Friday, June 28, 2024
More
    હોમપેજરાજકારણહાલ તિહાડ જેલમાંથી બહાર નહીં આવી શકે અરવિંદ કેજરીવાલ, ટ્રાયલ કોર્ટના જામીન...

    હાલ તિહાડ જેલમાંથી બહાર નહીં આવી શકે અરવિંદ કેજરીવાલ, ટ્રાયલ કોર્ટના જામીન આદેશ પર હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે: જામીન વિરૂદ્ધ ઉપલી અદાલતમાં પહોંચી હતી ED 

    ગુરુવારે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ શુક્રવારે ED સીધી હાઈકોર્ટ પહોંચી હતી અને નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે (20 જૂન) ટ્રાયલ કોર્ટની વેકેશન બેન્ચે જામીન આપ્યા હતા, પરંતુ હવે નવો વળાંક આવ્યો છે. બીજા દિવસે સવારે ED હાઇકોર્ટમાં પહોંચતાં હવે હાઈકોર્ટે નીચલી કોર્ટના જામીન આપતા આદેશ પર વચગાળાની રોક લગાવી દીધી છે. EDની સ્ટેની માંગ કરતી અરજી પર હાઈકોર્ટ આગામી સોમ-મંગળવારે આદેશ સંભળાવશે. ત્યાં સુધીમાં કેજરીવાલ જેલની બહાર આવી શકશે નહીં. 

    ગુરુવારે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ શુક્રવારે ED સીધી હાઈકોર્ટ પહોંચી હતી અને નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવવાની માંગ કરી હતી. એજન્સીની દલીલ હતી કે ટ્રાયલ કોર્ટમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તેમને યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા ન હતા અને તેમની દલીલો ધ્યાને લેવામાં આવી ન હતી. 

    એજન્સી તરફથી કોર્ટમાં હાજર રહેલા ASG એસવી રાજુએ જણાવ્યું કે, તેમણે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન બે દિવસ સુધી આદેશ પર રોક લગાવવા માટે અપીલ કરી હતી, જેથી તેઓ જવાબ રજૂ કરી શકે અને રેકર્ડ પર પુરાવાઓ રજૂ કરી શકે. પરંતુ વધુ સમયની આ માંગ ફગાવી દેવામાં આવી. સાથે એમ પણ કહ્યું કે, PMLA મુજબ પબ્લિક પ્રોસિક્યુટરને ફરજિયાત સાંભળવામાં જોઈએ, ત્યારબાદ જ આદેશ પસાર થઈ શકે. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી છે. બીજી તરફ, કેજરીવાલના વકીલે ટ્રાયલ કોર્ટના (જામીનના) આદેશ પર રોક ન લગાવવા માટે વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે તે માન્ય રાખી નથી. 

    - Advertisement -

    પ્રાથમિક દલીલો બાદ દિલ્હી હાઈકોર્ટે અરજી લિસ્ટ કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી અને બપોરે સુનાવણી શરૂ થઈ હતી. લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે અને પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. હવે આગામી ત્રણ-ચાર દિવસ બાદ હાઇકોર્ટ આદેશ સંભળાવશે અને નક્કી કરશે કે કેજરીવાલને જામીન મળશે કે કેમ અને ટ્રાયલ કોર્ટનો તેમને જામીન આપવાનો આદેશ યોગ્ય છે કે કેમ. 

    જસ્ટિસ સુધીર કુમાર જૈનની બેન્ચ આ મામલો સાંભળી રહી છે. બંને પક્ષે દલીલો બાદ તેમણે કહ્યું કે, હું બેથી ત્રણ દિવસ માટે આદેશ સુરક્ષિત રાખી રહ્યો છું. એ આદેશ પસાર થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશના અમલીકરણ પર રોક લાગશે. જેનો સીધો અર્થ એ છે કે અરવિંદ કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં