Thursday, February 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં ગઈ કાલનો દિવસ અંગદાન અને પ્રત્યાર્પણ માટે રહ્યો સીમાચિહ્નરૂપ: એક દિવસમાં...

  ગુજરાતમાં ગઈ કાલનો દિવસ અંગદાન અને પ્રત્યાર્પણ માટે રહ્યો સીમાચિહ્નરૂપ: એક દિવસમાં ત્રણ અંગદાન, એક દિવસમાં 2 હ્રદયનું દાન અને બીજું ઘણુંબધું

  ગુજરાતના આરોગ્ય વિજ્ઞાનના ઈતિહાસ માટે ગઈકાલનો દિવસ અત્યંત યાદગાર રહ્યો હતો જ્યારે સમગ્ર રાજ્યમાંથી ત્રણ અંગદાન થયાં હતાં અને ગુજરાતનું પ્રથમ ઓર્ગન એરલીફ્ટ પણ થવા પામ્યું હતું.

  - Advertisement -

  ગુજરાતમાં અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે 25 મેના રોજ નોંધપાત્ર ઘટનાઓની શ્રેણીમાં, રાજ્યએ એક જ દિવસમાં ઓછામાં ઓછી ચાર સીમાચિહ્નરૂપ ઘટનાઓ નોંધાઈ હતી, જે દ્વારા બુધવારે મોડી રાત સુધી પ્રત્યારોપણ સર્જરીઓમાંથી પસાર થતા આશરે 13 દર્દીઓને નવું જીવન આપ્યું હતું.

  બુધવારે ગુજરાતમાં પ્રથમ વખત, એક જ દિવસમાં 3 અલગ-અલગ જિલ્લામાંથી ત્રણ વ્યક્તિઓ દ્વારા અંગદાન, એક જ દિવસે બે હૃદય દાન, પેરિફેરલ જૂનાગઢ જિલ્લામાંથી પ્રથમ અંગદાન અને GVK-EMRI એર એમ્બ્યુલન્સ દ્વારા અવયવોનું પરિવહન માટે પ્રથમ એરલિફ્ટ નોંધાયું હતું.

  એક જ દિવસમાં 3 અંગદાન

  એક જ દિવસમાં ત્રણ અંગદાન થવાં એ એક અત્યંત દુર્લભ ઘટના છે, પરંતુ બુધવારે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને જૂનાગઢ એમ ત્રણ અલગ-અલગ જિલ્લાઓમાંથી ત્રણ અંગદાન નોંધાયા હતા.

  - Advertisement -

  ઉપરાંત જો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અન્ય એક બ્રેઈન ડેડ દર્દી, જેના સંબંધીઓ અંગદાન માટે પહેલાથી જ સંમતિ આપી ચૂક્યા હતા, ઓપરેશન ટેબલ પર મૃત્યુ ન પામ્યા હોત તો એક જ દિવસમાં ચાર અંગદાન થઈ શક્યા હોત.

  25 મેના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 44 વર્ષીય બ્રેઈન ડેડ દર્દી દ્વારા હૃદય, કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં અંગદાનના કિસ્સા ઘણી વાર આવતા જ હોય છે.

  તેમજ જૂનાગઢની સતાસીયા હોસ્પિટલમાંથી 66 વર્ષીય વ્યક્તિનું લીવર અને કીડનીનું દાન કરવામાં આવ્યું હતું. તબીબો દ્વારા મૃતક ખેડૂતની કિડની અને લિવરને ગ્રીન કોરિડોર મારફત કેશોદ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ પહોંચાડવામાં આવ્યાં હતાં. આમ, જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત તંત્ર દ્વારા ગ્રીન કોરિડોર ઊભો કરી 350 કિમીનું અંતર 118 મિનિટમાં કાપી જરૂરિયાતમંદ દર્દી સુધી અંગો પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

  ત્રીજું અંગદાન, જેમાંથી પ્રત્યારોપણ માટે સૌથી વધુ સંખ્યામાં અંગો મેળવવામાં આવ્યા હતા, તે 17 વર્ષીય યુવકનું હતું. જેનું હૃદય, ફેફસાં, લીવર, સ્વાદુપિંડ, કિડની અને કોર્નિયા વડોદરાની ગ્લોબલ સનશાઇન હોસ્પિટલમાંથી દાનમાં આપવામાં આવ્યા હતા.

  આ પહેલા આ વર્ષે એક જ દિવસમાં ત્રણ ડોનેશન માત્ર એક જ વાર થયા હતા અને તે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે.

  એક જ દિવસમાં બે હ્રદયનું દાન

  સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) દ્વારા નોંધાયેલ અન્ય એક મહત્વના સીમાચિહ્નમાં રાજ્યના બે દર્દીઓ દ્વારા એક જ દિવસે બે હૃદયનું દાન હતું, જેમાં અમદાવાદ અને વડોદરાના એક-એક હતા.

  રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ હૃદય દાનની સંખ્યા 67 છે. તેમાંથી 30 હૃદય રાજ્યની અંદર પ્રત્યારોપીત કરવામાં આવ્યા છે જ્યારે 37 હૃદય ભારતના અન્ય રાજ્યોમાં દર્દીઓને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના દર્દીના ફેફસાં ગુજરાતમાં ફેફસાનું 24મું દાન હતું. તમામ ફેફસાંને ગુજરાતની બહાર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં પણ જિલ્લામાંથી સૌપ્રથમ અંગદાન થયું હતું.

  ગુજરાત SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, “જૂનાગઢમાંથી આ પ્રથમ અંગદાન છે. આ અગત્યનું છે કારણ કે હવે અમે રાજ્યના મુખ્ય શહેરોમાંથી જ નહીં પરંતુ પેરિફેરલ જિલ્લાઓમાંથી પણ અંગો મેળવવાની વિનંતીઓ જોઈ રહ્યા છીએ.”

  ગુજરાત એર એમ્બ્યુલન્સ માટે પહેલું ઓર્ગન એરલિફ્ટ

  બુધવારે GVK-EMRI દ્વારા સંચાલિત રાજ્યની એર એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ઓર્ગન એરલિફ્ટ પણ જોવા મળ્યું હતું, જેમાં કેશોદની સતાસિયા હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં 66 વર્ષીય દાતાના અવયવોનું પરિવહન થયું હતું, જેની GVKના ડિરેક્ટર નરેન્દ્ર ગોહિલે પુષ્ટિ આપી હતી.

  અમૂલ્ય સમય બચાવવા માટે દાનમાં આપેલા હૃદયનું નિયમિતપણે એરલિફ્ટ દ્વારા પરિવહન કરવામાં આવે છે, જ્યારે 25 મેના રોજની એરલિફ્ટ ગુજરાતમાં કિડની અને લિવર માટે માત્ર ત્રીજું ઓર્ગન એરલિફ્ટ હતું. અગાઉના અંગો જામનગર અને સુરતથી ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, તેમ ડોકટરોએ જણાવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં