લગભગ પંદરેક દિવસ પહેલાં ઑનલાઇન ઇસ્લામી કટ્ટરપંથીઓની ધમકીઓનો ભોગ બનેલી ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠાની કોલકાતા પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસ શુક્રવારે (30 મે) ગુરુગ્રામ પહોંચી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાની જાણકારી છે. હવે તેને કોલકાતા લઈ જઈને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શર્મિષ્ઠાને તેણે પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન બનાવેલા વિડીયો મામલે ‘મુસ્લિમોનું અપમાન કર્યું હોવાનો’ આરોપ લગાવીને ધાકધમકીઓ આપવામાં આવી હતી અને રેપ અને હત્યાની ધમકીઓ પણ મળી હતી. ‘સર તન સે જુદા’ની આ ધમકીઓ આપતાં ડિજિટલ ટોળાં સામે કાર્યવાહી કરવાના સ્થાને મમતા બેનર્જીની પોલીસ છેક 1500 કિલોમીટર દૂર જઈને એક 22 વર્ષીય યુવતીને પકડી લાવી.
સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ સુનૈના અનુસાર, પોલીસકર્મીઓ પાસે વૉરન્ટ માટે કોઈ યોગ્ય દસ્તાવેજો પણ ઉપલબ્ધ ન હતા. જોકે તેમ છતાં તેમણે મૅજિસ્ટ્રેટનો આદેશ મેળવી લીધો અને હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શર્મિષ્ઠાને કોલકાતા લઈ જઈને શનિવારે બપોર સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
સમગ્ર વિવાદની શરૂઆત 14 મેના રોજથી થઈ હતી. તે સમયે પાકિસ્તાની મુસ્લિમ હેન્ડલો સોશિયલ મીડિયા પર પહલગામના આતંકવાદી હુમલાને વ્હાઈટવૉશ કરવાના પ્રયાસમાં લાગ્યા હતા. ઇસ્લામી આતંકવાદીઓએ નિર્દોષ હિંદુ પર્યટકોની હત્યા કર્યા પહેલાં તેમનો ધર્મ જાણ્યો હોવાની વાત પર રીતસર ઢાંકપિછોડો કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આ સમયે શર્મિષ્ઠાએ પાકિસ્તાની મુસ્લિમ હેન્ડલો વિરુદ્ધ વિડીયો બનાવ્યા હતા. તેમની મજાક ઉડાવી ઉપરાંત અમુક પ્રશ્નો પણ કર્યા હતા. તેણે પૂછ્યું હતું કે શું ભારતીય સશસ્ત્રબળોએ હાથ પર હાથ ધરીને બેસી રહેવું જોઈએ અને કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ? પરંતુ આ બધા વિડીયોને અલગ સંદર્ભમાં લઈને પાકિસ્તાની અને ભારતીય મુસ્લિમોએ એવું ફેલાવવાનું શરૂ કરી દીધું હતું કે આ ઇસ્લામ અને પયગંબર મોહમ્મદનું અપમાન છે.

ત્યારબાદ બંને દેશના મુસ્લિમો તરફથી શર્મિષ્ઠાને રેપ અને હત્યાની ધમકીઓ મળવા માંડી અને ‘સર તન સે જુદા’ની પોસ્ટ પણ શરૂ થઈ ગઈ. ભારતના મુસ્લિમ યુઝરોએ પોલીસને ટેગ કરીને ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી દીધી. તેમાં પછી વારિસ પઠાણ જેવા નેતાઓ પણ કૂદી પડ્યા અને માંગને હવા આપી.
ત્યારબાદ શર્મિષ્ઠાએ પોતાના વિડીયો ડિલીટ કરવા પડ્યા અને તેણે માફી પણ માંગી હતી. પરંતુ તેમ છતાં કોલકાતા પોલીસ જઈને તેની ધરપકડ કરી લાવી.


