મંગળવારે (13 ડિસેમ્બર, 2022) કેરળ વિધાનસભામાં યુનિવર્સિટી લૉ એમેન્ડમેન્ટ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ કાયદો બનતાની સાથે જ કેરળની યુનિવર્સિટીઓના કુલપતિ પદ પર રાજ્યપાલની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિની નિમણૂક કરી શકાશે. જો આમ થશે તો કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન હવે વધુ સમય રાજ્યની યુનિવર્સિટીઓના વાઇસ કુલપતિ નહીં રહી શકે. જેનો સીધો અર્થ કેરળની વામપંથી સરકારે રાજ્યપાલને કુલપતિ પદથી હટાવવા કાયદો બનાવ્યો હોય તેવો કાઢી શકાય
કેરળની સરકારે રાજ્યપાલને કુલપતિ પદેથી હટાવવા પાસ કરાયેલા બીલ મુદ્દે વિપક્ષ યુડીએફએ ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. વિપક્ષે તેમના પર બિલ અંગે તેમના સૂચનોની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો છે. વિધાનસભામાં કલાકોની ચર્ચા બાદ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળના કાયદા મંત્રી પી રાજીવે VCની નિમણૂક માટે એક કમિટી બનાવવાની વાત કરી છે. આ સમિતિમાં મુખ્યમંત્રી, વિપક્ષના નેતા અને વિધાનસભાના સ્પીકરનો સમાવેશ થઈ શકે છે. આ બિલમાં પાંચ વર્ષની મુદતની જોગવાઈ છે.
ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ કહ્યું કે તે રાજ્યપાલને કુલપતિના પદ પરથી હટાવવાની વિરુદ્ધમાં નથી, પરંતુ આ પદની પસંદગી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો અને કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશોમાંથી જ થવી જોઈએ. વિપક્ષે એમ પણ કહ્યું કે દરેક યુનિવર્સિટી માટે અલગ ચાન્સેલરની જરૂર નથી અને પસંદગી સમિતિમાં મુખ્ય પ્રધાન, વિરોધ પક્ષના નેતા તેમજ કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ હોવા જોઈએ.
આના પર રાજ્યના કાયદા મંત્રી પી રાજીવે અસંમતિ વ્યક્ત કરી અને કહ્યું કે જજ પસંદગી સમિતિનો ભાગ ન હોવો જોઈએ, તેના સ્થાને વિધાનસભાના સ્પીકર વધુ સારો વિકલ્પ હોઈ શકે. ત્યારબાદ સરકારના વલણ પર વિપક્ષે ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસને કહ્યું કે બિલમાં કુલપતિની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતનો ઉલ્લેખ નથી. આ બાબત સાબિત કરે છે કે રાજ્ય સરકાર કેરળની યુનિવર્સિટીઓને કમ્યુનિસ્ટ અથવા માર્ક્સવાદી કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તેઓ પોતાની પસંદગીના લોકોને વીસી જેવી મહત્વની પોસ્ટ પર બેસાડવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ગયા મહિને જ આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. પત્રકારોને આપેલા જવાબમાં તેમણે કહ્યું હતું કે જો રાજ્ય સરકાર મને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે તો વટહુકમ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગવર્નર હોવાના કારણે વિધાનસભામાંથી પસાર થયેલું બિલ આરિફ મોહમ્મદ ખાન પાસે મંજૂરી માટે આવશે. જે તેઓ રાષ્ટ્રપતિને મોકલવાની વાત કરી રહ્યા હતા.