Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવારંવાર કહ્યા છતાં નમાજ પઢતો ન હતો પુત્ર, પિતાએ હથોડો મારીને પતાવી...

    વારંવાર કહ્યા છતાં નમાજ પઢતો ન હતો પુત્ર, પિતાએ હથોડો મારીને પતાવી દીધો: પાકિસ્તાનના કરાંચીની ઘટના, આરોપીની ધરપકડ

    કંઈ પણ કહ્યા વગર સઈદે તેને માથામાં હથોડો મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાંખ્યો હતો અને થોડી ક્ષણોમાં જ યુવકનું મોત થયું હતું. 

    - Advertisement -

    પાકિસ્તાનના કરાંચીમાં એક ઈસમે તેના 24 વર્ષીય પુત્રની હત્યા કરી નાંખી છે. કારણ એ હતું કે તે નમાજ પઢતો ન હતો. વારંવાર કહ્યા છતાં પણ ન માનતાં તેના પિતાએ હથોડા વડે મારી નાંખ્યો હતો. 

    મામલો કરાંચીના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારનો છે. મૃતક યુવકની ઓળખ મોહમ્મદ સોહેલ (24) તરીકે થઇ છે. બુધવારે (22 ફેબ્રુઆરી, 2023) તેના પિતા હાજી મોહમ્મદ સઈદે તેની હત્યા કરી નાંખી હતી. તેની ધરપકડ કરી લેવાઈ છે. 

    ઘટનાના દિવસે સવારે હાજી મોહમ્મદ સઈદ ફજ્રની નમાજ અદા કરીને ઘરે આવ્યો ત્યારે તેનો પુત્ર ઊંઘી રહ્યો હતો. તેને કંઈ પણ કહ્યા વગર સઈદે તેને માથામાં હથોડો મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી નાંખ્યો હતો અને થોડી ક્ષણોમાં જ યુવકનું મોત થયું હતું. 

    - Advertisement -

    પોલીસને મામલાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના ઘરમાંથી એક હથોડો અને ચાકુ પણ મળી આવ્યાં હતાં, જે હત્યામાં વપરાયાં હોવાની આશંકા છે. બીજી તરફ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી દીધો હતો. 

    નમાજ ન પઢવા બદલ હત્યા મામલે કરાંચીમાં આવેલા એક પોલીસ મથકે આરોપી સામે હત્યાની કલમ હેઠળ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે અગાઉ પણ સોહેલ સહિતનાં તેનાં સંતાનોને સમયસર નમાજ અદા કરવા માટે કહ્યું હતું પરંતુ સોહેલે ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ આજે સવારે નમાજ અદા કરીને આવીને તેને ઊંઘેલો જોઈને તે ગુસ્સા પર કાબૂ રાખી શક્યો ન હતો અને હથોડો મારીને પતાવી દીધો હતો. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક યુવક દરજીનું કામ કરતો હતો જ્યારે આરોપી તેનો પિતા એક ફેક્ટરીમાં કામ કરે છે. હાલ તેને હિરાસતમાં લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. 

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હાલ ઇતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોને પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ ફાંફાં મારવાં પડી રહ્યાં છે અને તેમાં ઘણી વખત અંધાધૂંધી સર્જાવાના અહેવાલો પણ મળ્યા છે. પાકિસ્તાનમાં આમ પણ ગુનાખોરીનું પ્રમાણ ઊંચું જ રહે છે ત્યારે આવા સંજોગોમાં ગુનાઓનું પ્રમાણ હજુ વધતું જોવા મળી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં