આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમ તો એકબીજા સામે ભાજપની બી ટીમ હોવાના આરોપો લગાવતા રહે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ વિરુદ્ધ પણ ખાસ્સો પ્રચાર કર્યો હતો. પરંતુ હવે જાણવા મળ્યું છે કે આ ચૂંટણી પહેલાં તેઓ કોંગ્રેસ સાથે મળીને લડવા માંગતા હતા, જેથી ભાજપને હરાવી શકાય.
Big : “Arvind Kejriwal called Sonia Gandhi before the Gujarat elections and wanted a coalition to defeat BJP”
— Aashish (@kashmiriRefuge) March 4, 2023
Remember Kejriwal was telling Gujaratis that Congress & BJP are one. How this man fools common citizens while playing his games pic.twitter.com/vsUGJHiZ5R
આ ઘટસ્ફોટ કોંગ્રેસ અને આપ નેતાઓની નજીકના ગણાતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ કર્યો છે. એક ડિબેટ કાર્યક્રમમાં તેઓ તાજેતરની મનિષ સિસોદિયાની ધરપકડ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સબંધો વિશે વાત કરી રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે ગુજરાત ચૂંટણી પહેલાં કેજરીવાલે સોનિયા ગાંધીને ફોન કરીને તેમનું સમર્થન માંગ્યું હતું.
સરદેસાઈએ કહ્યું, “કેજરીવાલ ઘણા મહિનાઓથી કોંગ્રેસનો સંપર્ક કરવા માંગતા હતા. મેં સાંભળ્યું છે કે ગુજરાત ચૂંટણી પહેલાં સોનિયા ગાંધીનો સંપર્ક કર્યો અને તેમની ફોન પર વાતચીત થઇ હતી.”
આગળ તેઓ કહે છે, “તેમણે (કેજરીવાલે) સોનિયા ગાંધીને કહ્યું કે ગુજરાતમાં 70 બેઠકો એવી છે જ્યાં આપણે સાથે મળીને લડીએ તો મોટાભાગની પર જીત મેળવી શકીએ તેમ છીએ અને ભાજપની બેઠકો ઓછી કરી શકીએ તેમ છીએ. જેની ઉપર સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તેઓ વળતો જવાબ આપશે પરંતુ પછીથી તેમણે કોઈ સંપર્ક ન કર્યો.”
રાજદીપ સરદેસાઈએ કહ્યું કે હવે કેજરીવાલ રાહુલ ગાંધીનો સંપર્ક કરી રહ્યા છે અને ઈચ્છે છે કે CBI-ED દ્વારા થતી કાર્યવાહી સામે કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ સાથે આવે અને ખાસ કરીને ગાંધી પરિવાર આ મુદ્દે કંઈક બોલે.
સિસોદિયાની ધરપકડ બાદ અસ્વસ્થ અરવિંદ કેજરીવાલ
મનિષ સિસોદિયાની ધરપકડને લઈને કેજરીવાલ અસ્વસ્થ થઇ ગયા હોવાનું ઉમેરીને રાજદીપ સરદેસાઈએ આગળ જણાવ્યું કે હવે તેમને લાગી રહ્યું છે કે તેમની આસપાસના તમામ લોકોની ધરપકડ કે અટકાયત થઇ શકે છે. તેમણે કહ્યું કે, કેજરીવાલ હવે એકલા પડી ગયા છે કારણ કે તેઓ AAPનો રાજકીય ચહેરો હતા અને સરકારમાં મોટાભાગનું સિસોદિયા સંભાળતા હતા.
રાજદીપ સરદેસાઈએ કેજરીવાલને ટાંકતાં કહ્યું કે, તેમને હતું કે સિસોદિયાની ધરપકડ બાદ દેશભરમાંથી મોટા નેતાઓ તેમની સાથે આવશે પરંતુ તેમને દુઃખ એ બાબતનું છે કે કોંગ્રેસ પાર્ટીએ કંઈ ન કહ્યું. જોકે, તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો કે સિસોદિયાની ધરપકડ બાદ કોંગ્રેસે આ કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી.
ગુજરાત ચૂંટણીમાં કેજરીવાલે કોંગ્રેસ વિરુદ્ધ કર્યો હતો પ્રચાર
વાત ગુજરાત વિધાનસભા ચૂંટણીની કરવામાં આવે તો કેજરીવાલે અહીં આવીને કોંગ્રેસ વિરુદ્ધ પણ ખાસ્સો પ્રચાર કર્યો હતો અને ભાજપ-કોંગ્રેસને એક જ ત્રાજવામાં તોળ્યાં હતાં. તેમણે અનેક વખત જાહેરમાં કહ્યું કે કોંગ્રેસ અમુક સીટોમાં જ સમેટાઈ જશે અને લોકોએ એવી પણ અપીલ કરી હતી કે તેઓ કોંગ્રેસ પાછળ પોતાનો મત વ્યર્થ ન કરે. પરંતુ હવે તેમના જ સંપર્કમાં રહેતા પત્રકારે ઘટસ્ફોટ કર્યો છે કે તેઓ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવા માંગતા હતા.