Friday, November 22, 2024
More
    હોમપેજદેશએક વર્ષ પછી પણ કવર્ધામાં ડરનો માહોલ: મુસ્લિમ તુષ્ટિકરણમાં રાચતી બધેલ સરકાર,...

    એક વર્ષ પછી પણ કવર્ધામાં ડરનો માહોલ: મુસ્લિમ તુષ્ટિકરણમાં રાચતી બધેલ સરકાર, હિંદુઓ આજે પણ પૂછી રહ્યા છે- પોલીસ સામે તલવાર લહેરાવનારા કોણ?

    - Advertisement -

    છત્તીસગઢના કબીરધામ જિલ્લાનું કવર્ધા પહેલી નજરે ભારતનાં અન્ય નાનાં શહેરો જેવું જ દેખાય છે. આવાં શહેરોની વિશિષ્ટ ગતિ હોય છે. મહાનગરો જેવી ઉતાવળ નથી હોતી. આ જ કવર્ધામાં છે, ધર્મ ધ્વજા ચોક જ્યાં 108 ફુટ ઊંચો ભગવો ધ્વજ લહેરાઈ રહ્યો છે. આ જગ્યા સાથે ડૉ. રમણસિંહનો પણ સબંધ છે, જેઓ 22 વર્ષ જૂના રાજ્યમાં સતત 15 વર્ષ મુખ્યમંત્રી રહ્યા છે. 

    આ શહેર 2021ના ઓક્ટોબરમાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું હતું. કારણ એ હતું કે કરમા માતા મંદિર પર લગાવવામાં આવેલા ભગવા ધ્વજને કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ ફાડીને ફેંકી દીધો હતો. જેનો વિરોધ કરનાર હિંદુ યુવક દુર્ગેશ દેવાંગનને ક્રૂર રીતે માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટના 3 ઓક્ટોબર 2021ના રોજ ઘટી હતી. ત્યારબાદ લગભગ 15 દિવસ સુધી શહેરમાં કર્ફયુ રહ્યો હતો. ઇન્ટરનેટ બંધ હતું. એક રીતે પ્રશાસને સેન્સર લગાવી રાખ્યું હતું જેથી કવર્ધાની સ્થિતિ વિશે જાણકારી બહાર ન જાય. તંત્ર પર હિંદુઓ પર એકતરફી કાર્યવાહી કરવાનો પણ આરોપ છે. આ ઘટના બાદ 10 ડિસેમ્બર 2021ના રોજ કવર્ધામાં 108 ફુટ ઊંચો ભગવો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. આ જગ્યાને ધર્મ ધ્વજા ચોક નામ આપવામાં આવ્યું છે. કરમા માતા મંદિર તેની  બાજુમાં જ આવેલું છે. 

    એક વર્ષ બાદ પણ કવર્ધાના હિંદુઓમાં ડર 

    - Advertisement -

    3 ઓક્ટોબરની ઘટનાના એક વર્ષ બાદ પણ કવર્ધાના તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદના કબીરધામ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ કૈલાશ વર્માએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આ ઘટના બાદ આજે પણ હિંદુઓ ડરેલા છે. શહેરની અંદર દહેશતનો માહોલ છે. પોલીસ સહયોગ નથી કરી રહી. અમે આ મામલે કાર્યવાહીથી અસંતુષ્ટ છીએ. વર્ષમાં પોલીસે એવું કશું જ નથી કર્યું જેથી હિંદુઓને સંતુષ્ટુ મળે. તેમની અંદરનો ડર ખતમ  થાય.આ સ્થિતિ માટે  કોંગ્રેસ સરકાર અને કવર્ધાના ધારાસભ્ય મોહમ્મદ અકબરને દોષી ઠેરવે છે. મોહમ્મદ અકબર બધેલ સરકારમાં મંત્રી પણ છે. 

    કવર્ધા વિવાદમાં મંત્રી મોહમ્મદ અકબરની ભૂમિકા પર પ્રશ્નાર્થ 

    દુર્ગેશના પિતા સંતોષ દેવાંગને પણ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આ ઘટના માટે મોહમ્મદ અકબરને જ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું, “આ ધારાસભ્યનું જ કામ છે. જ્યારે મારા પુત્રને મારવામાં આવ્યો તો મારનારા સાથે અકબર (ધારાસભ્ય)નો પુત્ર પણ હતો.” સંતોષ દેવાંગન પણ આ મામલે અત્યાર સુધી થયેલી પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. તેમનો એવો પણ દાવો છે કે આરોપીઓ તેમની ઉપર રાજીનામાંનું દબાણ કરી રહ્યા છે. 

    આ મામલે મોહમ્મદ અકબરની ભૂમિકાને લઈને ભાજપના પ્રદેશ મહામંત્રી અને સ્થાનિક જિલ્લા પંચાયતના પ્રમુખ વિજય શર્મા પણ પ્રશ્ન ઉઠાવે છે. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું, “દુર્ગેશને 3 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગ્યે સરાજાહેર ચોક પર મારવામાં  આવ્યો. પરંતુ તેની FIR દાખલ કરવામાં આવી રહી ન હતી. રાત્રે 11 વાગ્યે અમે FIR  દાખલ કરવાની માંગ લઈને પોલીસ મથકે ગયા હતા. ત્યાં પોલીસ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. પરંતુ તેમ છતાં FIR દાખલ કરવામાં આનાકાની કરી રહ્યા હતા. દરમ્યાન, હિંદુઓ પર બે વાર લાઠીચાર્જ કરવામાં આવી ચૂક્યો હતો. આ બધું મોહમ્મદ અકબરના ઈશારે થઇ રહ્યું હતું.”

    ભાજપના પ્રદેશ મહામંત્રી વિજય શર્મા, વિહિપ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ કૈલાશ શર્મા અને બધેલ સરકારના મંત્રી મોહમ્મદ અકબર

    કવર્ધામાં સુનિયોજિત હતો હિંદુઓ પર હુમલો? 

    કૈલાશ શર્મા અનુસાર, 3 ઓક્ટોબરે જે કંઈ પણ થયું હતું એ સુનિયોજિત હતું. તેમણે ઑપઇન્ડિયાને કહ્યું, “ભગવા ધ્વજનું અપમાન પૂર્વ નિયોજિત હતું. આ પહેલાં પણ કવર્ધામાં આવી ઘટનાઓ ઘટી રહી હતી, જેનાથી બહુમતી સમુદાય પોતે પ્રતાડિત અનુભવ કરી રહ્યો હતો. તે દિવસે સુનિયોજિત રીતે પોલીસતંત્રના સહયોગથી કરમા માતા મંદિરની ઉપર લગાવવામાં આવેલ ભગવો ધ્વજ ફાડી નાંખવામાં આવ્યો હતો અને જમીન પર ફેંકીને પગ તળે કચડવામાં આવ્યો હતો. જેનો વિરોધ કરવા પર દુર્ગેશ દેવાંગનને જાનથી મારી નાંખવાની કોશિશ પણ પોલીસની હાજરીમાં જ થઇ હતી. દુર્ગેશના પિતા સંતોષ દેવાંગનનું કહેવું છે કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે તેઓ ઘરે ન હતા પરંતુ તેમનું એમ પણ કહેવું છે કે હિંદુવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાના કારણે આરોપીઓ અગાઉ પણ તેમના પુત્ર સાથે વિવાદ કરી ચૂક્યા હતા. 

    હિંદુત્વ પ્રત્યે સમર્પિત છે દુર્ગેશ દેવાંગનનો પરિવાર 

    હિંદુત્વને લઈને દેવાંગન પરિવારનું સમર્પણ તેમની દુકાન જોઈને પણ સ્પષ્ટપણે દેખાય આવે છે. આ પરિવારની શાકભાજી અને મસાલાની દુકાન છે. દુકાનના બોર્ડ પર રામનું નામ અંકિત છે અને શટર પર હનુમાનજી બિરાજમાન છે. અમે જ્યારે આ દુકાને પહોંચ્યા તો દુર્ગેશની માતાએ ‘જય શ્રીરામ’ સાથે અમારું અભિવાદન કર્યું હતું. જોકે, તે દિવસે દુર્ગેશ શહેરમાં ન હતો.

    દુર્ગેશ દેવાંગનની દુકાને તેમના માતા-પિતા

    દુર્ગેશના પિતાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં કહ્યું, ‘3 ઓક્ટોબરના રોજ મારપીટ થયા બાદ અમારો પુત્ર ક્યાં અને કઈ હાલતમાં હતો એની અમને કશી જ ખબર ન હતી. અહીં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો, મારા ઘરની બહાર પણ પોલીસબળ તહેનાત હતું. પોલીસને મારા પુત્ર વિશે પૂછતાં કહેતા કે તે મળી જશે. પછી રાયપુરથી તેની ધરપકડ થયાની જાણ થઇ હતી. તેમનો દાવો છે કે, પોલીસે દુર્ગેશને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે દુર્ગેશની ધરપકડના સમયે પણ આ પ્રકારના સમાચાર આવ્યા હતા. તે વખતે રાજનંદગામથી ભાજપ સાંસદ સંતોષ પાંડેએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “મને પોલીસ મથકમાં દુર્ગેશ દેવાંગન સાથે પોલીસ દ્વારા મારપીટની જાણકારી મળી હતી. ત્યારબાદ હું 19 તારીખની રાત્રે જ પોલીસ મથકે પહોંચી ગયો. પરંતુ મને મળવા દેવામાં આવ્યો ન હતો.”

