MPના મૈહરની એક આદિવાસી સગીરા પર સામૂહિક બળાત્કાર કરનાર આરોપીઓનાં ઘર પર રાજ્યની શિવરાજસિંહ સરકાર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આરોપીઓએ પાણી ભરવા ગયેલી 11 વર્ષીય બાળકીને જંગલમાં લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. તે ગુમ થયા બાદ પરિવારે આદરેલી શોધખોળમાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જે બાદ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે MPના મૈહરની રહેવાસી સગીરા પર બળાત્કાર કરનાર બંને આરોપીઓના ગેરકાયદેસર બાંધવામાં આવેલા મકાન પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર MPના મૈહરની સગીરા પર બળાત્કાર આચરવાની આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયા બાદ આરોપીઓએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. ત્યારે તેમના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઘર પર સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરીને તેને તોડી નાખ્યું હતું.
આ ઘટનાને લઈને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક ટ્વિટ પણ કર્યું. જેમાં તેમણે કહ્યું કે, મૈહરમાં દીકરી સાથે દુષ્કર્મની જાણકારી મળી, મન પીડાથી ભરાયેલું છે. વ્યથિત છું. મેં પોલીસને નિર્દેશ આપ્યા છે કે એક પણ ગુનેગાર બચવો ન જોઈએ. પોલીસે ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. તંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે કે દીકરીની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવે. એક પણ ગુનેગાર બચશે નહીં, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
मैहर में बेटी के साथ दुष्कर्म की जानकारी मिली है, मन पीड़ा से भरा हुआ है, व्यथित हूं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 28, 2023
मैंने पुलिस को निर्देश दिए हैं कि कोई भी अपराधी बचना नहीं चाहिए
पुलिस ने अपराधियों को गिरफ्तार कर लिया है ।
प्रशासन को निर्देश दिए हैं कि बेटी के समुचित इलाज की व्यवस्था की जाए ।
कोई भी…
કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓના પરિવારજનોએ ઉગ્ર દેખાવ કરીને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. જોકે તંત્ર દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવી તેને પાડી દેવામાં આવ્યા બાદ પણ લોકોમાં આરોપીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો હતો.
અન્ય મીડિયા અહેવાલો મુજબ પીડિત બાળકીની હાલત હજુ પણ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ 5 ડૉકટર પીડિતની સારવાર કરી રહ્યા છે. તો બીજી તરફ પીડિતા માટે એક એયર-એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જરૂર પડ્યે પીડિતાને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આરોપીઓએ બાળકીને જંગલમાં ઘસડી જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તો આ સિવાય જિલ્લા કલેકટર દ્વારા પીડિતાના પરિવારને સહાય રૂપે 5 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 366 (અપહરણ), 376 ડી (સામુહિક બળાત્કાર), 323 (જાણીજોઈને ઈજા પહોંચાડવી) અને પોક્સો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ ઘટનાની દરેક કડી પર નજર રાખી રહ્યા છે.