Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હાર બાદ મોરલ ડાઉન હતું, વડાપ્રધાનના આવવાથી વધ્યો આત્મવિશ્વાસ’: મોહમ્મદ શમીએ સમજાવ્યું...

    ‘હાર બાદ મોરલ ડાઉન હતું, વડાપ્રધાનના આવવાથી વધ્યો આત્મવિશ્વાસ’: મોહમ્મદ શમીએ સમજાવ્યું પીએમ મોદીની ડ્રેસિંગ રૂમ મુલાકાતનું મહત્વ, કહ્યું- મારા માટે આ મોટી વાત

    શમી વર્લ્ડ કપ પત્યા બાદ ઉત્તર પ્રદેશના અમરોહા સ્થિત તેમના પૈતૃક ગામ પહોંચ્યા હતા. અહીં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં તેમણે ફાઈનલ મેચને લઈને ઘણી વાતો કહી હતી.

    - Advertisement -

    રવિવારે (19 નવેમ્બર) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના પરાજય બાદ પીએમ નરેન્દ્ર મોદી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા અને સધિયારો આપ્યો હતો. જોકે, વિરોધીઓ અને ટીકાકારોએ એમ પણ કહ્યું કે પીએમએ આ રીતે જવું જોઈતું ન હતું તો કેટલાકે આને ‘પીઆર સ્ટન્ટ’ પણ ગણાવ્યો. પણ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂકેલા ખેલાડી મોહમ્મદ શમીએ સમજાવ્યું કે ખરેખર આવા સમયે વડાપ્રધાનના આવવાનું મહત્વ શું હતું.  

    વાસ્તવમાં શમી વર્લ્ડ કપ પત્યા બાદ ઉત્તર પ્રદેશના અમરોહા સ્થિત તેમના પૈતૃક ગામ પહોંચ્યા હતા. અહીં મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં તેમણે ફાઈનલ મેચને લઈને ઘણી વાતો કહી હતી. આ દરમિયાન તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું. 

    શમીએ કહ્યું, “આ બહુ જરૂરી હતું….અમે મેચ હારી ચૂક્યા હતા અને જ્યારે તમારા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં આવીને પ્રોત્સાહન આપે ત્યારે એક અલગ આત્મવિશ્વાસ મળે છે…..કે દેશનો જવાબદાર વ્યક્તિ તમારી સાથે છે, સહાનુભૂતિ આપે છે.’ આગળ કહ્યું કે, “આવા સમયે મનોબળ આમ પણ નીચું હોય છે અને આવી ક્ષણોમાં કોઇ પીએમ જેવા વ્યક્તિ સામે હોય, વિશ્વાસ વધારતા હોય તો તે એક અલગ આત્મવિશ્વાસ ભરી દે છે. મને લાગે છે કે આ એક બહુ મોટી બાબત છે.”

    - Advertisement -

    આ સિવાય શમીએ પોતાના વતનમાં સ્ટેડિયમ બનાવવાના નિર્ણય બદલ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેનાથી યુવાનોને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળશે. ફાઈનલ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, જે રીતે 10 મેચમાં ટીમ રમી હતી તે જ વલણ સાથે ફાઇનલમાં પણ રમવા ઉતરી હતી, પરંતુ થોડા રન ઓછા પડ્યા. સાથે કહ્યું કે, ક્યારેક એકાદ દિવસ ખરાબ આવી જાય છે અને અમારા માટે તે ફાઇનલનો દિવસ હતો. 

    પોતે પહેલી ચાર મેચમાં ટીમમાંથી બહાર થવાને લઈને શમીએ કહ્યું કે, તેમણે ક્યારેય એવું વિચાર્યું નથી કે તેમને સ્થાને બીજા ખેલાડીઓને શા માટે તક આપવામાં આવી. પોતે હંમેશા હકારાત્મક વલણ જ રાખે છે અને ટીમનું જ વિચારતા આવ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતીય ટીમે પહેલી બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટના નુકસાનથી 43 ઓવરમાં લક્ષ્ય પાર કરી લીધું હતું અને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. 

    ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમ પહોંચીને ખેલાડીઓની મુલાકાત લીધી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં