સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવેલા મિશન આદિત્ય-L1 અંગે ઈસરોએ અગત્યની જાણકારી આપી છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલ સ્પેસ ઓબ્ઝર્વેટરીએ 9.2 લાખ કિલોમીટર અંતર કાપી નાખ્યું છે અને L-1 પોઈન્ટ તરફ આગળ વધી છે. જેની સાથે તે પૃથ્વીના પ્રભાવવાળા ક્ષેત્રમાંથી બહાર નીકળી ગઈ છે.
ઈસરોએ શનિવારે (30 સપ્ટેમ્બર, 2023) X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, સ્પેસક્રાફ્ટે પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટર અંતર કાપ્યું છે અને પૃથ્વીનો પ્રભાવ ધરાવતો વિસ્તાર છોડી દીધો છે. હવે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા લેગ્રેન્જ પોઈન્ટ (L1) તરફ આગળ વધશે. ઈસરોએ સાથે એ પણ જણાવ્યું કે, આ બીજી વખત છે જ્યારે એજન્સીએ કોઇ સ્પેસક્રાફ્ટને પૃથ્વીના પ્રભાવવાળા ક્ષેત્રમાંથી બહાર મોકલ્યું હોય. પહેલી વખત મિશન મંગળયાનમાં આ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો હતો.
Aditya-L1 Mission:
— ISRO (@isro) September 30, 2023
🔸The spacecraft has travelled beyond a distance of 9.2 lakh kilometres from Earth, successfully escaping the sphere of Earth's influence. It is now navigating its path towards the Sun-Earth Lagrange Point 1 (L1).
🔸This is the second time in succession that…
ઉલ્લેખનીય છે કે મિશન આદિત્ય-L1 સૂર્યના અભ્યાસ માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. 2 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટર પરથી આદિત્ય-L1નું લૉન્ચિંગ થયું હતું. ત્યારથી તેની અવકાશીય યાત્રા ચાલુ છે. નિયત સ્થાન પર પહોંચવા માટે હજુ તેને ત્રણ મહિના જેટલો સમય લાગશે. તે કુલ 15 લાખ કિલોમીટર જેટલું અંતર કાપશે.
આદિત્ય-L1 પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવેલા L1 પોઈન્ટ પર રહીને સૂર્યનો અભ્યાસ કરશે. આ પોઈન્ટ એવું સ્થાન હોય છે જ્યાં પૃથ્વી અને સૂર્યનાં ગુરુત્વાકર્ષણ બળો આકર્ષણ-અપાકર્ષણનું ક્ષેત્ર સર્જે છે. જેથી ત્યાં કોઇ પણ સ્પેસ ઓબ્જેક્ટ મૂકવામાં આવે તો તે સ્થિર રહીને પોતાનું કામ કરી શકે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા કુલ 5 પોઈન્ટ છે, જેમાંથી આદિત્ય L1 પોઈન્ટ પર જશે.
આદિત્ય-L1ને સાત પેલોડ સાથે મોકલવામાં આવ્યો છે. આ પેલોડ ફોટોસ્ફેયર (પ્રકાશમંડલ), ક્રોમોસ્ફેયર (સૂર્યની દ્રશ્યમાન સપાટીની ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નો અભ્યાસ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના સ્પેસ એરિયામાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ અગાઉથી થઈ જાય તો નિવારક પગલાં લઈ શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે સ્પેસના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન આ હવામાન સમજવામાં પણ મદદ કરી શકે છે. આ મિશન દ્વારા સૌર હવાઓનો અભ્યાસ પણ કરવામાં આવશે.