Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રિયલ મની ઓનલાઇન ગેમ્સ’ પર સકંજો કસવાની મોદી સરકારની તૈયારી, બની શકે...

    ‘રિયલ મની ઓનલાઇન ગેમ્સ’ પર સકંજો કસવાની મોદી સરકારની તૈયારી, બની શકે છે નવો કાયદો: રિપોર્ટ

    છેલ્લાં થોડાં વર્ષોમાં આ પ્રકારની ગેમ્સના કારણે યુવાનોને નાણાકીય નુકસાનો થયાં હોવાના અને અમુક કિસ્સાઓમાં યુવાનોએ આત્મહત્યા કર્યાના પણ બનાવો નોંધાયા હતા. જેના કારણે સરકાર આ પ્રકારની ઓનલાઇન ગેમ્સ અને પ્લેટફોર્મ્સ વિશે નિયમો બનાવવા માટે ગંભીર બની છે. 

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે રિયલ મની ઓનલાઇન ગેમ્સ પર સકંજો કસવાની તૈયારી કરી રહી છે. મંત્રાલયના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં આ બાબત જણાવવામાં આવી છે. જે અનુસાર, આ નવા નિયમો તમામ પ્રકારની ગેમ્સ પર કેન્દ્ર સરકારને વ્યાપક દેખરેખ રાખવાની સત્તા આપશે, જ્યારે રાજ્ય સરકારને પણ જુગાર કે તે સબંધિત ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર આપવામાં આવશે. 

    ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે ‘સ્કિલ બેસ્ડ ગેમ્સ’ને જ આ નિયમો હેઠળ રાખવામાં આવે અને ‘ચાન્સ બેસ્ડ ગેમ્સ’ને બાકાત રાખવામાં આવે. જોકે, પીએમઓએ આ પ્રસ્તાવ ફગાવી દીધો છે. જેથી હવે તમામ પ્રકારની ગેમ્સ પર આ નિયમો લાગુ કરવામાં આવશે. 

    આ માટે ગત ઓગસ્ટ મહિનામાં સરકારે એક પેનલની રચના કરવામાં આવી હતી. જેણે ગેમ ‘સ્કિલ બેસ્ડ’ છે કે ‘ચાન્સ બેસ્ડ’ તે નક્કી કરવા માટે એક ટીમની રચના કરવાની ભલામણ કરી હતી અને સૂચવ્યું હતું કે, સ્કિલ બેસ્ડ ગેમ્સ પર KYC, ફરિયાદ નિવારણથી માંડીને રજિસ્ટ્રેશન સુધીના નિયમો લાગુ કરવામાં આવે. 

    - Advertisement -

    ‘ચાન્સ બેસ્ડ ગેમ્સ’ એ મૂળરૂપે જુગારની શ્રેણીમાં આવે છે. આ પ્રકારની ગેમ્સ દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં પ્રતિબંધિત છે. જેને નિયમોમાંથી બાકાત રાખવા માટેની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ સરકારે આ પ્રસ્તાવ ફગાવી દેતાં હવે આ ગેમ્સ પર પણ સકંજો કસવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

    આ અંગે ગત 26 ઓક્ટોબરના રોજ યોજાયેલ એક બેઠકમાં વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓએ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો હતો અને તમામ પ્રકારની ગેમ્સ માટે નિયમો બનાવવા માટે જણાવ્યું હતું. એજન્સીએ અધિકારીઓના હવાલે આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. 

    જોકે, કોઈ કાયદાકીય સ્પષ્ટતા ન હોવાના કારણે અને જુદી-જુદી અદાલતોના જુદા-જુદા ચુકાદાઓના કારણે કઈ ગેમને કયા પ્રકારમાં ગણવી તે કઠિન બાબત છે. ઉદાહરણ તરીકે, સુપ્રીમ કોર્ટે રમી અને અન્ય ફેન્ટસી ગેમ્સને સ્કિલ બેસ્ડ અને કાયદાકીય રીતે માન્ય ગણાવી છે, પરંતુ કેટલીક કોર્ટે આ પ્રકારની ગેમ્સ પર જુદા પ્રકારનાં અવલોકનો કર્યાં છે. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં આ પ્રકારની ગેમ્સના કારણે યુવાનોને નાણાકીય નુકસાનો થયાં હોવાના અને અમુક કિસ્સાઓમાં યુવાનોએ આત્મહત્યા કર્યાના પણ બનાવો નોંધાયા હતા. જેના કારણે સરકાર આ પ્રકારની ઓનલાઇન ગેમ્સ અને પ્લેટફોર્મ્સ વિશે નિયમો બનાવવા માટે ગંભીર બની છે. 

    પીએમ મોદીએ પણ વ્યક્ત કરી હતી ચિંતા

    જૂન 2021માં વડાપ્રધાન મોદીએ પણ આ ગેમ્સને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જેટલી પણ ઓનલાઇન કે ડિજિટલ ગેમ્સ આજે માર્કેટમાં ઉપલબ્ધ છે, તેમાંથી મોટાભાગનીનો કોન્સેપ્ટ ભારતીય નથી. તમે પણ જાણો છો કે આમાંથી અનેક ગેમ્સના કોન્સેપ્ટ હિંસાને પ્રોત્સાહન આપે છે અથવા તો માનસિક તણાવનું કારણ બને છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં