Sunday, September 29, 2024
More
    હોમપેજદેશ‘ભારત માતા કી જય નફરતી નારો નહીં’: મસ્જિદના અધ્યક્ષની ફરિયાદ પર કર્ણાટક...

    ‘ભારત માતા કી જય નફરતી નારો નહીં’: મસ્જિદના અધ્યક્ષની ફરિયાદ પર કર્ણાટક પોલીસે પાંચ હિંદુઓ વિરુદ્ધ નોંધી હતી FIR, હાઈકોર્ટે રદ કરી- જાણો શું છે કેસ

    કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ IPCની કલમ 153A હેઠળ નોંધાયેલી FIRને રદબાતલ કરી હતી અને સાથે કહ્યું હતું કે, 'ભારત માતા કી જય' કહેવાનો અર્થ કોઈપણ રીતે ધર્મો વચ્ચે વિસંવાદિતા અથવા દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તરીકે કરી શકાય નહીં.

    - Advertisement -

    એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં ‘ભારત માતા કી જય’ (Bharat Mata ki Jai) બોલવાથી માત્ર સદભાવ વધે છે, નફરત નથી ફેલાતી. આ સાથે જ કોર્ટે બે જૂથો વચ્ચે દુશ્મનાવટ, અપમાન અને ધાકધમકીને પ્રોત્સાહન આપવા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમો હેઠળ નોંધાયેલી FIR રદ કરી દીધી છે. નોંધવા જેવું છે કે, કર્ણાટક પોલીસે એક મસ્જિદના અધ્યક્ષની ફરિયાદ પર પાંચ હિંદુ વ્યક્તિઓ વિરુદ્ધ આ બધી કલમો સાથે ગુનો નોંધ્યો હતો. પરંતુ મામલો કોર્ટમાં પહોંચતાં તેમને રાહત મળી ગઈ.

    કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ IPCની કલમ 153A હેઠળ નોંધાયેલી FIRને રદબાતલ ઠેરવી હતી અને સાથે કહ્યું હતું કે, ‘ભારત માતા કી જય’ કહેવાનો અર્થ કોઈપણ રીતે ધર્મો વચ્ચે વિસંવાદિતા અથવા દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તરીકે કરી શકાય નહીં. જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ જજ બેન્ચે પાંચ આરોપીઓને આ મામલે રાહત આપી છે અને FIR રદ કરી દીધી છે.

    FIRને રદ કરતા જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું કે, “ઉપરોક્ત તથ્યો અને ઉપરોક્ત નિર્ણયોને ધ્યાને લેતાં આ કેસની તપાસને મંજૂરી આપવી એ પણ પ્રથમ દૃષ્ટિએ ભારત માતા કી જયના ​​નારાની તપાસને મંજૂરી આપવા જેવું ગણાશે. તે કોઈપણ રીતે ધર્મો વચ્ચે વિસંગતતા અથવા દુશ્મનાવટને પ્રોત્સાહન આપી શકે નહીં.”

    - Advertisement -

    અરજદારોની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, આ FIR અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર વળતો હુમલો છે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153Aનું એક પણ તત્વ આ કેસમાં પૂર્ણ થતું નથી. કોર્ટે આ કેસને કલમનો દુરુપયોગ ગણાવ્યો હતો.

    હાઈકોર્ટે કહ્યું, “સેક્શન 153A મુજબ, જો વિવિધ ધર્મો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવામાં આવે તો તે ગુનો ગણાય છે. હાલનો કેસ IPCની કલમ 153Aના દુરુપયોગનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ થયેલી કાઉન્ટર પિટિશન છે. બચાવ પક્ષનું કહેવું છે કે, અરજદારો ‘ભારત માતા કી જય’ના ​​નારા લગાવી રહ્યા હતા અને દેશના વડાપ્રધાનની પ્રશંસા કરી રહ્યા હતા.”

    કોર્ટે વધુમાં કહ્યું કે, “ફરિયાદી દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં આ પૈકીની કોઈ પણ બાબતનો ઉલ્લેખ નથી. ફરિયાદી અને અન્યોની સલામતી માટે અરજદારોની ખાલ ઉધેડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે IPCની કલમ 153Aના એક પણ તત્વને સંતોષતું નથી.”

    ન્યાયાધીશ નાગપ્રસન્નાએ કહ્યું, “પ્રત્યાઘાતી હુમલાના શુદ્ધ કેસને IPCની કલમ 153A હેઠળ ગુના તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કલમ 153A હેઠળ ફરિયાદ સાબિત કરવા માટે જે તત્વો જરૂરી છે, તેને આ અદાલતને લાંબા સમય સુધી અટકાવી રાખવાની અથવા આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર નથી.

    શું છે સમગ્ર વિવાદ?

    હકીકતમાં, કેસ રદ કરવાની માંગ સાથે કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચેલા પાંચ અરજદારોએ જણાવ્યું હતું કે, 9 જૂન, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા પછી તેઓ 8.45થી 9.15 વાગ્યાની વચ્ચે સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. આરોપ છે કે, જ્યારે તે દક્ષિણ કન્નડ જિલ્લાના ઉલ્લાલ તાલુકાના બોલીયાર ગામના સમાદાન બાર પહોંચ્યા ત્યારે 25 લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો.

    હુમલાખોરોએ તેમને કહ્યું કે, ‘તમે ભારત માતા કી જયના ​​નારા કેવી રીતે લગાવી શકો છો.’ ત્યારબાદ તેમના પર છરા વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. અરજદારોએ કહ્યું કે, તે જ રાત્રે 11 વાગ્યે 23 લોકો વિરુદ્ધ આ ઘટના અંગે FIR દાખલ કરવામાં આવી હતી. ઈજાઓને કારણે તેઓ હોસ્પિટલમાં ગયા હતા અને પોલીસે ત્યાં રાત્રે 12 વાગ્યે જ તેમનું નિવેદન નોંધ્યું હતું.

    બીજા દિવસે સવારે મેંગ્લોરના રહેવાસી પીકે અબ્દુલ્લા નામના એક મુસ્લિમ વ્યક્તિએ અરજદાર હિંદુઓ વિરુદ્ધ કાઉન્ટર FIR નોંધાવી હતી. અબ્દુલ્લાએ તેની FIRમાં આરોપ લગાવ્યો હતો કે, અરજદાર સુરેશ, વિનય કુમાર, સુભાષ, રંજન અને ધનંજયે તેને ધમકી આપી હતી અને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું હતું. અબ્દુલ્લાએ પોતાને સ્થાનિક મસ્જિદનો અધ્યક્ષ પણ ગણાવ્યો હતો.

    અબ્દુલ્લા નામના મુસ્લિમ વ્યક્તિની ફરિયાદ પર પોલીસે પાંચ અરજદારો વિરુદ્ધ IPCની કલમ 143, 147, 148, 153A, 504, 506 અને 149 હેઠળ કેસ નોંધ્યો હતો. IPCની કલમ 153A ધર્મ, જાતિ અને જન્મસ્થળના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે સજા કરે છે.

    જે પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ હતી તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ માત્ર વડાપ્રધાનના નામ સાથે નારા બોલાવી રહ્યા હતા, જેના કારણે તેમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. સાથે તેમના વકીલે એ પણ જણાવ્યું હતું કે, તેમની સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા મામલેનો કેસ જે વ્યક્તિની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે, તે તો મામલામાં ક્યાંય સામેલ પણ ન હતો. 

    બીજી તરફ, સામેના પક્ષે દલીલ કરી હતી કે, મેંગ્લોરના વ્યક્તિઓ પર હુમલો થવાની ઘટના અલગ છે અને તેની અલગથી ભલે તપાસ કરવામાં આવે, પરંતુ આ વ્યક્તિઓ દ્વારા જે ધમકીઓ આપવામાં આવી છે તેની પણ તપાસ જરૂરી છે. 

    બંને પક્ષો દલીલો સાંભળીને કોર્ટ કહ્યું હતું કે, “અરજદાર (જેમણે પાંચ હિંદુ યુવકો સામે FIR નોંધી હતી) પોતાને મસ્જિદના અધ્યક્ષ ગણાવે છે. અહીં મૂળ વિષય એ છે કે જે દિવસે ઘટના બની તે જ દિવસે તેમણે FIR શા માટે ન નોંધાવી? જો ફરિયાદમાં કહેવામાં આવ્યું છે તે રીતે તેમને ધમકી આપવામાં આવી હોય તો ફરિયાદમાં વિલંબ કેમ થયો? જ્યારે પાંચ વ્યક્તિઓ સાથે મારપીટ થઈ હતી તે તો રેકોર્ડ ઉપર છે અને હોસ્પિટલમાંથી જ તેમનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં હતાં.”

    કોર્ટે મેંગલોરના પાંચ વ્યક્તિઓ સામેનો કેસ રદ કરતાં કહ્યું કે, “આ કેસમાં તપાસની પરવાનગી આપવાથી એવું લાગશે કે ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ નારા ક્યારે કોઈ પણ રીતે દુશ્મનાવટને પ્રોત્સાહન ન આપી શકે કે બે ધર્મો-સમુદાયો વચ્ચે વૈમનસ્ય ન સર્જી શકે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં