Wednesday, November 6, 2024
More
    હોમપેજગુજરાત‘કાયદો-વ્યવસ્થા જાળવવા માટે..’: જૂનાગઢ હિંસા બાદ તોફાનીઓને જાહેરમાં ફટકારવાના આરોપો મામલે પોલીસનો...

    ‘કાયદો-વ્યવસ્થા જાળવવા માટે..’: જૂનાગઢ હિંસા બાદ તોફાનીઓને જાહેરમાં ફટકારવાના આરોપો મામલે પોલીસનો જવાબ, જણાવ્યું- 500 મુસ્લિમોના ટોળાએ કર્યો હતો હુમલો

    ડીએસપી હિતેશ ધાંધલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર નિરવ શાહે જૂનાગઢ પોલીસ તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બે એફિડેવિટ દાખલ કર્યાં હતાં. જેમાં તેમણે કસ્ટોડિયલ ટોર્ચર અને પબ્લિક ફ્લોગિંગના (જાહેરમાં માર મારવો) આરોપોને રદિયો આપ્યો.

    - Advertisement -

    16 જૂન, 2023ના રોજ જૂનાગઢમાં દરગાહને અપાયેલી નોટિસ વિરુદ્ધ એકઠા થયેલા મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધા બાદ પોલીસે સ્થિતિ નિયંત્રણમાં મેળવવા માટે અમુક ઉપદ્રવીઓને પકડીને જાહેરમાં ફટકાર્યા હતા. આ કાર્યવાહીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે હવે પોલીસે ખુલાસો આપ્યો છે. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ સોગંદનામાંમાં જૂનાગઢ પોલીસે જણાવ્યું કે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પગલાં લેવાં જરૂરી હતાં. 

    આ મામલે ડીએસપી હિતેશ ધાંધલિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર નિરવ શાહે જૂનાગઢ પોલીસ તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બે એફિડેવિટ દાખલ કર્યાં હતાં. જેમાં તેમણે કસ્ટોડિયલ ટોર્ચર અને પબ્લિક ફ્લોગિંગના (જાહેરમાં માર મારવો) આરોપોને રદિયો આપ્યો. તેમણે કહ્યું કે, જો આરોપોને સાચા પણ માની લેવામાં આવે તોપણ અરજદારો સાથે યોગ્ય અને અસરકારક રીતે કાર્યવાહી કરવા માટે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જ આ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. 

    ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ઝાકિર યુસુફ મકવાણા અને સાજિદ કલીમુદ્દિન અન્સારી નામના વ્યક્તિઓએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને જૂનાગઢમાં 16મી જૂને હિંસા ફાટી નીકળ્યા બાદ તેમને ગેબનશાહ મસ્જિદની સામે જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના અને પોલીસ કસ્ટડીમાં ટોર્ચર થયું હોવાના આરોપ લગાવ્યા હતા. સાથે એવો પણ આરોપ લગાવ્યો કે તેમની સાથે ગાળાગાળી પણ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    આ મામલે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરીને 24 જુલાઈના રોજ પોલીસ કર્મચારીઓને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ ડીએસપી હિતેશ ધાંધલિયા અને ઈ ડિવિઝન પોલીસના પીઆઇ નિરવ શાહે પોતાના અને બાકીના 14 પોલીસ કર્મચારીઓ વતી સોગંદનામાં દાખલ કર્યાં હતાં. જેને હાઈકોર્ટે 11 સપ્ટેમ્બર, 2023 (સોમવારે) રેકોર્ડ પર લીધાં હતાં. 

    પોલીસને ખોટી રીતે મામલામાં ઘસડવામાં આવી રહી છે

    એફિડેવિટમાં તમામ આરોપોને ફગાવતાં જણાવવામાં આવ્યું કે, દલીલો અને તર્કો માટે માની પણ લેવામાં આવે કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો સાચા અને યોગ્ય છે, તોપણ આ કાર્યવાહી માત્ર અરજદારો સાથે યોગ્ય અને અસરકારક રીતે કામ લેવા માટે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવી હતી. સ્થિતિ નિયંત્રિત રહે અને સાર્વજનિક શાંતિ બની રહે તે માટે આ પ્રકારનાં કથિત પગલાં લેવામાં આવ્યાં હતાં. 

    અરજદારોએ જાહેરમાં માર મારવાનો વીડિયો પણ અરજીમાં જોડ્યો હતો, જેને લઈને પોલીસ અધિકારીઓએ એફિડેવિટમાં કહ્યું કે, “મામલાના તમામ તથ્યોને જોતાં, એમ કહી શકાય કે અરજદારો માત્ર પોલીસને ખોટી રીતે ઘસડી રહ્યા છે, જેઓ માત્ર પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને આ પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય બદલાનો છે, જે તેમના સમુદાયના નેતાઓના કહેવાથી લેવામાં આવી રહ્યો છે. 

    બંને સોગંદનામાંમાં એ પણ જણાવવામાં આવ્યું કે કઈ રીતે હિંસાના દિવસે 500થી 550 મુસ્લિમ પુરૂષો અને મહિલાઓનું ટોળું દરગાહ વિરુદ્ધ અપાયેલી નોટિસના વિરૂદ્ધમાં ભેગું થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે, આ ટોળાએ પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે યોજનાબદ્ધ રીતે પોલીસ પર હુમલો કરી દીધો હતો. હવે આ મામલે હાઈકોર્ટ આગામી 27 સપ્ટેમ્બરના રોજ આગલી સુનાવણી હાથ ધરશે. 

    16 જૂનની રાત્રે જૂનાગઢમાં શું બન્યું હતું?

    ઉલ્લેખનીય છે કે ગત 16 જૂનના રોજ જૂનાગઢમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે 500થી વધુ મુસ્લિમોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. વાસ્તવમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ નજીક આવેલી દરગાહ સહિત કુલ આઠ ધાર્મિક-મઝહબી સ્થળોને નોટિસ પાઠવી હતી, જેમાં મંદિરો પણ સામેલ હતાં. મજેવડી ગેટ નજીકની ગેબનશાહ દરગાહને નોટિસ મળતાં સાંજથી જ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં. 

    16મીએ સાંજે વધુ ટોળાં એકઠાં થઈ જતાં પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો કર્યા હતા અને વાટાઘાટો દ્વારા મામલાનો ઉકેલ લાવવા સમજાવ્યા હતા, પરંતુ રાત્રે 10 વાગ્યે અચાનક ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો તો આસપાસનાં વાહનોને પણ નિશાન બનાવ્યાં હતાં. ટોળાએ આ ઉપરાંત બસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ચાર પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. જૂનાગઢ હિંસાનું ઑપઇન્ડિયાનું સંપૂર્ણ કવરેજ અહીંથી વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં