાહના અને પરવાનો મરવા જ પેદા થયો હોય છે. જો આપણને મારવામાં આવે તો યાદ રાખો કે આપણા મરી જવાથી ઈસ્લામ ખતમ નથી થઈ જવાનો, તે ખતમ થવાનો હોત તો કરબલામાં ખતમ થઈ જાત. પરંતુ તે દરેક કરબલા બાદ જીવંત થાય છે.”
ભાષણના અંતે હિન્દીમાં કહે છે કે, “ન ગભરાઓ મુસલમાનો, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ. અભી કુરાન બાકી હૈ. આ જાલિમ કાફિર ક્યા સમજતે હૈ જો રોજ હમસે ઉલઝતે હૈ, અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ. કુછ દેર કી ખામોશી હૈ, શોર આયેગા…..આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” ત્યારબાદ લબ્બેક યા રસૂલલ્લાહના નારા લાગે છે અને ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે.
મામલાને લઈને જ્યારે ઑપઇન્ડિયાએ જૂનાગઢ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે પોલીસે વિડીયોનું સંજ્ઞાન લીધું છે અને એક નિવેદન પણ આપશે. જોકે, પછીથી ફરીથી પ્રયાસ કરતાં સંપર્ક સ્થાપિત થઈ શક્યો ન હતો. જેથી આ પ્રકાશિત થઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોઇ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ધ્યાને નથી. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.
તાજી અપડેટ
તાજી જાણકારી મુજબ જૂનાગઢના ઉચ્ચ પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં Dysp હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે કે, “અમે આખું ભાષણ મેળવીને કાનૂની તજજ્ઞોના અભિપ્રાય માટે મોકલી આપ્યું છે. જો ભડકાઉ હશે તો કાર્યવાહી કરવામાં આવશે.”