Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબીમાં મોટી દુર્ઘટના: મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટ્યો, સેંકડો લોકો...

    મોરબીમાં મોટી દુર્ઘટના: મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટ્યો, સેંકડો લોકો પાણીમાં પટકાયા, રાહત-બચાવ કામગીરી શરૂ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃતકો-ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરી.

    - Advertisement -

    મોરબીમાં મોટી દુર્ઘટના ઘટી છે. શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં સેંકડો લોકો ડૂબી ગયા છે. હાલ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.  જોકે, આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. 

    આ પુલ થોડા દિવસો પહેલાં બેસતા વર્ષના દિવસે જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સાંજના અરસામાં પુલ પર મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતાં પુલના વચ્ચેથી બે કટકા થઇ ગયા હતા અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. લગભગ 400થી 500 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    ઘટનાની નોંધ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ લીધી છે અને જણાવ્યું છે કે તેઓ સતત જિલ્લા  તંત્ર સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

    - Advertisement -

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન સાથેના કાર્યક્રમો રદ કરીને હાલ ગાંધીનગર પહોંચી રહ્યા છે તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જવા માટે રવાના થઇ ગયા છે. તેમજ રેસ્ક્યૂ ઓપરેશન માટે SDRFની ટીમો પણ બોલાવી લેવામાં આવી છે.

    બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. વડાપ્રધાને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી શરૂ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખી અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પહોંચાડવા માટે સૂચન કર્યાં હોવાનું વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટે પીએમએનઆરએફમાંથી રૂપિયા 2 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે, જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

    મોરબીનો આ પ્રખ્યાત ઝૂલતો પુલ અંગ્રેજ શાસન દરમિયાન વર્ષ 1880માં બનાવવામાં આવ્યો હતો. જેનું નિર્માણ દરબારગઢથી નઝરબાગને જોડવા માટે કરવામાં આવ્યું હતું. 140 વર્ષથી પણ જૂના અને 765 ફુટ લંબાઈ ધરાવતા આ પુલનું પુનર્નિર્માણ કાર્ય હાલમાં જ હાથ ધરવામાં આવ્યું હતું અને જે માટે પુલ 6 મહિના બંધ પણ રાખવામાં આવ્યો હતો. 

    રિનોવેશન કર્યા બાદ હાલમાં જ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માત્ર ચાર જ દિવસમાં 12 હજાર લોકોએ બ્રિજની મુલાકાત લીધી હતી. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પુલની મુલાકાત લેવા પહોંચ્યા હતા.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં