Tuesday, May 21, 2024
More
  હોમપેજરાજકારણ‘વિશ્વને બદલવામાં ભારતની ભૂમિકા અગત્યની’: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલ્યા વિદેશ મંત્રી એસ...

  ‘વિશ્વને બદલવામાં ભારતની ભૂમિકા અગત્યની’: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર, ‘નમસ્તે ફ્રોમ ભારત’થી કરી સંબોધનની શરૂઆત

  ભારતની આગેવાનીમાં અમે G-20માં આફ્રિકન યુનિયનને સામેલ કર્યું અને હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો વિસ્તાર થાય, જેથી તેની પ્રાસંગિકતા અકબંધ રહે. 

  - Advertisement -

  વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે (26 સપ્ટેમ્બર, 2023) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી. સંબોધનમાં તેમણે ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો તો એમ પણ ઉમેર્યું કે ભારતે વૈશ્વિક તણાવના સમયમાં G-20ની અધ્યક્ષતા સફળતાપૂર્વક કરી અને મહત્વપૂર્ણ બદલાવનું નેતૃત્વ કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, ભારત હવે વિશ્વમિત્ર બનીને આખા વિશ્વ માટે સકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યું છે. 

  વિદેશ મંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ‘ભારત તરફથી નમસ્તે’ કહીને કરી હતી. દરમ્યાન તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વિસ્તારનો વિચાર પણ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ભારતની આગેવાનીમાં અમે G-20માં આફ્રિકન યુનિયનને સામેલ કર્યું અને હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો વિસ્તાર થાય, જેથી તેની પ્રાસંગિકતા અકબંધ રહે. 

  વિદેશ મંત્રીએ કહ્યું કે, વૃદ્ધિ અને વિકાસે કમજોર લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે વિચાર સાથે ભારતે વોઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ બોલાવી હતી અને અગત્યની ભૂમિકા નિભાવી. આજે દુનિયા અસાધારણ ઉથાપલાથલનો સમય જોઈ રહી છે. આવા સમયે ભારતે અસાધારણ જવાબદારીની ભાવના સાથે G-20ની અધ્યક્ષતા સંભાળી. તેમણે ઉમેર્યું કે, “અમે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર’નો દ્રષ્ટિકોણ અપનાવ્યો, જેના કારણે આપણે અમુક દેશોનાં સ્થાપિત હિતોથી બહાર નીકળી શક્યા.” 

  - Advertisement -

  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે, રાજકીય સરળતાના હિસાબે આતંકવાદ, ચરમપંથ અને હિંસા વિરુદ્ધ કામ ન કરવું જોઈએ. પોતાની સરળતા માટે ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન અને આંતરિક મામલામાં હસ્તક્ષેપ નહીં થઈ શકે. હજુ પણ અમુક દેશો એવા છે જેઓ એક નક્કી કરેલા એજન્ડા પર કામ કરે છે, પરંતુ હંમેશા એવું ન થઈ શકે અને તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, એક નિષ્પક્ષ, સમાન અને લોકતાંત્રિક વ્યવસ્થાનું પાલન કરવામાં આવે એ જરૂરી છે. 

  તેમણે કહ્યું કે, ભારત હવે ‘જૂથબંધી’ના યુગમાંથી બહાર નીકળીને વિશ્વમિત્ર યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે. જે ક્વાડના વિકાસ અને બ્રિક્સ સમૂહના વિસ્તરણથી દેખાઇ આવે છે. અમે પરંપરાઓ અને તકનિક બંનેને આત્મવિશ્વાસ સાથે રજૂ કરીએ છીએ અને આ જ તાલમેલ આજના ભારતને પરિભાષિત કરે છે. 

  વિદેશ મંત્રી એસ જયશંકરે ઉમેર્યું કે, ભારતે અમૃતકાળમાં પ્રવેશ કરી લીધો છે અને અમને વિશ્વાસ છે કે વિશ્વએ અમારી પ્રતિભા ઓળખી લીધી છે. જ્યારે અમારો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમે સૌથી પહેલાં મદદ માટે આગળ આવ્યા હતા. દુનિયાએ અમારા યોગદાનની પ્રશંસા પણ કરી છે.  

  વૈશ્વિક પટલ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે ત્યારે વિદેશ મંત્રીનું આ સંબોધન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં