મહેબુબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવા પ્રશાસને નોટીસ ફટકારી હોવાના અહેવાલો મળી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુપકર રોડ પર ફેર વ્યૂ રેસીડેન્સ ખાલી કરવાની નોટિસ મને થોડા દિવસો પહેલાં આપવામાં આવી હતી. જોકે, રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમને રહેવા માટે વૈકલ્પિક બંગલો આપવામાં આવી શકે છે.
અહેવાલો અનુસાર ,મહેબુબા મુફ્તીને સરકારી બંગલો ખાલી કરવા નોટીસ મળ્યા બાદ દાવો કરતાં પીડીપી પ્રમુખે કહ્યું કે, નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંગલો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી માટે છે, પરંતુ એવું નથી. આ જગ્યા મારા પિતા (મુફ્તી મોહમ્મદ સઈદ)ને ડિસેમ્બર 2005માં ફાળવવામાં આવી હતી, જ્યારે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું. આથી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલ આધારો યોગ્ય નથી.”
સરકારી સંપત્તિ પર હક જમાવવા કોર્ટમાં જશે મુફ્તી?
પૂછવામાં આવ્યું કે શું તેઓ નોટિસને કાયદાની અદાલતમાં પડકારશે? ત્યારે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેઓ તેમની કાનૂની ટીમની સલાહ લેશે. તેમણે કહ્યું, ‘મારી પાસે એવી જગ્યા નથી જ્યાં હું રહી શકું. તેથી નિર્ણય લેતા પહેલાં મારે મારી કાનૂની ટીમની સલાહ લેવી પડશે.” દરમિયાન, સમાચાર છે કે મહેબૂબા મુફ્તીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના માટે અન્ય વૈકલ્પિક ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેબૂબા મુફ્તીને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ સરકારી આવાસ મુખ્યમંત્રી માટે છે અને તેઓ હવે મુખ્યમંત્રી નથી. તેથી તેમણે આ બંગલો છોડવો પડશે.
જમ્મુ અને કાશ્મીર પ્રશાસને મહેબૂબા મુફ્તીને આ નોટિસ જમ્મુ અને કાશ્મીર પબ્લિક પ્રિમાઈસીસ (અનધિકૃત કબજેદારોની નિકાલ) એક્ટ, 1988, એમેન્ડમેન્ટ એક્ટ, 2016 હેઠળ મોકલી છે. આ નોટિસમાં તેમને કહેવામાં આવ્યું છે કે જો તમને સુરક્ષા કે અન્ય કોઈ કારણોસર અન્ય વૈકલ્પિક રહેણાંક સુવિધાની જરૂર હોય તો સરકાર તમારી વિનંતી પર તેની વ્યવસ્થા પણ કરશે.
2005થી આ બંગલામાં રહે છે મહેબુબા મુફ્ત્તી
2005થી આ બંગલામાં રહેતા મહેબૂબા મહેબૂબાએ કહ્યું કે, આ બંગલો તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદને ડિસેમ્બર 2005માં આપવામાં આવ્યો હતો, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા. મોટાભાગના હાઈપ્રોફાઈલ રાજકારણીઓ, અમલદારો અને પોલીસ અને ગુપ્તચર અધિકારીઓ ગુપકર રોડ પરના વૈભવી ફેર વ્યૂ આવાસની આસપાસ જ રહે છે.