અમદાવાદ નજીકના ધંધૂકામાં બે કટ્ટરપંથી મુસ્લિમોએ હિંદુ યુવાન કિશન ભરવાડની ધોળા દહાડે હત્યા કરી નાખ્યાને આજે અઢી વર્ષ વીતી ગયાં છે. જાન્યુઆરી, 2022માં કિશન ભરવાડને ગોળી મારવામાં આવી હતી, જેના કારણે એક નવજાત બાળકી પરથી પિતાની છત્રછાયા દૂર થઈ ગઈ અને આખો એક પરિવાર રઝળી ઊઠ્યો. ઈસ્લામિક કટ્ટરતાની ભેંટ ચડી ગયેલા આ હિંદુ યુવાનને ગુજરાત આજે પણ ભુલ્યું નથી અને ન્યાયની પ્રતીક્ષા માત્ર એક પરિવારને નહીં પરંતુ કરોડો હિંદુઓને પણ છે. સોશિયલ મીડિયા પર પણ અવારનવાર આ બાબતને લઈને અવાજ ઊઠતો રહે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક સોશિયલ મીડિયા યુઝરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેની ઉપર પછીથી તેમણે જવાબ પણ આપ્યો. જે હાલ ચર્ચામાં છે.
વાસ્તવમાં, હર્ષ સંઘવીએ પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ પર એક અખબારનું કટિંગ શૅર કર્યું હતું, જેમાં એક દુષ્કર્મના કેસમાં કોર્ટના ચુકાદાના સમાચાર હતા. વલસાડના ધરમપુરમાં 2022માં એક કેસ બન્યો હતો, જેમાં એક નરાધમ બાપે પોતાની જ પુત્રી પર બળાત્કાર આચરીને ગર્ભવતી બનાવી હતી. આ કેસમાં કોર્ટે ગુનેગારને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે.
સમાચારનું કટિંગ શૅર કરીને ગૃહ રાજ્યમંત્રીએ લખ્યું કે, ‘લોકો કદાચ કેસને ભૂલી પણ ગયા હોય, પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર ન્યાય માટે લડે છે અને અમે ન માત્ર પરિવારને ન્યાય અપાવ્યો પરંતુ પિતા-પુત્રીના સંબંધો અને માનવતા માટે પણ ન્યાય સુનિશ્ચિત કર્યો છે.’
તેમની આ પોસ્ટ પર એક હિંદુ યુવાને ટિપ્પણી કરીને લખ્યું હતું કે, ‘વડીલ, કિશનભાઈ ભરવાડના પરિવાર તરફથી જયશ્રી ક્રિષ્ના.’
જેની ઉપર પછીથી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો અને લખ્યું કે, ‘જસ્ટિસ વિલ બી સર્વ્ડ ફોર શ્યોર.’ (ન્યાય જરૂરથી મળશે.’
કિશનના પરિવારને ન્યાય અપાવવા માટે અવારનવાર ઉઠતો રહે છે અવાજ
ઉલ્લેખનીય છે કે કિશન ભરવાડ કેસને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર અવાજ ઊઠતો રહે છે અને હિંદુઓ, હિંદુવાદી સંગઠનો તરફથી તેમને અને પરિવારને ન્યાય અપાવવા માટેની અને ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટેની માંગ થતી રહે છે. આ ટિપ્પણી તાજું ઉદાહરણ છે કે હિંદુઓ હજુ કિશન ભરવાડને ભૂલ્યા નથી. જોકે, સરકાર પણ નથી ભૂલી એ જાણીને હિંદુઓને થોડી આશા બંધાઈ છે. આમ તો ન્યાય તોળવાનું કામ ન્યાયતંત્રનું છે, પરંતુ આવા હાઈપ્રોફાઈલ કેસમાં એક મોટો આધાર સરકાર પક્ષેથી કેટલી ઝડપ દાખવવામાં આવે છે તેની ઉપર પણ રહેતો હોય છે.
કિશન ભરવાડ હત્યા કેસની વાત કરવામાં આવે તો માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બે ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમની હત્યા કરી નાખી હતી. તેમણે માત્ર એક વાયરલ વિડીયો શૅર કર્યો હતો, જેને લીધે કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા અને પયગંબર મોહમ્મદનું ચિત્રણ દર્શાવવાના આરોપસર ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારબાદ તેમણે લેખિત અને વિડીયોમાં માફી પણ માંગી લીધી હતી.
પરંતુ તેમ છતાં પણ કટ્ટરપંથી મૌલાનાઓથી પ્રભાવિત બે ઈસમોએ 25 જાન્યુઆરી, 2022ના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ બાઇક પર આવીને કિશન ભરવાડને ગોળી મારી દીધી હતી. તેઓ માત્ર વીસ દિવસની પુત્રીને મળવા માટે જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ મૃત્યુ થઈ ગયું. પછીથી તપાસમાં બહાર ખૂલ્યું હતું કે આ એક પૂર્વઆયોજિત કાવતરું હતું અને તેમાં કટ્ટરપંથી મૌલાનાઓ પણ સામેલ હતા, જેમણે બે ઈસ્લામીઓને તૈયાર કરીને હત્યાને અંજામ અપાવ્યો હતો. મામલાનો કેસ હાલ ચાલી રહ્યો છે.
બીજી તરફ, ગૃહ રાજ્યમંત્રીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર મુદ્દો ઉઠાવનાર સોશિયલ મીડિયા યુઝર સાથે પણ ઑપઈન્ડિયાએ વાત કરી. યુવરાજે જણાવ્યું કે, કિશન ભરવાડ હજુ પણ ભૂલાયા નથી અને તેઓ ઇચ્છે છે કે તેમને અને તેમના પરિજનોને ઝડપી ન્યાય મળે. તેમણે કહ્યું કે, આ તેમની જ નહીં પરંતુ કરોડો હિંદુઓની પણ માંગ છે. સાથે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારને પણ આ મુદ્દો ધ્યાનમાં છે તે જાણીને તેમને સંતોષ અનુભવાયો છે. આ વિષયમાં ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.