Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલલિત કગથરા અને કોંગ્રેસ-ભાજપના કુલ ચાર હારેલા ઉમેદવારોની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધા;...

    લલિત કગથરા અને કોંગ્રેસ-ભાજપના કુલ ચાર હારેલા ઉમેદવારોની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધા; ચૈતર વસાવાના વિજયને પણ પડકાર્યો

    આ ચારેય હારેલાં ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ – 1951 હેઠળ અરજી કરી છે જેમાં ભારતનાં ચૂંટણી પંચ તેમજ વિવિધ રીટર્નિંગ ઓફિર્સને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભલે પૂર્ણ થઇ ગઈ અને ભલે નવી વિધાનસભાની રચના પણ થઇ ગઈ. આવતે મહીને નવી ગુજરાત વિધાનસભાનું પહેલું અને બજેટ સત્ર પણ બોલાવવામાં આવી ચુક્યું છે, પરંતુ ચૂંટણીમાં હારનારા ભાજપ અને કોંગ્રેસના થઈને કુલ ચાર ઉમેદવારોએ તેમની હારને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આમ આદમી પાર્ટીનાં બે વિજયી ઉમેદવારો જેમાં ચૈતર વસાવા પણ સામેલ છે તેમની જીતને પણ પડકારવામાં આવી છે.

    કોંગ્રેસના લલિત કગથરા અને રઘુ દેસાઈ તેમજ ભાજપના હર્ષદ રીબડીયા અને હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં કરેલી અરજીનો મુખ્ય મુદ્દો તેમની સામે વિજયી બનેલાં ઉમેદવારોની વિગતો ઉમેદવારી પત્રમાં ભૂલ ભરેલી હોવા છતાં રીટર્નિંગ ઓફિસરે તેને સ્વીકારી હોવાનો છે. આ ચારેય ઉમેદવારો અનુક્રમે ટંકારા, રાધનપુર, વિસાવદર અને દેડિયાપાડા પરથી હારી ચુક્યા છે.

    લલિત કગથરા ભાજપના દુર્લભજી દેઓરીયા, રઘુ દેસાઈ ભાજપના લવિંગજી ઠાકોર સામે હારી ગયા હતાં. જ્યારે ભાજપનાં હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીનાં ભૂપત ભાયાણી સામે અને હિતેશ વસાવા આપના ચૈતર વસાવા સામે હાર્યા હતાં.

    - Advertisement -

    લલિત કગથરાનો આરોપ છે કે તેમની સામેનાં ભાજપના ઉમેદવાર દુર્લભજીએ કરેલા સોગંધનામામાં અનેક ભૂલો હતી જેમાં તેમણે પોતાનાં શિક્ષણ અંગે કોઈજ સ્પષ્ટતા નથી કરી કે તેમની મિલકત અંગે કોઈ જ માહિતી આપી નથી. દુર્લભજી પાસે કાર હોવા છતાં તેમણે તે ઉમેદવારી પત્રકમાં દર્શાવી નથી અને ફોર્મમાં અનેક ખાનાં તેમણે ખાલી છોડ્યા હતાં. આ પ્રકારની ગંભીર ભૂલો હોવા છતાં રીટર્નિંગ ઓફિસરે તેમનું ફોર્મ રદ્દ કર્યું ન હતું.      

    હર્ષદ રીબડીયાનો આરોપ છે કે તેમની સામે ચૂંટણી જીતેલાં ભૂપત ભાયાણીએ પોતાનાં ફોર્મમાં તેમની સામે ભ્રષ્ટાચાર અને ઉચાપતના કેસમાં થયેલી કામગીરીને છુપાવી છે અને તેમનાં દીકરાઓનાં કારખાનાંની વિગતો પણ નથી દર્શાવી.

    રઘુ દેસાઈની અરજીમાં તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે પરિણામ બાદ તેમને 58% મતદાનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું પરંતુ રાત્રે 10 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયું હોવાનું જણાવ્યું હતું. અત્રે એ નોંધનીય છે કે રઘુ દેસાઈએ પોતાની હાર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતાં.

    દેડિયાપાડાથી હારેલા ભાજપનાં ઉમેદવાર હિતેશ વસાવાએ પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ચૂંટણી અંગે પણ તેમનાં ઉમેદવારી પત્રમાં ભૂલો હોવાનો આરોપ ચૂંટણી પંચ તેમજ રીટર્નિંગ ઓફિસર પર લગાવ્યો છે.

    આ ચારેય હારેલાં ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ – 1951 હેઠળ અરજી કરી છે જેમાં ભારતનાં ચૂંટણી પંચ તેમજ વિવિધ રીટર્નિંગ ઓફિર્સને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ અરજી પર કોર્ટ આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં