ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં આગામી 27 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ રેલીઓનું આયોજન કર્યું છે. પરંતુ પાર્ટીનો આરોપ છે કે પીએમ મોદીની રેલી માટે પરવાનગી આપવામાં આવી રહી નથી.
મેઘાલયના તુરામાં પીએમ મોદીની રેલી માટે ભાજપે માંગેલી પરવાનગી મેઘાલય સરકાર દ્વારા રદ કરી દેવાતા પાર્ટીએ કહ્યું કે, મેઘાલય સરકાર ડરી ગઈ છે અને તુરામાં કામ ચાલી રહ્યું હોવાનું બહાનું ધરીને પરવાનગી અપાઈ રહી નથી.
મેઘાલયમાં વડાપ્રધાન મોદીની રેલીને પરવાનગી ન મળવા પર ભાજપે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મેઘાલયની જનતા ઈચ્છે છે કે PM મોદી ત્યાં આવે, તો ચોક્કસપણે વડાપ્રધાન અહીં આવશે જ અને લોકોને સંબોધિત પણ કરશે. આ બાબતે ભાજપ મહાસચિવ ઋતુરાજ સિંહાએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ભાજપની લહેરથી સંગમા સરકાર ગભરાઈ ગઈ છે. તેમણે પ્રશાસન તરફથી મળેલો પત્ર દેખાડતા મેઘાલય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
ઋતુરાજ સિંહાએ જણાવ્યું હતું કે “અમને જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી પીએ સંગમા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર નથી થયું અને ત્યાં હજુ કામ ચાલી રહ્યું છે. જ્યારે વાસ્તવિકતા તે છે કે 16 ડિસેમ્બર 2022ના રોજ મુખ્યમંત્રી કોરનાડ સંગમાએ જ આ સ્ટેડિયમનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. જો આ સ્ટેડિયમ તૈયાર ન હતું તો પછી તેનું ઉદ્ઘાટન કઈ રીતે થઈ શકે?” ઉલ્લેખનીય છે કે અગામી 24 તારીખે તુરાના આ જ સ્ટેડિયમમાં વડાપ્રધાનના આગમન માટે પરવાનગી લેવામાં આવી હતી. જે મેઘાલય રાજ્ય સરકારના પ્રશાસનિક નિયંત્રણમાં છે.
ઋતુરાજે આગળ જણાવતાં કહ્યું હતું કે વાસ્તવમાં મેઘાલય સરકાર ભાજપથી ડરી ગઈ છે. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મેઘાલયની ભાજપ સમર્થક જનતાનું ઘોડાપુર ઉમટ્યું હતું અને કોઈ પણ વિપક્ષી પાર્ટીએ ન ધાર્યું હોય તેવો ભાજપ લહેરનો માહોલ સર્જાયો હતો. એટલા માટે જ મેઘાલય સરકાર વડાપ્રધાન મોદીની રેલીને પરવાનગી નથી આપી રહી તેવો ભાજપનો આરોપ છે.
આ બાબતે જ પૂછાયેલા એક સવાલના જવાબમાં ઋતુરાજે કહ્યું હતું કે મેઘાલયની જનતા ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી તેમની વચ્ચે આવે અને તેઓ આવશે જ. સમય આવ્યે ભાજપ જાહેર કરી જ દેશે કે PM મોદી ક્યારે અને ક્યાં રેલી કરશે. નોંધનીય છે કે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 ફેબ્રુઆરીના રોજ મેઘાલયમાં ચૂંટણી પ્રચાર માટે રંગસાકોના પહોંચ્યા હતા, તે દરમિયાન તેમણે મમતા બેનર્જીની પાર્ટી TMC અને રાજ્યના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પર આકરા પ્રહારો કર્યા હતા.