હવાઈ યાત્રા દરમિયાન કેટલાક લોકોનાં કારસ્તાનોના કારણે અનેક યાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. કેટલીક વાર તો આવા લોકોનાં તોફાનો એ હદનાં હોય છે કે લોકોના જીવ અધ્ધર થઇ જાય. આવું જ કશું થયું મલેશિયા એરલાઈનની એક ફ્લાઈટમાં. ઓસ્ટ્રેલિયાથી મલેશિયા જતી ફ્લાઈટને તેમાં સવાર એક મોહમ્મદ નામના વ્યક્તિએ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી બાનમાં લીધી હતી. પોતાને ‘અલ્લાહનો ગુલામ’ કહેનાર મોહમ્મદે અન્ય યાત્રીઓને પણ પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી અલ્લાહના ગુલામ હોવાનું કહેવા દબાણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અંતે ફ્લાઈટને સિડનીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાથી મલેશિયા જતી જે ફ્લાઈટને મોહમ્મદે ઉડાવી દેવાની ધમકી આપી તે મલેશિયા એરલાઈન્સનું ‘MH122’ પ્લેન હતું. આ વિમાને બપોરે 1:40 વાગ્યે સિડનીથી મલેશિયા જવા માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ 8 કલાકની યાત્રા બાદ મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે લેન્ડ કરવાની હતી. જોકે, મોહમ્મદના કારસ્તાનના કારણે 2 કલાક બાદ ફરી સિડનીનાં જ એરપોર્ટ ઈમરજન્સી લેન્ડ કરવાની ફરજ પડી હતી.
A Malaysian Airways flight MH122 was landed in Sydney after a man named Mohammed threatened the flight with a bomb. He insisted that he was a slave of Allah & asked everyone to confirm their submission as a slave.
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 14, 2023
He was later arrested on landing and taken for the treatment. pic.twitter.com/E4xSgoJ6I2
કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ઉડતાંની સાથે જ મોહમ્મદે લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું હતું. તે વિમાનમાં સ્વર અન્ય યાત્રીઓ તરફ હાથ કરી કરીને પોતાને અલ્લાહનો ગુલામ હોવાનું કહી રહ્યો હતો. સાથે જ મોહમ્મદે તેના સહયાત્રીઓને પણ તેની જેમ ‘અલ્લાહના ગુલામ’ હોવાનું બોલવા દબાણ કરી રહ્યો હતો. મોહમ્મદે આ દરમિયાન આખા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. પોતાની પાસે રહેલા બેગમાં બોમ્બ હોવાનું કહીને તે વારેવારે બેગની ચેન ખોલી રહ્યો હતો જે જોઇને તમામ યાત્રીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ઘટના ધ્યાને આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની પોલીસે આપાતકાલીન સ્થિતિ જાહેર કરી તત્કાળ પગલાં લીધાં હતાં. ફ્લાઇટને ઇમરજન્સી વાહનો સાથે રનવે પર ફરી પાર્ક કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે 32 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કકરવાની ફરજ પડી હતી. બાકીની ફ્લાઈટ્સ પણ દોઢ કલાક સુધી મોડી પડી હતી. જોકે, કોઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ કરવાની જરૂર પડી ન હતી. વિમાનમાં 199 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. વિમાનમાં સહયાત્રીઓને ધમકી આપતા આરોપીનો એક વિડીયો પણ સામે આવ્યો છે.
આ મામલે ઓસ્ટ્રેલિયન પોલીસે જણાવ્યું હતું કે બોમ્બની ધમકી મળ્યા બાદ ઈમરજન્સી પ્લાન બનાવી મુસાફરોને સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ મલેશિયા એરલાઇન્સે જણાવ્યું હતું કે યાત્રામાં અવરોધ ઉભા કરનાર યાત્રીના કારણે આ ઘટના ઘટી હતી. એરલાઇને જણાવ્યું હતું કે સલામતી અને કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ પરત લાવવામાં આવી હતી. લેન્ડીંગ બાદ પોલીસે આખા વિમાનની ઝીણવટભરી તપાસ કરી હતી. તો બીજી તરફ મુસાફરોને આગળની ઉપલબ્ધ ફ્લાઇટ્સ દ્વારા મોકલી આપવામાં આવ્યા હતા. હાલ એરપોર્ટ પર આવાગમન સામાન્ય છે.