Saturday, May 18, 2024
More
    હોમપેજરાજકારણ'હેલિકૉપ્ટર ફ્લાઇટને પરવાનગી ન આપવામાં આવી’: G-20 સમિટ પહેલાં રાજસ્થાન સીએમ અશોક...

    ‘હેલિકૉપ્ટર ફ્લાઇટને પરવાનગી ન આપવામાં આવી’: G-20 સમિટ પહેલાં રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે કર્યો હતો દાવો, ગૃહ મંત્રાલયે પોલ ખોલી નાખી

    'રાજસ્થાનના મુખ્યમંત્રી તરફથી ફ્લાઇટ ઓપરેશન માટે સીકર સહિત ચાર વિનંતી કરવામાં આવી હતી અને જે તમામની ગૃહમંત્રાલયે મંજૂરી આપી દીધી હતી.’ 

    - Advertisement -

    એક તરફ G20 સમિટ ચાલી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને હજુ પણ રાજકારણ સૂઝી રહ્યું છે. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે તેમની હેલિકૉપ્ટર ફ્લાઇટને પરવાનગી આપવામાં આવી ન હતી. આવો જ દાવો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પણ કર્યો હતો. આખરે ગૃહ મંત્રાલયે શનિવારે (9 સપ્ટેમ્બર, 2023) આ દાવાઓની પોલ ખોલી નાખી હતી. 

    ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ શનિવારે X પર એક પોસ્ટ કરીને કોંગ્રેસી મુખ્યમંત્રી અશોક ગેહલોતના દાવાની હવા કાઢી હતી. મંત્રાલયે જણાવ્યું કે, ‘અમુક મીડિયા રિપોર્ટમાં રાજસ્થાનના મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે તેમના હેલિકૉપ્ટરને ઉડાન માટે ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી તરફથી ફ્લાઇટ ઓપરેશન માટે સીકર સહિત ચાર વિનંતી કરવામાં આવી હતી અને જે તમામની ગૃહમંત્રાલયે મંજૂરી આપી દીધી હતી.’ 

    આગળ મંત્રાલયે જણાવ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રીની કોઇ વિનંતી નકારવામાં આવી નથી. સાથે એમ પણ જણાવ્યું કે, કમર્શિયલ એરક્રાફ્ટ્સ, ગવર્નર અને મુખ્યમંત્રીઓની મુવમેન્ટ અને તેમનાં સ્ટેટ એરક્રાફ્ટને ઉડાન માટે પરવાનગી હોય જ છે, માત્ર પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટ્સને ગૃહમંત્રાલયમાંથી મંજૂરી મેળવવી પડે છે. 

    - Advertisement -

    મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધું કે G-20 શિખર સંમેલનના કારણે રાજધાની દિલ્હીની સુરક્ષા વધારવામાં આવી છે પરંતુ તેના કારણે કોઈની ઉપર પણ રોક લગાવવામાં આવી નથી. કોઇ પણ મુખ્યમંત્રી કે અન્ય VIPની મુવમેન્ટ રાબેતા મુજબ જ ચાલુ છે અને ગૃહ મંત્રાલય તરફથી કોઈને ના પાડવામાં આવી નથી કે કોઇના લેન્ડિંગ પર રોક લગાવવામાં આવી નથી. 

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે શુક્રવારે (8 સપ્ટેમ્બર, ૨૦૨૩) એક ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, તેમણે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સીકર જવાનું હતું પરંતુ G-20 બેઠકના કારણે ભારત સરકારના ગૃહ મંત્રાલયે હેલિકૉપ્ટર દ્વારા ઉદયપુરથી સીકરની યાત્રા કરવાની પરવાનગી ન આપી. તેમણે લખ્યું, “જેથી ખેદ સાથે કહેવું પડે છે કે હું આજે કાર્યક્રમમાં ભાગ ન લઇ શકું.”

    જોકે, ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કર્યા બાદ અશોક ગેહલોતે વધુ એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે તેમણે પહેલાં ટ્વિટ કરી દીધું હતું પરંતુ પછીથી પરવાનગી મળી ગઈ હતી. તેમણે દાવો કરતાં કહ્યું કે, હેલિકૉપ્ટરની ફ્લાઇટ માટે સવારે ઈ-મેઈલ મારફતે પરવાનગી માગવામાં આવી હતી પરંતુ બપોરે 2:૫૦ સુધી ન મળ્યા બાદ તેમણે ટ્વિટ કર્યું હતું, પરંતુ પછીથી 4 વાગ્યા સુધીમાં પરવાનગી આપી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેઓ રવાના થઈ ચૂક્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં