અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા GST કૌભાંડ કેસમાં પકડાયેલા ‘ધ હિન્દુ’ અખબારના ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) હવે રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. લાંગા અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો, જ્યાંથી રાજકોટ પોલીસે (Rajkot Police) કસ્ટડી મેળવીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજકોટ પોલીસે ગત મહિને GST ફ્રોડનો જ એક કેસ દાખલ કર્યો હતો, જેમાં પણ લાંગાની સંડોવણી બહાર આવતાં તેને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ આખરે 4 દિવસની કસ્ટડી મંજૂર કરવામાં આવી.
ગત 27 નવેમ્બરના રોજ CGST વિભાગના એન્ટી-ઇવેઝન વિભાગના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા રાજકોટ પોલીસને GST ફ્રોડ મામલે એક ફરિયાદ આપવામાં આવી હતી. જેના આધારે કેસ દાખલ કરીને તપાસ રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગને સોંપવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે રાજકોટ પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી અને લાંગાના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા.
ટૂંકમાં વિગતો જોઈએ તો, કેસ પરમાર એન્ટરપ્રાઇઝ નામની એક ફર્મ હેઠળની 15 શેલ કંપનીઓ વચ્ચે થયેલા બોગસ બિલિંગનો છે. તમામે કાવતરું રચીને ફોલ્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાના પ્રયાસ કર્યા હતા. કૌભાંડ જૂન, 2023માં આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
મહેશ લાંગાની ભૂમિકા વિશે જણાવતાં રાજકોટ પોલીસે જણાવ્યું હતું કે, “પરમાર એન્ટરપ્રાઇઝની સ્થાપના જૂન, 2023માં એક શેલ ફર્મ તરીકે કરવામાં આવી હતી. એક ખોટા રેન્ટલ એગ્રીમેન્ટના આધારે ફેક બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં. કુલ 14 અન્ય ફર્મે આ ફર્મ પાસેથી ખોટાં બિલ લીધાં હતાં, જેમાં એક DA એન્ટરપ્રાઇઝ પણ સામેલ છે, જેનું સંચાલન લાંગા કરતો હતો. આ કેસમાં લાંગા સહિત કુલ 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, DA એન્ટરપ્રાઇઝ દ્વારા પરમાર એન્ટરપ્રાઇઝ પાસેથી 4 ફેક બિલ ખરીદવામાં આવ્યાં હતાં, જેનું કુલ મૂલ્ય ₹47 લાખ થાય છે અને જેનો બોગસ ITC ₹8 લાખ જેટલો થાય છે.
મહેશ લાંગા વિરુદ્ધ અનેક કેસ
ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર, 2024થી અત્યાર સુધીમાં મહેશ લાંગા વિરુદ્ધ ચારેક કેસ નોંધાઈ ચૂક્યા છે. સૌથી પહેલો કેસ અમદાવાદ પોલીસે GST ફ્રોડ મામલે જ નોંધ્યો હતો. વિભાગે રાજ્યભરમાં દરોડા પાડ્યા બાદ પોલીસને ફરિયાદ આપી હતી, જેમાં મહેશની કંપનીનું નામ પણ હતું. પૂછપરછ કરતાં તે જ સંચાલન કરતો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. કોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂકી છે.
ત્યારબાદ ગાંધીનગરમાં તેની સામે મેરિટાઇમ બોર્ડની ઑફિસમાંથી અમુક સંવેદનશીલ દસ્તાવેજો લીક કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્રીજો એક કેસ અમદાવાદના એક વેપારીની ફરિયાદ પર ₹28 લાખની છેતરપિંડી મામલેનો નોંધવામાં આવ્યો હતો. જોકે, તેમાં લાંગાને આગોતરા જામીન મળી ગયા છે.