કર્ણાટકની કોંગેસ સરકારે રાજ્યના એક જિલ્લાનું નામ બદલવા માટે મંજૂરી આપી છે. આ જિલ્લો પહેલાં ‘રામનગર’ નામથી ઓળખાતો, હવે નવું નામ ‘બેંગલુરુ દક્ષિણ’ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે જિલ્લાના રહેવાસીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપે કહ્યું છે કે આ નિર્ણય રામ અને રામ મંદિર પ્રત્યે કોંગ્રેસી દ્વેષનું પરિણામ છે.
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારની કેબિનેટ બેઠક શુક્રવારે (26 જુલાઈ) મળી હતી, જેમાં જિલ્લાનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ અંગે માહિતી આપતાં કર્ણાટકના કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ. કે પાટીલે કહ્યું કે, સ્થાનિક લોકો ઇચ્છતા હોવાથી ‘રામનગર’ જિલ્લાનું નામ બદલીને ‘બેંગલુરુ દક્ષિણ’ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે એવો પણ દાવો કર્યો કે, બ્રાન્ડ બેંગલુરુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એચ.કે પાટિલે કહ્યું છે કે આગળની પ્રક્રિયાના ભાગરૂપે મહેસૂલ વિભાગ ટૂંક સમયમાં નામમાં ફેરફારની સૂચના આપશે. જોકે, તેમણે કહ્યું કે તાલુકાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે આ ફેરફાર જિલ્લાના નામ સાથે સંબંધિત છે. રામનગર જિલ્લામાં હાલમાં રામનગર, મગદી, કનકપુરા, ચન્નાપટના અને હરોહલ્લી તાલુકાઓનો સમાવેશ થાય છે, જે હવે બેંગલુરુ દક્ષિણ જિલ્લાનો ભાગ બનશે.
ઉલ્લેખનીય છે કે ગત 9 જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમારની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં રામનગર જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે રામનગરના વિકાસ અને ભવિષ્યના વિકાસ માટે તેનું નામ બદલવું જરૂરી છે. શિવકુમાર આ જિલ્લાના પ્રભારી મંત્રી છે.
ભાજપ, JD(S)નો વિરોધ
કર્ણાટકમાં વિપક્ષ ભાજપ અને JD(S) દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને BJP સાંસદ પ્રહલાદ જોશીએ કર્ણાટક સરકારના આ નિર્ણય પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “’રામનગર’ જિલ્લાનું નામ બદલવાનો આ નિર્ણય રામ અને રામમંદિર પ્રત્યે તેમની નફરત દર્શાવે છે. હવે કોંગ્રેસને રામના નામથી પણ તકલીફ થવા લાગી છે.” વધુમાં કહ્યું કે, “અમારી સરકાર દરમિયાન જ્યારે રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ તેઓ આવું જ કરી રહ્યા હતા. આજે (26 જુલાઈ) રામગનરનું નામ બદલવાનો નિર્ણય લઈને કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સરકારે સાબિત કરી દીધું છે કે તેઓ રામની વિરુદ્ધ છે.”
આગળ તેમણે કહ્યું કે, “કોઇએ માંગ કરી ન હતી. અમારા ત્યાંના સાંસદ છે તેમણે પણ લખ્યું હતું કે નામ બદલવું ન જોઈએ. પરંતુ વૉટબેન્કના રાજકારણ માટે અને રિયલ એસ્ટેટની લાલચમાં આમ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધારમૈયા (CM) કહે છે કે મારા નામમાં જ રામ છે. તો તેઓ આવું કેમ કરી રહ્યા છે? તેમણે તુરંત આ પ્રસ્તાવ પરત લેવો જોઈએ, નહીંતર ભાજપ તેનો પૂરજોર વિરોધ કરશે.” સાથે એમ પણ કહ્યું કે, ડી. કે શિવકુમાર આમાં પોતાનો વ્યક્તિગત એજન્ડા ચલાવી રહ્યા છે અને ત્યાં રિયલ એસ્ટેટના ધંધામાં વેલ્યુએશન વધારવા માટે આ કામ કરવામાં આવ્યું છે.
#WATCH | Karnataka cabinet has approved to rename Ramanagara district to Bengaluru South district.
— ANI (@ANI) July 26, 2024
Union Minister and BJP MP Pralhad Joshi says, "…This shows their allergy towards Ram and Ram Mandir, even to the name of Ram. They are quite allergic. They used to do it while… pic.twitter.com/eJvJ9Dj2IR
આ પહેલાં જ્યારે નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી અને JD(S)ના નેતા કુમારસ્વામીએ પણ અવાજ ઉઠાવ્યો હતો અને રામનગરનું નામ બદલવામાં આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. કુમારસ્વામીએ કહ્યું કે, “હું તેને એક પડકાર તરીકે લઉં છું, રામનગર જિલ્લા સાથે કોઈ વ્યવસાયિક સંબંધ નથી પરંતુ મારું ભાવનાત્મક જોડાણ છે … જો રામનગર જિલ્લાનું નામ બદલવામાં આવશે, તો મારી તબિયત ખરાબ હોવા છતાં, હું મારા જીવને જોખમમાં મૂકીને આમરણાંત ઉપવાસ પર બેસવા તૈયાર છું”.