1990ના દાયકામાં જ્યારે પહેલી વખત મેચ ફિક્સિંગ સામે આવ્યું હતું ત્યારે સમગ્ર ક્રિકેટ જગત આઘાતમાં સરી પડ્યું હતું. ત્યારબાદ ICC અને વિવિધ ક્રિકેટ બોર્ડ્સ આ મામલે ગંભીર થયા હતાં અને કડક પણ થયાં હતાં. તેમ છતાં મેચ ફિક્સિંગ અથવાતો સ્પોટ ફિક્સિંગ કોઈને કોઈ રીતે સામે આવતા જ રહે છે. તાજો દાખલો સામે આવ્યો છે ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વિષે.
મોહમ્મદ સિરાજને IPL 2023 શરુ થઇ તે અગાઉ રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં અંદરની માહિતી આપવાની વાત એક વ્યક્તિએ કરી હતી. BCCIના એક મોટા અધિકારીએ જણાવ્યું હતું કે સિરાજ સાથે આ પ્રકારે વાત કરનાર વ્યક્તિ કોઈ બુકી ન હતો પરંતુ હૈદરાબાદનો એક ડ્રાઈવર હતો. અત્રે એ નોંધનીય છે કે મોહમ્મદ સિરાજ પણ હૈદરાબાદમાં જ રહે છે.
આ વ્યક્તિએ સિરાજને કહ્યું હતું કે તેને ક્રિકેટ પર જુગાર રમવાની લત લાગી ગઈ હતી અને આથી તેણે મોટી રકમ આ જુગાર રમતાં ગુમાવી છે. આમ કહીને આ વ્યક્તિએ મોહમ્મદ સિરાજને ટીમની અંદરની માહિતી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ સિરાજે તુરંત જ BCCIના એન્ટી કરપ્શન યુનિટને આ ઘટનાની જાણ કરી હતી.
BCCIનું આ એન્ટી કરપ્શન યુનિટ પણ હરકતમાં આવ્યું હતું અને આ મામલે કાયદાનું પાલન કરાવતી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પેલા ડ્રાઈવરને પણ પકડી લેવામાં આવ્યો હતો. હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
જ્યારે પણ આ રીતે કોઈ વ્યક્તિ કોઇપણ ખેલાડીને મેચ ફિક્સિંગ માટે, સ્પોટ ફિક્સિંગ માટે કે પછી અંદરની માહિતી પૂરી પાડવાની વાત કરે છે ત્યારે નિયમ અનુસાર જે-તે ખેલાડીએ પોતાના બોર્ડના એન્ટી કરપ્શન યુનિટને તેની જાણ કરવી ફરજીયાત હોય છે અને સિરાજે પણ આ નિયમનું પાલન કર્યું હતું.
જો આવી કોઈ ઓફરની જાણ ન કરવામાં આવે તો પણ જે-તે દેશનું ક્રિકેટ બોર્ડ અને ICC તે ખેલાડી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લઇ શકે છે. ખેલાડીઓમાં ફિક્સિંગ અંગે જાગૃતિ લાવવા માટે ICC વારંવાર વર્કશોપ પણ આયોજિત કરતું હોય છે.
બાંગ્લાદેશના કેપ્ટન સાકીબ અલ હસનને આ જ રીતે કોઈએ મેચ ફિક્સિંગ માટે ઓફર કરી હતી. 2018માં બનેલી આ ઘટનાની જાણ સાકીબે પોતાના બોર્ડને કરી ન હતી અને બાદમાં તેની ખબર પડતાં સાકીબ અલ હસનને 2019ના સમગ્ર એક વર્ષ માટે ક્રિકેટ રમવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો.