કર્ણાટકમાં થયેલ ભાજપ કાર્યકરની હત્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રીએ તેમની સરકારની વર્ષગાંઠ નિમિત્તે ઉજવણી માટે આયોજિત કરેલ કાર્યક્રમો રદ કરી નાંખ્યા છે. કર્ણાટક સીએમ બસવરાજ બોમ્માઈએ બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિધાનસભામાં તેમજ રાજ્યમાં અન્ય સ્થળોએ સરકારની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ઉજવણીના કાર્યક્રમો રદ કરવા માટેની જાહેરાત કરી હતી તેમજ આ નિર્ણય બદલ કાર્યકરોની માફી પણ માંગી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રીએ ઘટનાને લઈને કહ્યું કે, આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટના કેરળ-કર્ણાટક સરહદ પર થઇ હતી. જેથી કર્ણાટક પોલીસ પાડોશી કેરળ પોલીસ સાથે સંપર્કમાં છે. મેં DGP પાસેથી હત્યાને લઈને તમામ જાણકારી મેળવી છે. આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવામાં આવશે અને કડક સજા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, હર્ષાની (બજરંગ દળ કાર્યકર) હત્યા બાદ હવે આ બનાવ બન્યો છે. જે અમાનવીય અને નિંદનીય છે. આવા તત્વોને કોઈ પણ ભોગે આવાં તત્વોને છોડવામાં નહીં આવે. ગુનેગારો જલ્દીથી પકડાઈ જશે. આ આંતર-રાજ્ય મુદ્દો હોવાના કારણે હાલ હું બધી જ બાબતો સાર્વજનિક કરી શકતો નથી.
Govt will form a commando force with special training, intelligence, ammunition, resources to go after anti-national & terror groups conspiring to disrupt the peace & stir communal tensions in the state: Karnataka CM Basavaraj Bommai, in an emergency press conference at midnight pic.twitter.com/U46Si8IUDr
— ANI (@ANI) July 27, 2022
તેમણે એમ પણ જણાવ્યું કે, સરકાર રાજ્યમાં શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરતા અને કોમી રમખાણો ભડકાવવાના પ્રયત્નો કરતા આવા દેશવિરોધી તત્વો અને આતંકવાદી જૂથોને ડામવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ, ઇન્ટેલિજન્સ અને હથિયાર સહિત કમાન્ડો ફોર્સની રચના કરશે.
ભાજપ કાર્યકરની હત્યાનો કેસ કેન્દ્રીય એજન્સી NIAને સોંપવામાં આવશે કે કેમ તે મામલે તેમણે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક માહિતી એકઠી કરવામાં આવી રહી છે, તેમજ કેટલાક નિયમો પણ પાળવા પડે છે. કેસ NIAને સોંપવો કે કેમ તે મામલે અમે પછીથી નિર્ણય લઈશું.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે વિસ્તારમાં મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યાના અરસામાં ભાજપ નેતા ઉપર કુહાડી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઘટના બાદથી જ શહેરમાં અને રાજ્યમાં તણાવનો માહોલ છે અને હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ પણ પ્રદર્શન શરૂ કરી દીધું છે.
પ્રવીણની હત્યા મામલે PFI અને SDPI લિંક અંગે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને શંકા છે કે હત્યા બેલ્લારીના મુસ્લિમ યુવક મસૂદની હત્યાના બદલવામાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે. કારણ કે થોડા દિવસો પહેલાં જ એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ક્યાંક નૂપુર શર્માના સમર્થન બદલ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ, ભાજપ કાર્યકરની હત્યા બાદ કર્ણાટકમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો જ સરકારના વિરોધમાં આવી ગયા છે. કાર્યકરોએ હત્યાના વિરોધમાં રાજીનામાં આપવાનાં શરૂ કર્યાં છે. ભાજપ કાર્યકરો પર સતત થતા હુમલાઓને પગલે કર્ણાટકમાં સત્તાધારી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
સમગ્ર મામલાને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે રોષ છે. બીજી તરફ, ગઈકાલે કર્ણાટકમાં હિંદુ સંગઠન અને ભાજપના કાર્યકરોએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલની કારને ઘેરી લીધી હતી. જેના કારણે ઘણા સમય સુધી તેઓ ત્યાં ફસાયેલા રહ્યા હતા.