Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાક. સેનાએ ઝીણાને ધીમું ઝેર આપીને માર્યા હતા’: ભારતમાં 'હિંદુરાજ'ના સમર્થક અલ્તાફ...

    ‘પાક. સેનાએ ઝીણાને ધીમું ઝેર આપીને માર્યા હતા’: ભારતમાં ‘હિંદુરાજ’ના સમર્થક અલ્તાફ હુસૈનનો દાવો, કહ્યું- ત્યાં આર્મી જનરલો પોતાને અલ્લાહથી વધુ શક્તિશાળી માને છે

    અલ્તાફ હુસૈન સમયાંતરે ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિરોધ કરતા રહે છે. અગાઉ તેમણે બંને દેશોને ફરી સાથે આવવા અપીલ કરી હતી

    - Advertisement -

    પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ થયા બાદ પાકિસ્તાની સેના સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કહેવાય છે કે એક સમયે સેનાના પ્રિય ગણાતા ઇમરાન ખાનને હટાવીને તેમની જગ્યાએ શાહબાઝ શરીફને પીએમ બનાવવામાં આવ્યા છે. એ પછી સેનાના ઈશારે ઇમરાન ખાન પર કેસ કરવામાં આવ્યા હતા. દેશનિકાલ બાદ લંડનમાં સ્થાયી થયેલા મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM)ના વડા અલ્તાફ હુસૈને એક ઇન્ટરવ્યૂમાં સેનાની કરતૂતો ઉઘાડી પાડી હતી.

    અલ્તાફ હુસૈને કહ્યું કે, પાકિસ્તાનની રચના થઈ ત્યારથી જ દેશના રાજકરણ પર સેનાનું વર્ચસ્વ છે. કોઈ વ્યક્તિ એકવાર સેનાનો વિશ્વાસુ બની જાય પછી તે ગેંગમાંથી પાછો નીકળી નથી શકતો. બદલામાં સેના તેને ભરપૂર ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપે છે. DWને આપેલા ઇન્ટરવ્યૂમાં હુસૈને કહ્યું કે, “પાકિસ્તાનમાં મૂળ ગદ્દાર સૈન્ય જનરલો છે અને ગદ્દારીનો આરોપ બીજા પર લગાવનારા પણ એ જ લોકો છે. છેલ્લા 75 વર્ષથી પાકિસ્તાનમાં 2% એલીટ આર્મી જ રાજ કરી રહી છે. તેઓ પોતાને અલ્લાહથી પણ શક્તિશાળી માને છે. આ જ કારણ છે કે પાકિસ્તાન IMFના વેન્ટિલેટર પર ચાલી રહ્યું છે.”

    પાકિસ્તાનમાં સૈન્યની કરતૂતો વિશે વાત કરતા અલ્તાફ હુસૈન જણાવે છે કે, “મિલિટરીએ સૌથી પહેલા ફાઉન્ડર ઓફ પાકિસ્તાન કાયદે આઝમ (મોહમ્મદ અલી ઝીણા)ને ધીમું ઝેર આપીને રસ્તા પરથી દૂર કર્યા. બાદમાં તેમનો જમણો હાથ કહેવાતા લિયાકત અલી ખાનને શહીદ કર્યા અને એ પછી અયૂબ ખાનના જમાનામાં મોહતરમા ફાતિમા જિન્નાની પણ હત્યા કરવામાં આવી હતી.”

    - Advertisement -

    અલ્તાફ હુસૈને એવો આરોપ મૂક્યો કે, 1947થી આર્મી અને તેના જનરલો સરકારની તમામ સિસ્ટમ પર કબજો જમાવી બેઠા છે. નવાઝ શરીફ, આસીફ અલી ઝરદારી, બેનઝીર ભુટ્ટો કે પછી કોઈનું પણ શાસન હોય, તેઓ પહેલા રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટરમાં અને પછી ISI હેડક્વાર્ટરમાં જઈને સજદા કરશે. એના વગર તેઓ શાસન નહીં કરી શકે.

    નવાઝ શરીફ સાથેના સંબંધ અંગે MQMના સ્થાપકે કહ્યું કે, હું તેમને મારો મિત્ર માનતો હતો પણ તેણે મારી સાથે વારંવાર દગો કર્યો. શક્ય છે કે શરીફ પાકિસ્તાન જાય તો આર્મીની જીહજૂરી કરીને પાછા પીએમ બની જાય.

    અલ્તાફ હુસૈન કોણ છે?

    અલ્તાફ હુસૈનને પાકિસ્તાનમાં મુહાજિર માનવામાં આવે છે. મુહાજિર પાકિસ્તાનનો એ સમુદાય છે, જે ઉર્દૂ બોલે છે અને ભાગલા વખતે ભારતથી પાકિસ્તાન આવ્યો હતો. પંજાબી વર્ચસ્વવાળા પાકિસ્તાનમાં મુહાજિરોને બીજા વર્ગના નાગરિકો ગણવામાં આવે છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે. અલ્તાફ હુસૈનનો પરિવાર આગ્રાના નાઈ કી મંડી વિસ્તારનો છે. ભાગલા પહેલા અલ્તાફ હુસૈનના પિતા અહીં રહેતા હતા અને ભારતીય રેલવેમાં નોકરી કરતા હતા. 1947માં ભાગલા બાદ તેઓ પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયા. અહીં અલ્તાફ હુસૈનનો જન્મ 17 સપ્ટેમ્બર 1953ના રોજ થયો હતો.

    ફાર્મસીનો અભ્યાસ કર્યા બાદ અલ્તાફ હુસૈને કરાચીની હોસ્પિટલમાં કામ કરવાનું શરુ કર્યું હતું. રાજકારણમાં સક્રિય હોવાના કારણે તેમણે MQM નામની પાર્ટી બનાવી, જે મુહાજિરોની પાર્ટી કહેવાય છે. MQM પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ચોથી સૌથી મોટી પાર્ટી છે.

    સેના અને રાજકારણમાં પાકિસ્તાની પંજાબના વર્ચસ્વ બાદ અલ્તાફ હુસૈન પર સમયાંતરે ડ્રગ્સની દાણચોરીથી લઈને હત્યા અને દંગાના આરોપ પણ લાગી ચૂક્યા છે. તેમના પર ભારત સાથે સંબંધ હોવાના આરોપ પણ મૂકવામાં આવ્યા હતા અને તેમની પાર્ટી વિરુદ્ધ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું. 1992માં તેઓ લંડન ગયા અને ત્યાંથી જ MQMની કામગીરી કરવા લાગ્યા હતા.

    ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિરોધ

    અલ્તાફ હુસૈન સમયાંતરે ભારત-પાકિસ્તાનના ભાગલાનો વિરોધ કરતા રહે છે. અગાઉ તેમણે બંને દેશોને ફરી સાથે આવવા અપીલ કરી હતી. 2019માં તેમણે એવું કહ્યું હતું કે, જો પીએમ મોદી મને અને મારા સાથીઓને ભારતમાં આશ્રય આપે તો હું ભારત આવવા તૈયાર છું.

    ‘હિંદુ રાજ’ના સમર્થક છે અલ્તાફ હુસૈન, પાકિસ્તાનને દુનિયાનું કેન્સર કહ્યું

    અલ્તાફ હુસૈને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યું હતું કે, વર્તમાન સરકારને ભારતમાં ‘હિંદુ રાજ’ સ્થાપવાનો હક છે. તેમણે આ નિર્ણયનો વિરોધ કરનારા અસદુદ્દીન ઓવૈસીની પણ ટીકા કરતી હતી.

    વર્ષ 2016માં અલ્તાફ હુસૈને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પાકિસ્તાન દુનિયાનું કેન્સર છે. આને લઈને પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો અને MQM નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કડક થઈ ગઈ હતી. ત્યારબાદ હુસૈને આ અંગે માફી પણ માગી હતી. પાર્ટી વિરુદ્ધ કાર્યવાહીને કારણે પાર્ટીમાં બીજા નંબરનો દરજ્જો ભોગવનારા ફારૂક સત્તાર સહિતના નેતાઓ અને સાંસદોને પકડી લેવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ સત્તારે અલ્તાફ હુસૈનનો વિરોધ કર્યો અને MQM-P (મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ – પાકિસ્તાન) નામથી એક અલગ પાર્ટી બનાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં