દેશવાસીઓ સાથે સંવાદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વિશેષ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 100મો એપિસોડ રવિવારે પ્રસારિત થનાર છે, જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને એક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમે સરકારના જનતા સુધી પહોંચવાના અભિયાનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પેટિટિવનેસ દ્વારા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને એક્સિસ માય ઇન્ડિયા સાથે મળીને કરવામાં આવેલ રિસર્ચ બાદ આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, મન કી બાત કાર્યક્રમની મદદથી સરકાર દેશના નાગરિકો સુધી અને વિશેષ કરીને મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને અન્ય સમુદાયો સુધી પહોંચવામાં સફળ રહી હતી. રિપોર્ટમાં મન કી બાત સાથે જોડાયેલી મુખ્ય પાંચ થીમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્વચ્છતા અને સેનિટેશન, સ્વાસ્થ્ય, કલ્યાણ, જળસંચય વગેરેનો સમાવેશ થાય છે.
રિપોર્ટ જણાવે છે કે, આ કાર્યક્રમે સરકાર અને નાગરિકો વચ્ચે સેતુનું કામ કર્યું અને આ ક્ષેત્રોને પ્રાથમિકતા આપીને તેમના લોકોને આ જુદાં-જુદાં અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. એમ પણ જણાવવામાં આવ્યું કે, મન કી બાત દ્વારા લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો અને તેમની ઉપલબ્ધિઓને ઉજાગર કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ રિસર્ચ રિપોર્ટમાં અમુક ઉદાહરણો ટાંકીને એ પણ જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે લોકોએ આ કાર્યક્રમ સાંભળ્યા બાદ ઝુંબેશ ઉપાડી હતી અને તેમાં સફળ પણ રહ્યા હતા. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે, સંવાદ અને વ્યવહારિક વિષયોના કારણે આ કાર્યક્રમ દર્શકો અને શ્રોતાઓ માટે વધુ પ્રાસંગિક બની રહ્યો અને સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે તમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
‘મન કી બાત’ એક રેડિયો કાર્યક્રમ છે જે દર મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે રેડિયોના માધ્યમથી સંવાદ કરે છે. વિશેષ કિસ્સાઓમાં દેશના જુદા-જુદા ભાગોમાંથી લોકો તેમની સાથે જોડાય છે.
મન કી બાતની શરૂઆત ઓક્ટોબર 2014માં કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી તેના કુલ 99 એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. રવિવારે (30 એપ્રિલ, 2023) તેનો સોમો એપિસોડ પ્રસારિત થશે, જેનું રેકોર્ડિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.