Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટફ્લાઇટમાં ઠંડો નાસ્તો જોઈને ઉકળી ઉઠ્યા માસ્ટરશૅફ સંજીવ કપૂર, નેટિઝન્સે રમૂજી પ્રતિક્રિયાઓ...

  ફ્લાઇટમાં ઠંડો નાસ્તો જોઈને ઉકળી ઉઠ્યા માસ્ટરશૅફ સંજીવ કપૂર, નેટિઝન્સે રમૂજી પ્રતિક્રિયાઓ આપી, કહ્યું- હવે ઘરેથી બે પરાઠા લઇ જવાનું રાખો

  - Advertisement -

  ક્યારેક એવી ઘટના ઘટી જતી હોય છે જે માણસને અકળાવી મૂકે અને તે ઘટના બાદ ઉભા થતાં તેના રિએક્શન એ પ્રકારના હોય છે કે આપણે નક્કી નથી કરી શકતા ગુસ્સો કરવો, હસવું કે દુઃખી થવું. આવું જ દેશ-દુનિયામાં જાણીતા માસ્ટરશૅફ સંજીવ કપૂર સાથે થયું છે. એક હવાઈ મુસાફરી દરમિયાન ફ્લાઇટમાં ઠંડો નાસ્તો જોઈને માસ્ટરશૅફ સંજીવ કપૂર એ હદે અકળાયા કે અંતે ફરિયાદના સૂરમાં એક ટ્વીટ કરી નાંખી. તે પછી જાણે નેટિઝન્સને પણ દોડવું હતું ને ઢાળ મળ્યો હોય તેમ રમુજી અને આક્રોશિત એવી અનેક પ્રતિક્રિયાઓનું જાણે ઘોડાપૂર આવ્યું હતું.

  વાસ્તવમાં સવારના સમયે નાગપુરથી મુંબઈ જવા માટે એયર ઇન્ડિયાની 0740 નંબરની ફ્લાઇટમાં માસ્ટરશૅફ સંજીવ કપૂર મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન એરલાઇન્સ દ્વારા તેમને મોર્નિંગ બ્રેકફાસ્ટ પીરસવામાં આવ્યો. પરંતુ માસ્ટરશૅફને પીરસવામાં આવેલા આ વ્યંજનો જોઈને જ તેઓ ભડકી ઉઠ્યા હતા. તેમને જે નોનવેજ નાસ્તો પીરસવામાં આવ્યો હતો તે એકદમ ઠંડો અને એકબીજા સાથે મેળ ન ખાય તે પ્રકારનો હતો.

  પછી શું? માસ્ટરશૅફ સંજીવ કપૂરે નારાજ થઈને એક ટ્વીટ કરી અને તેમાં નાસ્તાના ફોટાને અપલોડ કરતા એયર ઈન્ડિયાને ટાંકીને લખ્યું કે, ‘જાગો એયર ઈન્ડિયા, નાગપુર મુંબઈ 0740 ફ્લાઈટ, ઠંડા ચીકન ટીક્કા સાથે તરબૂચ, કાકડી, ટમેટા અને સેવ, માયો સાથે સમારેલી કોબીજના ઝીણા પૂરણ સાથે સેન્ડવિચ અને પીળા રંગના ગ્લેઝથી રંગવામાં આવેલ શુગર સીરપ સ્પોન્જ સ્વીટન ક્રીમ.”

  - Advertisement -

  આ શ્રેણીમાં જ તેમણે અન્ય એક ટ્વીટ કર્યું છે, જેમાં એર ઇન્ડિયાને ટેગ કરીને તેઓ લખે છે કે, ‘ખરેખર!!! શું ભારતીયોએ નાસ્તામાં આ ખાવું જોઈએ?’

  તેમના આ ટ્વીટ બાદ તેમના રિપ્લાય સેક્શનમાં કેટલાક લોકોએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તેમણે અનુભવેલી આ પ્રકારની તકલીફો જણાવી હતી. તો કેટલાક લોકોએ અટપટી વ્યંગાત્મક ટીપ્પણીઓ પણ કરી હતી.

  માસ્ટરશૅફ સંજીવ કપૂર દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટના જવાબમાં સીએ એટ લાર્જ નામના હેન્ડલ પરથી રમૂજભરી કોમેન્ટ કરવામાં આવી હતી. તેમણે એર ઇન્ડિયાને ટોણો મારતા માસ્ટરશૅફ સંજીવ કપૂરને ટાંકીને રમૂજથી લખ્યું હતું કે, ‘સાહેબ, ઘરેથી 2 પરેઠા પેક કરીને લઈ જવાનું રાખો. ખુશ પણ રહેશો અને સ્વસ્થ પણ.’

  તો અન્ય એક જોગી નામના ટ્વીટર હેન્ડલ પરથી એર ઇન્ડિયાએ પીરસેલ નાસ્તાને વખોડતા લખવામાં આવ્યું કે, આના કરતાં 2 ઈડલી અને 1 વડું આપી દીધું હોત તો સારું રહ્યું હોત.

  સનસેટ નામના ટ્વીટર યુઝરે માસ્ટરશૅફ સંજીવ કપૂરની નારાજગીને ગુસ્સા માટે જાણીતા બ્રિટીશ માસ્ટરશૅફ ગોર્ડન રામસે સાથે સરખાવીને વ્યંગ કરતા લખ્યું હતું કે, ‘સાહેબે એક કોળિયો ખાધો અને તેમની અંદરના ગોર્ડન રામસે જાગી ગયા.”

  અન્ય એક નિહાર નામના યુઝરે પણ વ્યંગ કરતાં લખ્યું કે, ‘એર ઇન્ડિયાવાળાઓએ તો હદ કરી નાંખી, મને ખાતરી છે એ એર હોસ્ટેસ નહીં જાણતી હોય તેણે તેના જીવનમાં શું કરી નાંખ્યું. નહિતર તે ક્યારેય આ પ્રકારનો નાસ્તો પીરસેત નહીં.”

  તો બીજી તરફ કેટલાક લોકોએ એર ઇન્ડિયા પર રોષ પણ ઠાલવ્યો હતો અને પોતાના કડવા અનુભવો પણ શૅર કર્યા હતા. અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યએ પણ માસ્ટરશૅફ સંજીવ કપૂરની આ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘એર ઇન્ડિયા તમે શું કરી રહ્યા છો? એ ના ભૂલશો કે તમે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, ભૂતકાળમાં પણ ઘણું નુકસાન વેઠી ચૂક્યા છો, હવે તો જાગો.’

  અન્ય એક સંજય નામના યુઝરે પણ માસ્ટરશૅફ સંજીવ કપૂરની આ ફરિયાદમાં પોતાનો સૂર પુરાવતાં કહ્યું હતું કે, તેમણે પણ એક અઠવાડિયા પહેલાં ફ્રી ભોજન બુક કરાવ્યું હતું અને જે અનુભવ પણ નિરાશાજનક રહ્યો હતો. તેમણે કહ્યું કે ભોજન એટલું કડક હતું કે ટુકડા થઇ ગયા હતા.

  આ પ્રકારની અનેક કોમેન્ટ માસ્ટરશૅફ સંજીવ કપૂરની આ ટ્વીટમાં જોવા મળી હતી. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એર ઇન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં