રવિવારની (20 ઓગસ્ટ, 2023) સવાર એક સારી ખબર લઈને આવી છે. રવિવારે મોડી રાત્રે જ્યારે આખો દેશ સૂઈ રહ્યો હતો ત્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રની સૌથી નજીક પહોંચી ગયું હતું. ISRO અનુસાર વિક્રમ લેન્ડર ચંદ્રથી હવે માત્ર 25 કિલોમીટર દૂર છે. ISRO દ્વારા જણાવાયું છે કે રવિવારે મધ્ય રાત્રિએ 2 કલાકે મોડ્યુલનું બીજું ડી-બુસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-3ના મોડ્યુલનું આ બીજું ડી-બુસ્ટિંગ પૂર્ણ કર્યા બાદ લેન્ડર 25 km*135 km કક્ષામાં પહોંચી ગયું છે. એટલે કે ચંદ્રયાનના લેન્ડિંગ માટે ચંદ્રની ધરતી વધુમાં વધુ 100 કિલોમીટર અને ઓછામાં ઓછી 25 કિલોમીટર દૂર છે. લેન્ડિંગ કરવામાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. બીજી બાજુ રશિયાનું લૂના-25 મૂન મિશન ટેકનિકલ ખામીને લીધે રસ્તા પરથી ભટકી ગયું છે. જો રશિયાના મિશનમાં ટેકનિકલ ખામી સર્જાય છે તો તે ચંદ્રયાન-3 પહેલાં ચંદ્રની જમીન પર લેન્ડિંગ કરી શકશે નહીં.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 19, 2023
The second and final deboosting operation has successfully reduced the LM orbit to 25 km x 134 km.
The module would undergo internal checks and await the sun-rise at the designated landing site.
The powered descent is expected to commence on August… pic.twitter.com/7ygrlW8GQ5
ડી-બુસ્ટિંગ એટલે કે લેન્ડરની ઝડપ ઘટાડવામાં આવી રહી છે. હાલ વિક્રમ લેન્ડર રેટ્રોફાયરિંગ કરી રહ્યું છે એટલે કે એન્જિન અવળી દિશામાં ફેરવવામાં આવ્યું છે. વિક્રમ લેન્ડર હવે પોતાની ઊંચાઈ ઘટાડવાની સાથે જ પોતાની ગતિ પણ ધીમી કરી રહ્યું છે. 20 ઓગસ્ટની રાત્રે ડી-બુસ્ટિંગ બાદ વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 24થી 30 કિલોમીટર દૂર હશે. આગામી 23 ઓગસ્ટના રોજ સાંજના અરસામાં 5.47 મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન તેની ઝડપ લગભગ 2 મીટર પ્રતિ સેકન્ડની આજુબાજુ હશે.
હવે પછીનો સમય ખૂબ અગત્યનો
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવનારો આ સમય આ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયે ચંદ્રયાન-3 મિશન તેના અંતિમ તબક્કામાં છે. જોકે, ISROનું કહેવું છે કે હમણાં સુધી બધું યોજના અનુસાર જ થઈ રહ્યું છે. હવે લેન્ડરને ચંદ્રની જમીન પર ઉતારવા માટે વૈજ્ઞાનિકોએ કમર કસી છે.
હવેના સમયમાં વિક્રમ લેન્ડરની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહે છે. એ પોતાના સેન્સર અને કેમેરાની મદદથી લેન્ડિંગની નિયત જગ્યાની તપાસ કરશે. પછી પોતાની ઝડપને લગભગ શૂન્ય કરી દેશે. ત્યારબાદ ધીમે-ધીમે તે ચંદ્ર પર લેન્ડિંગ કરશે. જાણવા મળી રહ્યું છે કે લેન્ડર 12 ડિગ્રીના ઝુકાવની સાથે ચંદ્ર પર લેન્ડિંગ કરશે. એ પછી પ્રજ્ઞાન રોવર તેમાંથી બહાર આવશે. તે ચંદ્રના 1 દિવસ (પૃથ્વીના 14 દિવસ) સુધી ચંદ્રની ધરતીનું પરીક્ષણ કરશે.
ઉલ્લેખનીય છે કે મિશન ચંદ્રયાન-2 વખતે લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર સુધી પહોંચી ગયું હતું પરંતુ સોફ્ટ લેન્ડિંગ થઇ શક્યું ન હતું અને થોડી સેકન્ડો પહેલાં જ ક્રેશ થઇ ગયું હતું. પરંતુ આ મિશનમાં વધુ કાળજી લેવામાં આવી છે અને આધુનિક તકનીકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 મિશન સફળ થશે તે નક્કી છે.