Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશી વિશ્વનાથ કોરિડોરથી પણ 4 ગણો મોટો ‘મહાકાળ લોક’ બનીને તૈયાર, હશે...

    કાશી વિશ્વનાથ કોરિડોરથી પણ 4 ગણો મોટો ‘મહાકાળ લોક’ બનીને તૈયાર, હશે અત્યાધુનિક સુવિધાઓ: આવતીકાલે પીએમ મોદી કરશે રાષ્ટ્રને સમર્પિત 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાળેશ્વર મંદિર ખાતે બનાવવામાં આવેલ 'મહાકાળેશ્વર કોરિડોર'નું લોકાર્પણ કરશે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીના એક મહાકાળેશ્વર મંદિર ખાતે કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ જ ‘મહાકાળ કોરિડોર’ વિકસાવવામાં આવ્યો છે. જેને ‘મહાકાળ લોક’ નામ આપવામાં આવ્યું છે. આ કોરિડોરનું લોકાર્પણ 11 ઓક્ટોબર 2022 (મંગળવાર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. 

    મહાકાળેશ્વર મંદિરની સ્થાપના બ્રહ્માજીએ કરી હોવાનું કહેવાય છે. પ્રાચીન ગ્રંથ કાવ્યોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે આ મંદિરનો પાયો અને ચબૂતરો પથ્થરોથી બનાવવામાં આવ્યો હતો અને મંદિર લાકડાના ટેકા પર ઉભું હતું. ઉજ્જૈનમાં સ્થિત મહાકાળ વનમાં આવેલ હોવાના કારણે આ જ્યોતિર્લિંગ ‘મહાકાળેશ્વર’ કહેવાયું હતું. 

    મહાકાળ મંદિર સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે, દર વર્ષે લાખો લોકો ભગવાન મહાદેવના દર્શને જાય છે. હવે આ વિશ્વપ્રસિદ્ધ મંદિરને નવાં રંગરૂપ આપવામાં આવ્યાં છે અને કરોડો રૂપિયાના ખર્ચે નવો કોરિડોર બનાવવામાં આવ્યો છે. 

    - Advertisement -

    ઉજ્જૈન સ્થિત મહાકાળેશ્વર મંદિરમાં બનાવવામાં આવેલ આ 900 મીટરથી વધુ લાંબો કોરિડોર ભારતમાં અત્યાર સુધીમાં બનેલા સૌથી મોટા કોરિડોર પૈકીનો એક છે. વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ કોરિડોર 5 એકરમાં બનાવવામાં આવ્યો છે, જ્યારે આ કોરિડર 20 એકરમાં ફેલાયેલો છે. જેથી મહાકાળ કોરિડોર લગભગ 4 ગણો મોટો હશે.

    આ કોરિડોર બનાવવામાં કુલ 856 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કોરિડોરના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જેનું પીએમ મોદી આવતીકાલે લોકાર્પણ કરશે, જ્યારે બીજા તબક્કાનું લોકાર્પણ 2023-24માં થવાની સંભાવના છે.  પહેલા તબક્કામાં મહાકાળ થીમ પાર્ક, મહાકાળ પથ, રુદ્રસાગર તળાવ, મહાકાળ વાટિકા વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

    મહાકાળ પથ મહાકાળ મંદિરને જોડવા માટે 900 મીટર લાંબો માર્ગ બનાવવામાં આવ્યો છે, જેમાં શિવપુરાણની કથાઓ પર આધારિત 25 ફુટ ઊંચી અને 500 મીટર લાંબી એક દીવાલ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત, વિભિન્ન મુદ્રાઓ વાળા શિવસ્તંભ પણ હશે, જે ભગવાન શિવના આનંદ તાંડવ સ્વરૂપને દર્શાવે છે. 

    200 નાની-મોટી મૂર્તિઓ, 108 સ્તંભ 

    2.5 હેકટરમાં ફેલાયેલો આ પથ ‘મહાકાળ તળાવ’થી ઘેરાયેલો હશે, જેમાં ફુવારા સાથે ભગવાન શિવની મૂર્તિ પણ હશે. મહાકાળ લોકમાં 52 મયૂરલ, 80 સ્કલ્પચર અને 200 નાની-મોટી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જે પ્રાચીનતા અને આધુનિકતાનું મિશ્રણ છે અને જેના માધ્યમથી ભગવાન શિવની લીલા બતાવવામાં આવશે. 

    માળાના 108 મણકાની જેમ મહાકાળ પ્રાંગણમાં પણ 108 સ્તંભ બનાવવામાં આવ્યા છે. જેની ઉપર ભગવાન શિવના ચિત્ર કંડારવામાં આવ્યા છે. તેમજ કાર્તિકેય અને ભગવાન ગણેશજીની લીલાઓ પણ કંડારવામાં આવી છે. 

    ભગવાન શિવના મહિમાને ઓડિયો સ્વરૂપે સાંભળી શકાશે 

    મહાકાળ લોકમાં આવનારા તીર્થયાત્રીઓ માટે તમામ સુવિધાઓ ઉપરાંત વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જે અનુસાર, હવેથી તીર્થયાત્રીઓ ભગવાન શિવની મહિમાને કથાના સ્વરૂપે સાંભળી શકશે. આ માટે ઓડિયો ડિવાઇસ પણ ઉપલબ્ધ થશે. ઉપરાંત, ભગવાન શિવ વિશે જાણકારી મેળવવા માટે એક મોબાઈલ એપ પણ વિકસાવવામાં આવી છે.  

    દેશ-વિદેશ અને અલગ-અલગ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ મહાકાળ લોકમાં બનાવવામાં આવેલ મ્યૂરલ અને મૂર્તિઓ પર ભગવાન શિવની મહિમા અને તેમની સાથે જોડાયેલી પૌરાણિક ગાથાઓને ઓડિયો ડિવાઇસના માધ્યમથી જુદી-જુદી ભાષાઓમાં સાંભળી શકશે. આ માટે દરેક મૂર્તિ પાસે ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો હશે, જેને સ્કેન કરીને ભગવાનની ગાથાઓ સાંભળી શકાશે. 

    જો કોઈ શ્રદ્ધાળુ આ વાર્તાઓ ઓડિયો ફોર્મેટમાં સાંભળવા માંગતા હોય તો તેમણે મહાકાળ કોરિડોર પાસે બનેલ ઓફિસમાંથી એક ઓડિયો ડિવાઇસ લેવું પડશે, જેને સ્કેન કરતાં જ આખી વાર્તા સાંભળવા મળશે. જો કોઈ વ્યક્તિ ડિવાઇસ લેવા માંગતું ન હોય તો તેઓ મોબાઈલથી પણ આ ઓડિયો સાંભળી શકશે. આ માટે તેમણે મોબાઈલમાં ‘ઉમા’ નામની એપ ડાઉનલોડ કરવી પડશે. 

    24 કલાક કેમેરાથી નજર રહેશે

    આ સમગ્ર પરિસર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સર્વિલાન્સ કેમેરાની મદદથી ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા 24 કલાક નજર રાખવામાં આવશે. જેથી ભીડ પણ નિયંત્રિત થઇ શકશે તેમજ સંરચનાઓનું પણ સંરક્ષણ કરી શકાશે. 

    આ પ્રોજેક્ટની શરૂઆત 2017માં થઇ હતી અને જેનો ઉદ્દેશ્ય પ્રાચીન મંદિર વાસ્તુકળાના ઉપયોગના માધ્યમથી ઐતિહાસિક શહેર ઉજ્જૈનના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો હોવાનું કહેવાયું છે. 

    આ ભવ્ય કોરિડોર મહાકાળેશ્વર મંદિરની તાસીર બદલીને મૂકી દેશે અને જેના કારણે તીર્થધામ ઉપરાંત પ્રવાસન ધામ તરીકે પણ વિકસવાના કારણે દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે તેમ માનવામાં આવી રહ્યું છે. 

    વડાપ્રધાન આવતીકાલે સાંજે 5:30 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. તેઓ સૌપ્રથમ મંદિરના ગર્ભગૃહમાં બાબા મહાકાલની પૂજા કરશે. ત્યારબાદ 6:30 વાગ્યે મહાકાળ પ્રોજેક્ટના નંદી દ્વારનું લોકાર્પણ કરશે. 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થશે અને જ્યાં એક જનસભા પણ સંબોધિત કરશે. પીએમ મોદી મહાકાળ લોકમાં શિવલિંગની 16 ફુટ ઊંચી પ્રતિકૃતિનું પણ અનાવરણ કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં