Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી પુલ દુર્ઘટના: કોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી, ચુકાદા પહેલાં...

    મોરબી પુલ દુર્ઘટના: કોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી ફગાવી, ચુકાદા પહેલાં લથડી હતી તબિયત

    જાણવા મળ્યું છે કે મોરબીની સેશન્સ કોર્ટમાંથી જામીન નામંજૂર થયા બાદ હવે જયસુખ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં દ્વાર ખખડાવશે. 

    - Advertisement -

    ઝૂલતો પુલ તૂટી પડવાના કેસમાં જેલમાં બંધ આરોપી જયસુખ પટેલની (Jaysukh Patel) જામીન અરજી (Bail Plea) મોરબીની કોર્ટે ફગાવી દીધી છે. બીજી તરફ, આ અરજી પર સુનાવણી પહેલાં જ તેમની તબિયત લથડી હતી, જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ધરપકડ બાદ જયસુખ પટેલ ફેબ્રુઆરી મહિનાથી જેલમાં બંધ છે. તેમણે વચગાળાના જામીન માટે કોર્ટમાં એક અરજી કરી હતી પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યા બાદ ફરી તેમણે નિયમિત જામીન માટેની અરજી કરી હતી. 

    જયસુખ પટેલની અરજી પર કોર્ટે સુનાવણી હાથ ધરીને બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખીને ચુકાદા માટે આજની તારીખ મુકરર કરી હતી. આખરે કોર્ટે જયસુખ પટેલની અરજી ફગાવી દીધી છે. જેથી તેમણે હાલના તબક્કે જેલમાં જ રહેવું પડશે. 

    - Advertisement -

    જાણવા મળ્યું છે કે મોરબીની સેશન્સ કોર્ટમાંથી જામીન નામંજૂર થયા બાદ હવે જયસુખ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં દ્વાર ખખડાવશે. 

    ચુકાદા પહેલાં જયસુખ પટેલની તબિયત લથડી 

    આજે જામીન અરજી પર ચુકાદો આવે તે પહેલાં જ જયસુખ પટેલની તબિયત લથડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ડોક્ટરોએ તેમને ન્યુરો સર્જન પાસે લઇ જવા માટે સલાહ આપી હતી. 

    મોરબી પોલીસે 1200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી 

    જાન્યુઆરીના અંતમાં મોરબી પોલીસે આ કેસમાં 1200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલ અને અન્ય 9 વ્યક્તિઓ એમ કુલ 10 આરોપીઓ સામે બિનઈરાદાપૂર્વકની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપીઓમાં ઓરેવા ગ્રુપના બે મેનેજરો પણ સામેલ છે. 

    જયસુખ પટેલને આરોપી બનાવવા પાછળનું કારણ આપતાં મોરબી પોલીસે જણાવ્યું કે, બ્રિજના સમારકામ માટેની કામગીરી અને સંચાલન સબંધિત તમામ બાબતો અને વ્યવહાર તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા હતા અને ઓરેવાના કેમ્પસમાંથી મળી આવેલા દસ્તાવેજો પર તેમના જ હસ્તાક્ષર જોવા મળ્યા હતા. 

    SITએ રિપોર્ટમાં ગંભીર બેદરકારીઓ તરફ ધ્યાન દોર્યું હતું 

    મોરબી ખાતે મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ આ મામલે તપાસ કરવા માટે ગુજરાત સરકારે એક SIT બનાવી હતી. SITએ આ મામલે પૂરતી તપાસ બાદ ડિસેમ્બરમાં રિપોર્ટ સોંપ્યો હતો. SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુલના સમારકામ, જાળવણી અને સંચાલનમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી.

    SIT રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રત્યેક કેબલ સાત સ્ટ્રેન્ડ્સથી બન્યો હતો અને જેમાં દરેકમાં સ્ટીલના 7 વાયરો હતા. આમ એક કેબલ બનાવવા માટે કુલ 49 જેટલા વાયરોને સાત સ્ટ્રેન્ડ્સમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, 49 વાયરોમાંથી 22 જેટલા વાયર કાટ ખાઈ ગયા હતા, જે સૂચવે છે કે આ વાયરો ઘટના બની તે પહેલાં જ તૂટી ગયા હોય શકે, જ્યારે બાકીના 27 વાયરો ઘટના સમયે તૂટ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ ઑપઇન્ડિયાએ એક એક્સક્લુઝિવ રિપોર્ટમાં સિવિલ એન્જિનિયરો સાથેની વાતચીતના આધારે જણાવ્યું હતું કે પુલ તૂટવા પાછળ વજન કરતાં પણ મટિરિયલ ફેલ્યોર જ જવાબદાર હોય શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં