Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પંજાબ છોડતાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર...

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પંજાબ છોડતાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નેતા મનપ્રીતસિંહ બાદલ ભાજપમાં જોડાયા

    કેપ્ટન અમરિંદર સિંહ, સુનીલ જાખડ સહિત લગભગ એક ડઝન કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. હવે મનપ્રીત બાદલે કોંગ્રેસ છોડતાની સાથે જ પંજાબમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો વાગ્યો છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના પંજાબ છોડતાની સાથે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નેતા મનપ્રીતસિંહ બાદલ ભાજપમાં જોડાયા હતા, બુધવારે તેમણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના મહાસચિવ તરુણ ચુગની હાજરીમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી હતી.

    અહેવાલો અનુસાર મનપ્રીત સિંહ બાદલે આ પહેલા બુધવારે કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના પંજાબ એકમ “જૂથવાદ”ને ટેકો આપે છે. એસએડીના વડા પ્રકાશસિંહ બાદલના ભત્રીજા મનપ્રીતે 1995માં ગિદરબહા પેટા-ચૂંટણીમાં વિજય મેળવીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જયારે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને મનપ્રીતસિંહ બાદલ ભાજપમાં જોડાયા છે. તેમની લગભગ ત્રણ દાયકા લાંબી રાજકીય કારકિર્દીમાં મનપ્રીતની આ ચોથી પાર્ટી છે. પંજાબ કોંગ્રેસના વડા અમરિંદરસિંહ રાજા વોરિંગ સાથે તેમના મતભેદો હતા.

    તેમણે લખેલા પત્રને ટ્વીટર પર મુક્યા બાદ મનપ્રીત બાદલે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, “પંજાબીમાં એક કહેવત છે કે ‘મૈં આયા ભાજપ કાર્યાલય મેં આપને મુજે હથો પે નહીં આંખે પે બિઠા લિયા’. હું ૩૦ વર્ષથી રાજકારણમાં છું. થોડા દિવસો પહેલા હું એક સિંહને મળ્યો હતો જે ભારતના ગૃહમંત્રી (અમિત શાહ) હતા, તેમણે મને કહ્યું હતું કે પંજાબ પર 400 વખત હુમલો કરવામાં આવ્યો છે. ‘અમે પંજાબ માટે બનતું બધું જ કરીશું’ એવું તેમનું નિવેદન મને સ્પર્શી ગયું હતું, અને હું હંમેશા પંજાબ અને પંજાબના ભવિષ્ય માટે ચિંતિત છું.”

    - Advertisement -

    મનપ્રીત બાદલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, દિલ્હીના લોકોનો એક સમૂહ પંજાબમાં કામકાજ ચલાવી રહ્યો છે અને તેનાથી માત્ર જૂથવાદ વધ્યો છે. આ ઉપરાંત વધુમાં મનપ્રીતે લખ્યું છે કે, “કોંગ્રેસ પાર્ટીએ જે રીતે પોતાનું કામકાજ ચલાવ્યું છે અને ખાસ કરીને પંજાબના સંદર્ભમાં નિર્ણયો લીધા છે, તે ખુબ નિરાશાજનક રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે ભાજપ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીને સતત આંચકા આપી રહી છે. કેપ્ટન અમરિંદર સિંહ, સુનીલ જાખડ સહિત લગભગ એક ડઝન કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. હવે મનપ્રીત બાદલે કોંગ્રેસ છોડતાની સાથે જ પંજાબમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો વાગ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં