Sunday, April 28, 2024
More
    હોમપેજદેશકલમ 370 બાદ હવે જમ્મુ-કાશ્મીરમાંથી AFSPA પણ હટાવી શકે મોદી સરકાર, સેનાને...

    કલમ 370 બાદ હવે જમ્મુ-કાશ્મીરમાંથી AFSPA પણ હટાવી શકે મોદી સરકાર, સેનાને ખેંચાશે પરત: અમિત શાહે રજૂ કર્યો પ્લાન, કહ્યું- કાયદા વ્યવસ્થા સંભાળશે પોલીસ

    અમિત શાહે કહ્યું કે, "અમારી યોજના સૈનિકોને પરત ખેંચવાની અને કાયદા વ્યવસ્થા માત્ર જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવાની છે. પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો કરી શકાય એમ નહોતો, પરંતુ આજે તે ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે."

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરનો વિકાસ અને પરિવર્તન જોઈને હવે તેના કાયદા વ્યવસ્થામાં પણ ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ હવે બીજું એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરને લઈને ભવિષ્યનો પ્લાન રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે AFSPA હટાવવા પર વિચાર કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી સેના પરત ખેંચીને કાયદો અને વ્યવસ્થા પોલીસને સોંપવાની યોજના બનાવી રહી છે.

    એક કાશ્મીરી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી શાહે મંગળવારે (26 માર્ચ) આ વિશે વાત કહી છે. તેમણે કહ્યું છે કે, સરકાર આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાંથી AFSPA હટાવશે અને કાયદા વ્યવસ્થા પોલીસ સંભાળશે. આ સાથે ભારતીય સેનાને પણ તે ક્ષેત્રમાંથી પરત લઈ લેવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, “અમારી યોજના સૈનિકોને પરત ખેંચવાની અને કાયદા વ્યવસ્થા માત્ર જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવાની છે. પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો કરી શકાય એમ નહોતો, પરંતુ આજે તે ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે.” આ સાથે તેમણે કહ્યું કે, “અમે AFSPA હટાવવા માટે વિચાર કરીશું. અમે કાશ્મીરના યુવાનો સાથે વાર્તાલાપ કરીશું, ન કે તે સંગઠનો સાથે જેના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા છે.”

    જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિભિન્ન સંગઠનો અને વ્યક્તિઓએ અફસ્પા (AFSPA) હટાવવા માટેની માંગણી કરી હતી. અમિત શાહે કહ્યું કે, “સપ્ટેમ્બર પહેલાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થશે. જમ્મુ-કાશ્મીરમાં લોકતંત્રને સ્થાપિત કરવાનું વડાપ્રધાન મોદીનું વચન છે અને તેને પૂર્ણ કરવામાં આવશે. જોકે, આ લોકતંત્ર ત્રણ પરિવારો સુધી સીમિત ના રહીને લોકોનું લોકતંત્ર હશે.”

    - Advertisement -

    શું છે AFSPA?

    AFSPA એક એવો કાયદો છે, જે ‘અશાંત વિસ્તારમાં’ એટલે કે ‘ડિસ્ટર્બ એરિયામાં’ લાગુ કરવામાં આવે છે. AFSPA અશાંત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોના જવાનોને ‘જાહેર વ્યવસ્થા જાળવવા’ માટે જો જરૂરી હોય તો શોધખોળ, ધરપકડ કરવાની અને ગોળીઓ ચલાવવાની વ્યાપક સત્તા આપે છે. 11 સપ્ટેમ્બર, 1958માં આ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદો સૌથી પહેલાં પૂર્વોત્તરના રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો હતો. 90ના દશકમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન મળ્યું તો ત્યાં પણ આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો હતો. ટૂંકમાં આ કાયદા દ્વારા સેનાને વિશાળ સત્તા આપવામાં આવે છે. જેથી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓને ડામી શકાય. આ દરમિયાન પોલીસ પાસે વિશેષ કોઈ સત્તા રહેતી નથી.

    આ કાયદા દરમિયાન લોકતંત્રને બચાવવાનું અને કાયદાનું શાસન સ્થાપવાનું કાર્ય સેના દ્વારા કરવામાં આવે છે. જેવો આ કાયદો હટાવી લેવામાં આવે કે, તરત જ આ કાર્ય જે-તે વિસ્તારની પોલીસ સંભાળે છે. એટલે જો, જમ્મુ કાશ્મીરમાંથી આ કાયદો હટી જાય તો, ભારતીય સેનાની સત્તા પોલીસ નિભાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં