Wednesday, November 13, 2024
More
    હોમપેજગુજરાતપોલીસે ઈસરો સાથે જોડાયાના પુરાવા માગ્યા તો મિતુલ ત્રિવેદીએ કહ્યું- સાંજે આપું,...

    પોલીસે ઈસરો સાથે જોડાયાના પુરાવા માગ્યા તો મિતુલ ત્રિવેદીએ કહ્યું- સાંજે આપું, પણ સાંજ પડી નહીં, ફૉન પણ બંધ: રિપોર્ટમાં દાવો- વાયરલ ઑડિયો ક્લિપવાળા શિક્ષક પણ નારાજ

    પોલીસને તેમણે વાયદો કર્યો હતો કે સાંજે પાંચ વાગ્યે પોતાના વૈજ્ઞાનિક હોવાના પુરાવા રજૂ કરશે. ત્યારપછી મિતુલ ત્રિવેદી સાંજે કમિશનર કચેરી ખાતે મીડિયાકર્મીઓની ભીડ હોવાનું કહી જતા રહ્યા હતા.

    - Advertisement -

    ચંદ્રયાન-3ને મળેલી સફળતા બાદ સુરતના એક વ્યક્તિ મિતુલ ત્રિવેદી ભારે ચર્ચામાં રહ્યા હતા. ઈસરોમાં વૈજ્ઞાનિક હોવાનું કહીને આખો દિવસ તેમણે ખૂબ મીડિયા ફૂટેજ મેળવ્યું પણ પછી સવાલો ઉઠવા માંડ્યા. ઘણા લોકોએ તેમના વૈજ્ઞાનિક હોવાના પુરાવાઓ પણ માંગ્યા હતા. તો બીજી તરફ અરજી થતાં મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશનરનું તેડું પણ આવ્યું હતું. પોલીસ કમિશનર કચેરી ખાતે મિતુલ ત્રિવેદી પાસે પોતે વૈજ્ઞાનિક હોવાના પુરાવા માંગતા તેમણે સાંજે આપીશ એવું કહ્યું હતું. પરંતુ રિપોર્ટ્સ અનુસાર સાંજે તેઓ કમિશનર કચેરીની બહારથી જ રવાના થયા હતા. સાથે જ તેમના સન્માનમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા તે પણ રદ કરવામાં આવ્યા હતા.

    પુરાવા આપવાનું કહી કમિશનર કચેરી ખાતે આવ્યા જ નહીં

    શુક્રવારે (25 ઓગસ્ટ, 2023) સાંજે પોલીસ કમિશનરે મિતુલ ત્રિવેદીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સંદેશના રિપોર્ટ અનુસાર, પહેલાં બપોરે જ્યારે તેઓ કચેરીએ ગયા ત્યારે ઈસરો સાથે જોડાયા કોઈ ડોક્યુમેન્ટ હાલ નહીં હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સાંજે 5 વાગ્યે ફરી તેઓ ડોક્યુમેન્ટ સાથે આવશે. પરંતુ સાંજે તેઓ કચેરીની બહારથી જ જતા રહ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે ડોક્યુમેન્ટ આપ્યા બાદ તેની ખરાઈ કરી નિર્ણય લેવામાં આવશે.

    પોલીસને તેમણે વાયદો કર્યો હતો કે સાંજે પાંચ વાગ્યે પોતાના વૈજ્ઞાનિક હોવાના પુરાવા રજૂ કરશે. ત્યારપછી મિતુલ ત્રિવેદી સાંજે કમિશનર કચેરી ખાતે મીડિયાકર્મીઓની ભીડ હોવાનું કહી જતા રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, પોલીસને તેમણે જણાવ્યું હતું કે, તેઓ બેંગલુરુ ખાતે ઈસરોમાં કામ કરે છે. જેથી પોલીસે તેમની પાસે પુરાવા માગ્યા પરંતુ ત્યારપછી તેમનો સંપર્ક થઇ શક્યો નથી.

    - Advertisement -

    સંદેશના રિપોર્ટ અનુસાર, જ્યારે તેમના પ્રતિનિધિએ ફરી મિતુલ ત્રિવેદીની મુલાકાત લીધી તો તેમણે પોતાનો દાવો મજબૂત કરવા માટે કહ્યું હતું કે, તેઓ બેંગલુરુથી સીધા સુરત ફ્લાઇટમાં નહીં પરંતુ વાયા વાયા થઈને આવ્યા હતા. એમ પણ કહ્યું કે, તેઓ ઈસરો સાથે જોડાયેલા છે અને ઈસરો જ આ બાબતની ખરાઈ કરતા પુરાવા મોકલશે. ઉલ્લેખનીય છે કે મિતુલ ત્રિવેદીએ ગુરૂવારે સવારે બેંગલુરુથી સુરત ફ્લાઇટમાં આવ્યાનો દાવો કર્યો હતો પરંતુ અખબારે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સવારની આવી કોઈ ફ્લાઇટ જ નથી. ઉપરાંત, પાડોશીએ જણાવ્યું હતું કે મંગળ-બુધમાં (જ્યારે ચંદ્રયાન લૉન્ચ થયું) ત્યારે મિતુલ સુરત તેમના ઘરે જ હતા.

    ઑપઇન્ડિયાએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ફોન બંધ આવ્યો

    મિતુલ ત્રિવેદી પાસેથી ઘટનાની વધુ વિગતો જાણવા માટે ઑપઇન્ડિયાએ પણ તેમનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો ફોન સ્વિચ ઑફ આવી રહ્યો છે. જો કોઈ જવાબ મળે તો અમે લેખ અપડેટ કરીશું.

    જાહેર સન્માનના અનેક કાર્યક્રમો રદ કર્યા, શિક્ષક અર્જુન પટેલ પણ થયા નારાજ

    મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી હોવાનો દાવો કર્યા બાદ બુધવારે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી હતી. આ દરમિયાન સુરતવાસીઓએ ગૌરવભરી ક્ષણોના સહભાગી થવા માટે મિતુલ ત્રિવેદીના જાહેર સન્માનના કાર્યક્રમો યોજ્યા હતા. ગુરુવારે ટેક્સટાઈલના વેપારીઓએ, સોમવારે પાલનપુર પાટીયા કેનલ રોડની સેવન સ્ટેપ શાળા, બ્રહ્મસમાજ અને અન્ય અનેક શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ સન્માન સમારોહ યોજ્યો હતો. જોકે, ગુરુવારે મિતુલ ત્રિવેદી ફ્રોડ હોવાની વાત બહાર આવતા જાહેર સન્માનના અનેક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા.

    જ્યારે બીજી બાજુ ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ મિતુલ ત્રિવેદી અને તેના શિક્ષક અર્જુન પટેલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જોકે, હવે ભાંડો ફૂટી જતાં અર્જુન પટેલે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગુરુ તરીકે મિતુલે મને ફોન કર્યો હતો. સાચું કે ખોટું શું છે એ તો મિતુલ જ જાણે. પણ મને દુખ થયું છે. તેને પણ એ ખબર હશે એટલે જ પછી મને ફોન નથી કર્યો.”

    શું છે સમગ્ર મામલો

    બુધવારે (23 ઓગસ્ટ, 2023) ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યા બાદ ગુરૂવારથી મિતુલ ત્રિવેદી ચર્ચામાં આવ્યા હતા. તેમનો એક ઑડિયો વાયરલ થયો હતો, જે તેમના શિક્ષક સાથેની વાતચીત હોવાનું કહેવાય છે, જે બુધવારે સાંજે થઇ હતી. મિતુલ તેમના શિક્ષકને જણાવે છે કે, તેઓ ઈસરોના સેન્ટર પર જ છે. વાતચીતમાં તેમણે એવો પણ દાવો કર્યો કે, ચંદ્રયાનની આ ડિઝાઇન પોતે તૈયાર કરી હતી. મિતુલ તેમના શિક્ષકને કહે છે, “ચંદ્રયાન-2ની નિષ્ફ્ળતાના કારણે તેમણે (સંભવતઃ ઈસરોએ) મને ઇન્વાઇટ કર્યો હતો, અમુક મારી વસ્તુઓ જે લેન્ડરમાં નહતી લીધી…. આ વખતે મેં તૈયાર કરી આપ્યું.”

    ચર્ચામાં આવ્યા બાદ મિતુલ ત્રિવેદીએ અનેક ન્યૂઝ ચેનલોને પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં પણ આ જ પ્રકારના દાવા કર્યા હતા. પરંતુ હવે તેમના દાવા પર પ્રશ્ન સર્જાયા છે. અખબાર સંદેશના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્રિવેદી પાસે ઈસરો સાથે જોડાયાના કોઈ પુરાવા કે માહિતી નથી. રિપોર્ટ અનુસાર, પુરાવા માંગવામાં આવતાં પોતે કોન્ટ્રાક્ટ પર હોવાનું કહીને જાહેર ન કરી શકે તેમ જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં