ભારતમાં ઘરવાપસીને લઈને છેલ્લા ઘણા સમયથી ઉત્સુકતા જોવા મળી રહી છે, જો કે ભારતમાં દરેક સૌને પોત પોતાની રીતે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. પરંતુ લોભ લાલચ કે ભય જન્માવીને કોઈનું ધર્મપરિવર્તન કરાવવુએ ગુનો બને છે. મધ્યપ્રદેશથી એક ઘરવાપસીના સમાચાર આવી રહ્યા છે, જેમાં એક પરિવારે નવ વર્ષ પહેલા ઈસાઈ ધર્મ સ્વીકાર્યો હતો જેણે હવે સનાતન ધર્મમાં વાપસી કરી હતી.
મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ઝાબુયા જીલ્લાના ધામંડા ગામના એક પરિવારના આઠ લોકો મંગળવારે સનાતન ધર્મમાં પરત ફર્યા હતા. આ લોકો નવ વર્ષ પહેલા આરોગ્ય સુવિધાની લાલચમાં ખ્રિસ્તી બન્યા હતા. ધર્મ પ્રસાર વિભાગના સંત કમલ મહારાજ અને રાકેશ ડામોર સહીતના સંતોની પ્રેરણાથી ઘરવાપસી કરી હતી. સનાતન ધર્મમાં પાછા આવતા જ તેમને નજીકમાં આવેલા મહાદેવના મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. સાથે જ જનજાતિ સમુદાયના લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા સંત ઘૂમસિંહ મહારાજની પ્રતિમાને નમન કર્યા હતા.
ભારતમાં હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવવું તે ખુબ જ ગંભીર સમસ્યા છે. માટે હિંદુ સંગઠનો ઘરવાપસી પણ કરાવતા હોય છે. આ મામલે પણ વિશ્વ હિંદુ પરિષદે મહત્વની ભૂમિકા નિભાવી હતી. VHPના ધર્મ પ્રસાર પ્રમુખ આઝાદ પ્રેમસિંહે કહ્યું કે જો સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે તો તેને ભૂલેલો ન કહેવાય, એમ આ પરિવાર હવે સનાતનનો હિસ્સો બની ગયો છે. ભોળા આદિવાસીઓને ખોટી લાલચ આપીને ધર્માંતરિત કરવામાં આવે છે, પરંતુ તેઓ પોતાની મૂળ સંસ્કૃતિથી દુર રહીને સામાન્ય જીવન જીવી શકતા હોતા નથી. તેઓ હંમેશા તેમની સભ્યતા અને સંસ્કૃતિને ભૂલી શકતા નથી. થોડા પ્રયત્નો પછી તેઓ ફરી સનાતન ધર્મ અપનાવિ લેતા હોય છે.
ધર્મપરિવર્તન કરેલા પરિવારે જણાવ્યું હતું કે જે તે સમયે અમારા પરિવારમાં બીમારી આવી હતી. જેમાં અમને રોગ દુર કરવાની અને બીજી પણ કેટલીક લાલચો આપી હતી. જેના કારણે અમે માર્ગ ભટકીને ધર્મપરિવર્તન કર્યું હતું. પરંતુ અમને ધર્મ અને સંસ્કૃતિ સતત યાદ જ આવ્યા કરતી હતી. માટે ફરીથી સનાતન ધર્મમાં વાપસી કરી છે. હવે અમે ખુબ જ સારું મહેસુસ કરી રહ્યા છીએ. ઘરવાપસી કરનારાઓ તમામ એક જ પરિવારના સભ્યો હતા.