બિહારના મધેપુરા જિલ્લામાંથી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં મોહમ્મદ જિબ્રાઇલ નામના એક ઇસમે તેની પત્ની અને દોઢ વર્ષની પુત્રીની હત્યા કરી તેમનાં માથાં કાપી નાંખ્યાં હતાં. હત્યા બાદ પત્નીનું માથું સાસરે મૂકી આવ્યો હતો અને બાળકીનું માથું ઘરે જ રહેવા દીધું હતું. જે બાદ ફરાર થઇ ગયો હતો. આ ઘટના ગત શુક્રવાર (5 ઓગ્સ્ટ 2022)ની છે.
આ ઘટના શ્રીનગર પોલીસમથક વિસ્તારના રામનગર મહેશ પંચાયતની હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, મોહમ્મદ જિબ્રાઇલે શુક્રવારે રાત્રે પત્ની મુરસુદા ખાતૂન અને દોઢ વર્ષની પુત્રીની હત્યા કરી નાંખી હતી. બંનેનાં માથાં ધડથી અલગ કરી નાંખ્યા બાદ પુત્રીનું માથું અને પત્નીનું ધડ ઘરે જ ટેબલ પર મૂકી દીધું હતું અને પત્નીનું માથું લઈને ભર્રાહી વિસ્તારના મછભખડા ગામ સ્થિત સાસરે પહોંચી ગયો હતો.
તેના સાસરે પહોંચીને પત્નીના ઘરેથી 200 મીટર દૂર પત્નીનું કપાયેલું માથું મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સાથે તેણે એક હસ્તલિખિત ચિઠ્ઠી પણ મૂકી હતી, જેમાં લખ્યું હતું- ‘યે લો, રખ લો અપની લાડલી કો.’
શનિવારે સવારે કપાયેલા માથા પર ગામલોકોની નજર પડતાં જ ભીડ એકઠી થઇ ગઈ હતી અને મૃતક યુવતીના પિતાએ તેની ઓળખ કરી લીધી હતી. જે બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે FIR દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન પોલીસ જિબ્રાઇલના ઘરે પહોંચી તો ત્યાં એક મહિલાનું ધડ તેમજ એક બાળકીનું માથું અને ધડ અલગ-અલગ પડેલાં જોવા મળ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી આરોપીની મા નજીદા ખાતૂનને પકડી લીધી હતી. જ્યારે હત્યારો જિબ્રાઇલ અને તેનો પિતા ફરાર છે.
હત્યારા જિબ્રાઇલે હત્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો અને તેમાં પત્નીના ભાઈની હત્યા કરવાની ધમકી આપી હતી. રિપોર્ટ અનુસાર, તેણે પત્નીના મૃતદેહ સાથે તસ્વીર પણ શૅર કરી હતી. વિડીયોમાં તેણે આપત્તિજનક ભાષામાં ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તેણે આ તેની પત્નીના પિતા અને ભાઈના કારણે કર્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ પણ સાસરા પક્ષના લોકો સાથે તેનો ઝઘડો થયો હતો અને તેણે હત્યા કરીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દેવાની ધમકી આપી હતી. જોકે, હત્યા ચોક્કસ કયા કારણોસર કરવામાં આવી તે હજુ જાણી શકાયું નથી તેમ પોલીસનું કહેવું છે.
આ મામલે મધેપુરાના એસપીએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં મૃતક મહિલાનો તેના પરિવાર સાથે ઝઘડો થયો હતો અને જે બાદ તે તેના પિયર આવી ગઈ હતી. ત્યારે આરોપી જિબ્રાઇલ બેંગ્લોરમાં કામ કરતો હતો. તે પરત ફર્યા બાદ પત્નીને લેવા માટે તેના સાસરે ગયો હતો. દરમિયાન, તેની પત્નીના ભાઈ અને પિતા સાથે મારપીટ થઇ હતી. પોલીસે જણાવ્યું કે, તે ટ્રેનથી ભાગ્યો હોવાની આશંકા છે, જે માટે પોલીસ પાડોશી જિલ્લાની પોલીસ સાથે સંપર્કમાં છે. તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.