Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલે ભ્રષ્ટાચારના આરોપી મનિષ સિસોદિયાની સરખામણી શહીદ ભગતસિંહ સાથે કરતાં આક્રોશિત થયો...

    કેજરીવાલે ભ્રષ્ટાચારના આરોપી મનિષ સિસોદિયાની સરખામણી શહીદ ભગતસિંહ સાથે કરતાં આક્રોશિત થયો ક્રાંતિવીરનો પરિવાર, કહ્યું- માફી માંગે કેજરીવાલ

    ભગતસિંહના વંશજે કહ્યું કે, આ ક્રાંતિકારીનું અપમાન છે અને કેજરીવાલે પોતાનું નિવેદન પરત ખેંચી લઈને માફી માંગી લેવી જોઈએ.

    - Advertisement -

    દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા ચર્ચામાં છે. દારૂ કૌભાંડ મામલે સીબીઆઈએ તપાસ શરૂ કર્યા બાદ એ વિભાગ તેમની પાસે હોવાના કારણે મનિષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આજે મનિષ સિસોદિયા પૂછપરછ માટે હાજર થયા તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે તેમની સરખામણી ભગતસિંહ સાથે કરવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ હવે ભગતસિંહનો પરિવાર આગળ આવ્યો છે. 

    ભગતસિંહના પરિવારે મનિષ સિસોદિયાની સરખામણી ભગતસિંહ સાથે કરનાર દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને ફટકાર લગાવી છે. તેમણે કહ્યું કે, કેજરીવાલે તાત્કાલિક પોતાનું નિવેદન પરત ખેંચી લેવું જોઈએ. 

    ટાઈમ્સ નાઉ સાથે વાત કરતાં ભગતસિંહના વંશજ હરભજન ધત્તે કહ્યું કે, આ શહીદ ભગતસિંહ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. તેઓ કઈ રીતે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની સરખામણી ભગતસિંહ સાથે કરી શકે? ભગતસિંહ રાજકીય લાભો મેળવવા માટે નહતા લડ્યા, આ તો સત્તાની લડાઈ ચાલી રહી છે. કેજરીવાલે તેમનું નિવેદન પરત ખેંચી લેવું જોઈએ અને માફી મંગાવી જોઈએ. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આજે સવારે મનિષ સિસોદિયા સીબીઆઈ સમક્ષ હાજર થયા પહેલાં દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો તો સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે તેમને ભગતસિંહ સાથે સરખાવી દીધા હતા. કેજરીવાલે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, જેલના સળિયા અને ફાંસીનો ગાળિયો ભગતસિંહના બુલંદ ઈરાદાઓ ડગમગાવી શક્યા ન હતા. તેમણે મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને આજના ભગતસિંહ ગણાવીને કહ્યું કે, આ સ્વતંત્રતાની બીજી લડાઈ છે.

    આ ટ્વિટ બાદ ભાજપ અને કોંગ્રેસે કેજરીવાલને આડેહાથ લીધા હતા. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, કેજરીવાલ હમણાં તેમની ભગવાન અને તેના મંત્રીઓની સ્વતંત્રતા સેનાનીઓ સાથે સરખામણી કરી રહ્યા છે. તેમને આ બધું કરતાં શરમ આવવી જોઈએ. તેમના ભ્રષ્ટ મંત્રીઓ તિજોરી ભરી રહ્યા છે, જ્યારે ભગતસિંહે તેમનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું. 

    પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંઘ રાજાએ ટ્વિટ કરીને કહ્યું કે, શહીદ-એ-આઝમ ભગતસિંહના સમર્પણ અને બલિદાન સાથે કોઈની સરખામણી થઇ શકે નહીં. તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે માતૃભૂમિ માટે જીવન સમર્પિત કરી દીધું હતું. અરવિંદ કેજરીવાલ દ્વારા ભ્રષ્ટાચારના આરોપીઓ સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાની તેમની સાથે સરખામણી દુર્ભાગ્યપૂર્ણ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં