મધ્યપ્રદેશની રાજધાની ઇન્દોરમાં એક મુસ્લિમ વ્યક્તિની હિંદુ પત્નીને ધર્માંતરણ કરી ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2021ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું છે.
આરોપીની ઓળખ રૂબાબ શાહ તરીકે થઇ છે. તે અને પીડિતા બંને ઇન્દોરની એક કોલેજમાં BHMSનો અભ્યાસ કરી રહ્યા હતા. થોડા સમય બાદ બંનેએ નિકાહ કરી લીધાં હતાં. લગ્નનાં ત્રણ વર્ષ બાદ તેમને એક પુત્રી પણ થઇ હતી. ત્યારબાદ આરોપી તેની પત્ની પર ધર્માંતરણ માટે દબાણ કરવા માંડ્યો હતો.
પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી વખતે આરોપી સાથે તેની મિત્રતા થઇ હતી. ત્યારબાદ 2015માં લગ્ન કરીને ફસાઈ ગઈ હતી. તેણે આગળ જણાવ્યું કે, લગ્નનાં ત્રણ વર્ષ બાદ પુત્રીનો જન્મ થયો તો પતિનું વલણ બદલાઈ ગયું હતું.
આ ઉપરાંત, મહિલાએ તેના પતિ પર દહેજ માટે પણ પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે, ધર્માંતરણ માટે ન માનતાં આરોપી તેની સાથે મારપીટ કરતો હતો. ઘણી વખત સમજાવ્યા છતાં પણ તે ન માણ્યો તો મહિલાએ આખરે પોલીસનું શરણ લીધું હતું.
પોલીસે શારીરિક શોષણ સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરીને આરોપી રૂબાબ શાહની ધરપકડ કરી મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ 2021ની કલમ 3 અને 5 હેઠળ કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
આ અંગે ખજરાના પોલીસ મથકના અધિકારી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, પીડિતાએ હોમિયોપેથીના ચોથા વર્ષના વિદ્યાર્થી પર ધર્મ બદલવા માટે બળપ્રયોગ અને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સામે કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. મહિલાએ પતિ પર દહેજ માટે હેરાનગતિ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં લવજેહાદ વિરોધી કાયદો અમલમાં છે. જે હેઠળ ધર્મ છુપાવીને, બીજી ઓળખ ધારણ કરીને બહેલાવી-ફોસલાવીને નિકાહ-લગ્ન કરવા બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય રીતે ‘લવ જેહાદ વિરોધી કાયદા’ તરીકે ઓળખાતો આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021માં પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ આ પ્રકારના કાયદાઓ અમલમાં છે.