કચ્છ જિલ્લાના ભુજના માધાપરમાં ધોળા દહાડે એક હિંદુ યુવાનની હત્યા કરી નાંખવામાં આવતાં વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. હિંદુ યુવકનો સુલેમાન નામના ઈસમ સાથે સવારે ઝઘડો થયા બાદ બપોરે સુલેમાને તેને બોલાવીને ઝરીના ઘા ઝીંકીને ફરાર થઇ ગયો હતો, જે બાદ યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ બચી શક્યો ન હતો.
ઘટનાની વધુ વિગતો અનુસાર, કચ્છના ભુજ પાસે આવેલા માધાપરમાં રહેતો 20 વર્ષીય યુવક પરેશ રબારી અને કોટકનગરમાં રહેતા સુલેમાન સમા નામના ઈસમ વચ્ચે માધાપર હાઈ-વે પરથી એક હોટેલ ઉપર સવારે કોઈક બાબતે ઝઘડો થયો હતો. જે બાદ બપોરે સુલેમાને ફોન કરીને પરેશને માધાપર બસ સ્ટેશન પાસે લોહાણા સમાજની વાડી પાસે બોલાવ્યો હતો.
પરેશ રબારી સ્થળ પર પહોંચતા સુલેમાને તેને છરીના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને લોહીલુહાણ હાલતમાં છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે બાદ પરેશે તેના મોટાભાઈ કમલેશ રબારીને ફોન કરીને જાણ કરતાં કમલેશ અને અન્ય લોકોએ ત્યાં પહોંચી ઈજાગ્રસ્ત યુવકને રિક્ષા દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પરેશનું મૃત્યુ થયું હતું. તેને છાતીના ભાગે વાગેલો ઘા જીવલેણ નીવડ્યો હતો. દરમ્યાન, હોસ્પિટલ ખાતે મૃતક યુવકના પરિવારજનો તેમજ સમાજના અન્ય યુવાનો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને ટોળું એકઠું થઇ ગયું હતું. પરિવારે આરોપી પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
જોકે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસવડા અને બોર્ડર રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક પગલાં લઇ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જે બાદ પરિજનોએ સાંજે મૃતદેહ સ્વીકારી, અંતિમવિધિ કરી રાત્રે અંતિમસંસ્કાર કર્યા હતા.
અહેવાલો અનુસાર, મૃતક યુવકની અંતિમવિધિ પૂર્ણ કરીને પરત ફરતા લોકોએ આક્રોશને પગલે રેલવે ફાટક તરફ જતા માર્ગે આવેલ કેટલીક દુકાનોમાં તોડફોડ કરી હતી તો ધાર્મિક સ્થળને પણ નુકસાન પહોંચ્યું હોવાનું કહેવાય છે. જોકે, ત્યારબાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું છે, બીજી તરફ ઘટનાની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ માધાપરમાં કેમ્પ નાંખ્યો છે તેમજ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે તેમજ રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ કચ્છની પણ મુલાકાત લેવા જઈ રહ્યા છે. પીએમ મોદી કચ્છ ભુજ ખાતે નિર્માણ કરવામાં આવેલ સમૃતિવનનું લોકાર્પણ કરશે. પીએમની મુલાકાતના થોડા કલાકો પહેલાં જ હિંદુ યુવાનની હત્યા થતાં પોલીસતંત્ર પણ વધુ સતર્કતા દાખવી રહ્યું છે.