મહીસાગરના કારંટા ગામે દલિત યુવતીની હત્યા થયાના દિવસો બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મધ્ય પ્રદેશથી પકડી લીધો હતો. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ગત 18 માર્ચે મહીસાગરના ખાનપુરની યુવતી પરિવાર સાથે કારંટા ગામના ઉર્સના મેળામાં ગઈ હતી. જ્યાંથી તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઈ હતી. જેના 4 દિવસ બાદ કારંટા ગામની નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતાં મેળામાં છૂટક વેચાણ કરવા માટે આવેલા ચટ્ટાઈના એક વેપારીની ધરપકડ કરી લીધી હતી. જેની ઓળખ જીતેન્દ્ર ભીમસેન તરીકે થઇ છે. તે મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે અને અહીં સંતરામપુર ખાતે રહે છે.
પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ઉર્સના મેળા દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો ચટ્ટાઈ વેચનારની ચટ્ટાઈ લઈને ભાગ્યા હતા. તેમને જોઈને મૃતક યુવતી પણ ભાગી હતી. તેની પાછળ ચટ્ટાઈ વેચનાર પણ ભાગ્યો હતો.
પછીથી આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી અને જેમાં યુવતીને ધક્કો વાગી જવાના કારણે તે પડી ગઈ હતી અને માથાના ભાગે ઇજા થતાં બેભાન થઇ ગઈ હતી. ત્યારબાદ જીતેન્દ્રએ નજીક પડેલા કોથળામાં ભરી દઈને તેને નદીમાં ફેંકી દીધી હતી.
પોલીસે ટેક્નિકલ સોર્સ અને બાતમીના આધારે આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યારબાદ તે મધ્ય પ્રદેશમાં છુપાયો હોવાની જાણકારીના આધારે શોધી કાઢી ધરપકડ કરી લીધી હતી. પોલીસ અનુસાર, પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત પણ કરી લીધી છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.
પોલીસે જણાવ્યું કે હાલ આ દિશામાં તપાસ ચાલી રહી છે અને આરોપી વિરુદ્ધ IPCની કલમ 302 અને 201 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈ બાહ્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું ન હતું, માત્ર માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે FSL રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.