    વર્ષ બાદ પણ કવર્ધામાં પોલીસની કાર્યવાહી પર અસંતોષ 

    આ ઘટનાના એક વર્ષ બાદ પણ પોલીસની કાર્યવાહીને લઈને અસંતોષ સ્પષ્ટ છે. વિજય શર્મા પણ એ હિંદુઓમાં હતા જેમની તે સમયે ધરપકડ થઇ હતી. તેઓ કહે છે, “અમને તંત્રની તપાસ પર વિશ્વાસ નથી. જ્યારે એસપી હાથમાં દંડ લઈને લોકોને મારી રહ્યો હોય તો તેની નીચે તપાસ કેવી રીતે થાય? અમે ત્યારે પણ ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા હતા અને આજે પણ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ બાબતની તપાસ થાય કે FIR કેમ દાખલ કરવામાં આવી ન હતી. લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો હતો? હિંદુઓની ધરપકડ કોના કહેવા પર થઇ હતી? એ હિંદુઓને કેવી રીતે આરોપી બનાવવામાં આવ્યા જેઓ તે દિવસે કવર્ધામાં હાજર જ ન હતા. હિંદુઓ પર ફર્જી ધારાઓ કોણે લગાવી? તેમનો એ પણ દાવો છે કે તંત્રે કર્ફ્યુ એ સંદેશ આપવા માટે લગાવ્યો હતો કે લોકોને લાગે છે કે ભાજપ અને વિહિપ જેવાં હિંદુવાદી સંગઠનો માહોલ ખરાબ કરી રહ્યા છે. 

    કવર્ધામાં વિહિપનું અભિયાન 

    કૈલાશ શર્માએ જણાવ્યું કે, “તંત્રની ઉદાસીનતાના કારણે આખા કબીરધામ જિલ્લાની સ્થિતિ વિસ્ફોટક થતી જાય છે. જેને જોતાં વિહિપે નિર્ણય લીધો છે કે કબીરધામમાં જેટલાં મંદિરો છે તેમાં વિધર્મીઓ અને ગૌમાંસ ખાનારાઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. જેના માટે તેઓ મંદિરોમાં જઈને બેનરો લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે, અમે ઇચછીએ છીએ કે હિંદુ સમાજમાં જાગૃતિ આવે અને તેઓ વિધર્મીઓ સામે લડવા તૈયાર રહે. 

    મંદિરમાં બેનર લગાવવાના આ અભિયાનમાં દુર્ગેશ દેવાંગન પણ જોડાયેલા છે. તેમના નેતૃત્વમાં બજરંગ દળ કાર્યકર્તાઓએ 25 સપ્ટેમ્બર 2022ના રોજ સ્થાનિક મા દંતેશ્વરી મંદિર, મા ચંડી મંદિર, મા પરમેશ્વરી મંદિર, મા સિંહ વાહિની મંદિર, ખેડપતિ દાદા હનુમાન મંદિર અને મા કાળી મંદિરમાં બેનરો લગાવવામાં આવ્યાં હતાં. 


    મા સિંહ વાહિની મંદિરમાં બજરંગ દળ કાર્યકર્તાઓ સાથે બેનરો લગાવતા દુર્ગેશ દેવાંગન

    તલવાર લઈને કવર્ધામાં કોણ ફરી રહ્યું હતું? 

    એવું લાગે છે કે 3 ઓક્ટોબર 2021ના રોજ કવર્ધામાં હિંદુઓનું જે સરકારી દમન શરૂ થયું હતું એ સિલસિલો વર્ષ પછી પણ થંભ્યો નથી. વિજય શર્મા આ માટે કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને જવાબદાર ઠેરવે છે. તેઓ કહે છે, “આખા રાજ્યમાં જ્યારથી કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી ઇસ્લામી કટ્ટરપંથનું પ્રમાણ વધી રહ્યું છે. કવર્ધામાં આ સ્થિતિ મોહમ્મદ અકબર ચૂંટાયા બાદ નિર્માણ પામવાની શરૂ થઇ છે.જો એવું ન હોય તો વિડીયો હોવા છતાં આજ સુધી એ લોકોની ઓળખ કેમ નથી થઇ, એ લોકો પર કોઈ કાર્યવાહી કેમ ન થઇ જેઓ 3 ઓક્ટોબર 2021ના રોજ પોલીસ સાથે તલવારો લઈને રસ્તા પર ફરી રહ્યા હતા? આખરે એ કોણ હતા? આ એ સવાલ છે, જેનો જવાબદ માત્ર કવર્ધા જ નહીં પરંતુ દરેક હિંદુ જાણવા માંગે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં