નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે (1 ફેબ્રુઆરી, 2023) લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ, યુવાથી માંડીને મધ્યમ વર્ગ અને મહિલાઓ માટે અનેક ઘોષણાઓ કરવામાં આવી. દરમિયાન, નાણામંત્રીએ ‘લખપતિ દીદી’ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. મોદી સરકારની આ યોજના મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવી છે.
વચગાળાનું બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ જણાવ્યું કે, મોદી સરકારે ‘લખપતિ દીદી યોજના’નું લક્ષ્ય 2 કરોડથી લંબાવીને 3 કરોડ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે અને હવે તેને વધારીને 2 કરોડથી 3 કરોડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નાણામંત્રી અનુસાર, મહિલા કેન્દ્રિત યોજનાઓથી અત્યાર સુધીમાં લગભગ 9 કરોડ મહિલાઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા છે.
શું છે લખપતિ દીદી યોજના?
દેશની મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તે માટે કેન્દ્ર સરકારે વર્ષ 2023માં આ યોજના લૉન્ચ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023ના રોજ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં આ ‘લખપતિ દીદી’ યોજનાની ઘોષણા કરી હતી. તે સમયે દેશની 2 કરોડ મહિલાઓને પ્રશિક્ષણ અને સહાય આપીને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.
આ યોજના લાગુ પડવાના કારણે દેશની કરોડો મહિલાઓને લાભ મળી રહ્યો છે. જેમાં આંગણવાડીમાં કામ કરતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ યોજનામાં સ્વયં સહાયતા સમૂહો સાથે જોડાયેલી, આર્થિક રીતે પછાત વર્ગની મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અનેક પ્રકારની પહેલ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ આ મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી તેઓ પૈસા કમાવા યોગ્ય બનીને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે, આ ટ્રેનિંગમાં બિઝનેસ શરૂ કરવાના ઉપાયો જણાવવામાં આવે છે અને જેની હેઠળ નવો વ્યવસાય શરૂ કરનારી મહિલાઓને બિઝનેસ પ્લાન, માર્કેટિંગ અને બજાર સુધી પહોંચવા વિશે જાણકારી આપવા સાથે સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
સમયાંતરે તેમને ટેકનોલોજી અને ફાઇનાન્સને લગતી માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન પણ કરવામાં આવે છે. જેના થકી મહિલાઓને બિઝનેસ માટે બજેટિંગ, સેવિંગ અને રોકાણ વિશે માહિતી મળે છે. આ સાથે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ શીખવાડવામાં આવે છે. આ સિવાય તેમને ડિજિટલ બેન્કિંગ સેવાઓ, મોબાઇલ વૉલેટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે.
મહિલાઓને પ્લમ્બિંગ, એલઇડી બલ્બ બનાવવા અને ડ્રોન ઑપરેશન અને રિપેરિંગ જેવા કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય, શિક્ષણ કે અન્ય જરૂરિયાતો માટે નાના સ્તરે લોન પણ આપવામાં આવે છે. મહિલાઓની મદદ માટે તેમને ઓછા ખર્ચે વીમો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે મહિલા સંબંધિત રાજ્યની કાયમી નિવાસી હોય અને મહિલા સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી હોય તે ફરજિયાત છે. આ યોજના હેઠળ તે મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમની પરિવાર દીઠ વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા હોય છે.