Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડના સાહિબગંજમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાઈ, સ્થાનિક હિંદુઓમાં આક્રોશ: કડક કાર્યવાહીની માંગ...

    ઝારખંડના સાહિબગંજમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાઈ, સ્થાનિક હિંદુઓમાં આક્રોશ: કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન, બે દિવસ પહેલાં થયો હતો પથ્થરમારો

    બનાવની જાણ થતાં જ હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને રસ્તા પર ધરણાં કરીને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    - Advertisement -

    ઝારખંડ ખાતેના સાહિબગંજમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને લઈને સ્થાનિક હિંદુઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. હિંદુ સંગઠનો આ મામલે કડક કાર્યવાહી કરીને ગુનેગારોને પકડવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ આ મામલે પોલીસે એક ઈસમની અટકાયત કરી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. 

    ઘટના સાહિબગંજ પોલીસ મથક વિસ્તારમાં બની હતી. અહીં હનુમાનજીના એક મંદિરમાં અજાણ્યા ઈસમોએ તોડફોડ કરીને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી નાંખી હતી. આ બનાવની જાણ થતાં જ હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને રસ્તા પર ધરણાં કરીને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    બજરંગ દળ કાર્યકર્તાઓએ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે મૂર્તિના પુનર્નિર્માણની માંગ કરી છે. બીજી તરફ, કાર્યવાહીનું આશ્વાસન આપીને પોલીસે કહ્યું છે કે જ્યાં મંદિર છે ત્યાં નજીકમાં જ સીસીટીવી કેમેરા લાગેલા છે અને જેમાં દોષીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને જલ્દીથી તેમને પકડીને કાર્યવાહી કરવામાં આવશે. 

    - Advertisement -

    સાહિબગંજ ડેપ્યુટી પોલીસ કમિશનરે આ મામલે જણાવ્યું કે, “અહીં પટેલ ચોક પાસે એક હનુમાન મંદિર છે અને અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું હતું. અમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને તેની ચકાસણી કરી રહ્યા છીએ. અમુક લોકોની ઓળખ કરી લેવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવશે. જિલ્લા તંત્ર તેમની સામે કડક પગલાં લેશે.”

    PTIના રિપોર્ટ અનુસાર, પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્થિતિ નિયંત્રણમાં છે તેમજ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે. 

    અન્ય એક રિપોર્ટ અનુસાર, હનુમાનજીની મૂર્તિ ખંડિત થયા બાદ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયેલા બજરંગ દળના કાર્યકર્તાઓ પર ઝારખંડ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. 

    જિલ્લા પોલીસ વડાના નિવેદન અનુસાર, મૂર્તિને ફરીથી તેના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે તેમજ હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને માહોલ શાંત છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં શનિવારની સાંજે (1 એપ્રિલ, 2023) ઝારખંડના સાહિબગંજમાં જ મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના દરમિયાન શોભાયાત્રામાં સામેલ કેટલાક લોકો ઉપરાંત પોલીસકર્મીઓને પણ ઇજા પહોંછી હતી. રિપોર્ટ અનુસાર, આ હિંસા દરમિયાન એક બાઇકમાં આગ પણ લગાડી દેવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં