Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમણિપુરમાં ટોળું હિંસક બન્યું: આવકવેરા અધિકારીની તેમના ઘરમાંથી ખેંચી કાઢીને કરવામાં આવી...

    મણિપુરમાં ટોળું હિંસક બન્યું: આવકવેરા અધિકારીની તેમના ઘરમાંથી ખેંચી કાઢીને કરવામાં આવી હત્યા, BJP ધારાસભ્ય પર જીવલેણ હુમલો

    મણિપુરમાં આદિવાસી અને બિન-આદિવાસી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યા મુજબ, 13,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.

    - Advertisement -

    બે સમુદાયો વચ્ચેની હિંસક ઝડપ દરમિયાન મણિપુરમાં IRS અધિકારીની હત્યા કરવામાં આવી છે. તો ભાજપના ધારાસભ્ય વુંગઝાગિન વાલ્ટે પર પણ ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ મુખ્યમંત્રી એન. બિરેન સિંહને મળ્યા બાદ રાજ્ય સચિવાલયથી પરત તેમના ઘરે જઈ રહ્યા હતા.

    મણિપુરમાં IRS અધિકારીની હત્યા બાદ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS) એસોસિએશને આ ઘટનાને વખોડી હતી. એસોસિએશન દ્વારા શુક્રવારે (5 મે, 2023) જણાવવામાં આવ્યું હતું કે, રાજધાની ઇમ્ફાલમાં તૈનાત આવકવેરા વિભાગના એક અધિકારીને તેમના સરકારી નિવાસસ્થાનમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી.

    એસોસિએશને ટ્વિટર પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, “IRS એસોસિએશન હિંસાના આ ઘૃણાસ્પદ કૃત્યની સખત નિંદા કરે છે, જેના પરિણામે ઇમ્ફાલમાં ટેક્સ અસિસ્ટન્ટ શ્રી લેમિનથાંગ હાઓકિપનું મૃત્યુ થયું. કોઈપણ કારણ કે વિચારધારા એક નિર્દોષ લોક સેવકની હત્યાને યોગ્ય ઠેરવી શકે નહીં. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે.”

    - Advertisement -

    તો મણિપુર ડીજીપી પી. ડોંગલે જણાવ્યું હતું કે, “ભાજપના ધારાસભ્ય વુંગઝાગિન વાલ્ટે પર વિરોધ પ્રદર્શન કરનારા ટોળાએ હુમલો કર્યા બાદ તેમને રાજ્યની બહાર એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. અમને કડક આદેશ મળ્યો છે કે જો કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેને બિલકુલ છોડવામાં ન આવે. સેનાને ફ્લેગ માર્ચના આદેશ મળ્યા છે.”

    બીજી તરફ મણિપુરના ચુરાચાંદપુરમાં રજા પર પોતાના ગામ આવેલા CRPFના એક કોબ્રા કમાન્ડોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે, કોબ્રા બટાલિયનની ડેલ્ટા કંપનીના કોન્સ્ટેબલ ચોનખોલેન હાઓકિપની હત્યા કયા સંજોગોમાં કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી થયું.

    ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં આદિવાસી અને બિન-આદિવાસી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યા મુજબ, 13,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં અર્ધલશ્કરી દળોની 14 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર તરફથી પણ કેટલીક કંપનીઓ મોકલવામાં આવી છે.

    રાજ્યમાં હિંસા એટલી હદે વધી ગઈ છે કે શાળાઓ, કોલેજો, ચર્ચો, ઘર અને બાળ ગૃહને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. મણિપુરના ઘણાં વિસ્તારોમાં આગચંપીને કારણે સળગતા વાહનોની લાઈનો લાગી છે. મણિપુરના 8 જિલ્લાઓમાં કલમ 144 લાગુ છે. પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ તણાવ જારી છે, પણ સ્થિતિ નિયંત્રણમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં