Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે ઔરંગઝેબ-ટીપુ સુલતાનના વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયા બાદ...

    છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે ઔરંગઝેબ-ટીપુ સુલતાનના વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયા બાદ કોલ્હાપુરમાં હિંસા: 36 લોકોની ધરપકડ, કલમ 144 લાગુ

    અહમદનગરમાં રવિવારે (4 જૂન, 2023) મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકો ઔરંગઝેબનું પોસ્ટર લઈને આગળ ચાલી રહ્યા હતા. આ જુલૂસનો વિડીયો વાયરલ થયા બાદ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે ઔરંગઝેબનું પોસ્ટર વાયરલ થયા બાદ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હિંસા ફાટી નીકળી હતી. હવે આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરીને કુલ 36 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત, ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.

    ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના સમર્થનમાં સ્ટેટસ મૂકવામાં આવ્યા

    ગત મંગળવારે (6 જૂન, 2023) છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના દિવસે કેટલાક મુસ્લિમોએ વોટ્સએપ સ્ટેટસમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના ચિત્રો મૂક્યા હતા. જેને પગલે બે સમૂહો વચ્ચે તંગદિલી પેદા થઈ હતી. આ વોટ્સએપ સ્ટેટસ વાયરલ થયા બાદ વિવાદ વધી ગયો હતો.

    બીજા દિવસે બુધવારે (7 જૂન, 2023) આ ઘટનાના વિરોધમાં હિંદુ સંગઠનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે બાદમાં હિંસકરૂપ ધારણ કર્યું હતું. કોલ્હાપુરમાં હિંસા બાદ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. આ મામલે મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ દોષિતો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી.

    - Advertisement -

    2 સગીરો સહિત કુલ 36 લોકોની ધરપકડ

    હિંદુ સંગઠનોએ સોશિયલ મીડિયા પોસ્ટના વિરોધમાં દેખાવો કર્યા હતા અને કોલ્હાપુર બજારને બંધ કરાવી નાખી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલી સમાપ્ત થયા બાદ કેટલાક લોકોએ દુકાનો પર પથ્થરમારો શરુ કર્યો હતો અને તોફાની ટોળાંને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

    અહેવાલો અનુસાર, સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે રેપિડ એક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને બોલાવવામાં આવ્યા હતા. તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 19મી જૂન સુધી પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    વોટ્સએપ સ્ટેટસ મૂકીને કોમી હિંસાને ભડકાવનારા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જે મામલે 2 સગીરો સહિત કુલ 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    કોલ્હાપુર બાદ અહમદનગરમાં પણ હિંસા ફાટી નીકળી

    ઔરંગઝેબની વિવાદિત પોસ્ટને લઈને કોલ્હાપુર તેમજ અહમદનગરમાં પણ હિંદુ સંગઠનોએ રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સંગમનેર શહેરથી પાંચ કિમી દૂર સમનપુર ગામમાં રેલી પર પથ્થરમારો થયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું. પોલીસે આ મામલે પણ કેસ નોંધીને કાર્યવાહી શરુ કરી છે.

    ઉલ્લેખનીય છે કે, અહમદનગરમાં રવિવારે (4 જૂન, 2023) મુસ્લિમ સમાજ દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ચાર લોકો ઔરંગઝેબનું પોસ્ટર લઈને આગળ ચાલી રહ્યા હતા. આ જુલૂસનો વિડીયો વાયરલ થયા બાદ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી. તો 4 વ્યક્તિ સામે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં