કર્ણાટક રાજ્યની નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે રાજ્યમાં લાગુ ધર્માંતરણ વિરોધી કાયદો રદ કરવાની જાહેરાત કરી છે. અગાઉની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યમાં બળજબરીથી લોભ-લાલચ આપીને કરવામાં આવતા ધર્માંતરણને રોકવા માટે આ કાયદો લાગુ કર્યો હતો, જેને રદ કરવાની વર્તમાન કોંગ્રેસ સરકારે જાહેરાત કરી છે.
ગુરૂવારે કર્ણાટક રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કાયદા મંત્રી અને કોંગ્રેસ નેતા એચકે પાટિલે ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા વર્ષ 2022માં લાવવામાં આવેલ કાયદો રદ કરવામાં આવશે અને બંધારણની જોગવાઈઓ અનુસાર નવું બિલ રજૂ કરવામાં આવશે.
#BREAKING | Karnataka Congress withdraws anti-conversion law#AntiConversionLaw #Karnataka #Congress https://t.co/2lTXQflKr0 pic.twitter.com/PuEfMvKYcN
— Republic (@republic) June 15, 2023
કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાજ્યની શાળાઓમાં ભણાવતાં પાઠ્યપુસ્તકોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે. બી હેડગેવાર અને અન્યોને લગતા પાઠ પણ હટાવવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે બળજબરી, લોભલાલચ અને છેતરપિંડીથી થતાં ધર્માંતરણ અને સામૂહિક ધર્માંતરણ પર રોક લગાવવાના હેતુથી વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું. ત્યારબાદ સરકાર અધ્યાદેશ લાવી હતી, જેને ગવર્નરે મે, 2022માં મંજૂરી આપી હતી. તેના છ મહિનામાં તેને વિધાનસભામાંથી પણ પસાર કરવાનું હોઈ સપ્ટેમ્બર, 2022માં બિલ ફરી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જેને ગૃહની મંજૂરી મળી ગઈ હતી.
આ બિલનો તત્કાલીન વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને તેને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. ત્યારે કોંગ્રેસે તેને કોર્ટમાં પડકારવાની પણ વાત કહી હતી. હવે સરકાર બન્યા બાદ કોંગ્રેસ તેને રદ કરવા જઈ રહી છે.
#WATCH | "They (Congress) want votes of Muslims, Siddramaiah's govt is against Hindus…they might even re-introduce hijab…they want to attract votes of minorities and politicise everything…": BC Nagesh, Former Karnataka Education Minister https://t.co/8NimglOzH0 pic.twitter.com/plbgrqh1id
— ANI (@ANI) June 15, 2023
કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ નિર્ણય બાદ ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ શિક્ષણમંત્રી બીસી નાગેશે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “તેમને (કોંગ્રેસને) મુસ્લિમોના જ મતો જોઈએ છે અને સિદ્ધારમૈયાની સરકાર હિંદુઓની વિરોધી છે. તેથી અમે સંસ્કૃતિને બચાવવા માટે જે કંઈ પણ પગલાં લીધાં હતાં, તેઓ તેની વિરુદ્ધ જઈ રહ્યા છે. તેઓ ગૌવંશના કતલ વિશે બોલી રહ્યા છે, કારણ કે તેમને મુસ્લિમોના મત જોઈએ છે. તેઓ હિજાબ વિશે બોલે છે અને મને લાગે છે કે તેઓ હિજાબ પણ ફરીથી કાયદેસર કરી દેશે, કારણ કે તેમણે મુસ્લિમોને વચન આપ્યું છે કે તેઓ હિજાબ મુદ્દે નિર્ણય લેશે. ત્રીજી બાબત- ધર્માંતરણ. તેઓ લઘુમતીઓના મત મેળવવા માંગે છે અને તમામ બાબતોનું રાજકારણ કરી રહ્યા છે.”